News of Tuesday, 21st January 2025
કોર્પોરેટરો ગ્રાન્ટમાંથી ૭૧ જેટલા પ્રજાકીય કામો સુચવી શકે
રાજકોટનો વિકાસ ૪૦ વર્ષ અંધારામાં રહયો? : બીપીએમસી એકટમાં જોગવાઇ છતાં અધિકારીઓ દ્વારા બોર્ડ, બાંકડા તથા પેવીંગ બ્લોકમાં સહાય વેડફાઇઃ સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે અભ્યાસ કરી પરિપત્ર કાઢયોઃતમામ વિભાગોમાં સૂચના

રાજકોટ તા. ર૧ :.. દેશભરમાં વિકાસની વાતો વચ્ચે રાજકોટના વિકાસને ૪૦-૪૦ વર્ષથી અંધારાનું ગ્રહણ લાગ્યુ હોય તેવી ૪ દાયકાની નગરસેવકોની અબજો રૂપિયાની ગ્રાન્ટની ઘટના જયમીન ઠાકરના અભ્યાસ બાદ હવે કોર્પોરેટરોને કુલ ૭૧ કામો માટે ગ્રાન્ટ ફાળવવા ધ્યાને આવતા અધિકારીઓને તુરંત નગરસેવકોની સહાયમાંથી કામો કરી આપવા સૂચના આપી હતી. ઉપરાંત આ વર્ષની કોર્પોરેટરોની બાકી ગ્રાન્ટ તથા આવતા વર્ષની સહાયમાંથી ૭૧ જેટલા કામો કરવા પણ તાકીદ કરી હતી.
આ અંગે ગ્રાન્ટ પરત જવાની દર વર્ષની ઘટના અંગે સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરને પુછવામાં આવતા તેમને જણાવેલ કે, બીપીએમસી એક્ટ મુજબ રાજ્યની અન્ય મહાનગરાપલિકાઓમાં અનેક પ્રકારના કામો થઈ રહ્યા છે. જેથી સેક્રેટરી વિભા દ્વારા અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા, જામનગર સહિતની મહાનગરપાલિકાઓને પત્ર લખી કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી થતાં પ્રોજેક્ટોની વિગત માંગવામાં આવે જે મુજબ ૭૧ જેટલાકામો કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી થઈ શકે છે. તેમ જાણવા મળ્યું છે. આથી આજ સુધી મનપાના અધિકારીઓ દ્વારા બીપીએમસી એક્ટમાં નિયમ હોવા છતાં પાંચથી સાત કામો ગ્રાન્ટમાંથી કરવામાં આવી રહ્યા હતાં. અને હવે ૭૧થી વધુ કામો કરવા માટે આજે સાંજે અધિકારીઓ સાથે યોજાયેલ બજેટ મીટીંગમાં આ મુદ્દાની ચર્ચા કરી અન્ય મહાનગરપાલિકાઓમાંથી સુચવવામાં આવેલા કામોની યાદીથી વાકેફ કરવામાં આવશે એન આ મુજબ નવા વર્ષમાં અને નવા બજેટમાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર પાસેથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ રાજકોટ મહાનરગપાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત આ નિર્ણય લેવામાં આવશે. આજ સુધી કોર્પોરેટરની ગ્રાન્ટોમાંથી થતાં પાંચથી સાત પ્રકારના કામોના સ્થાને હવે ૭૧થી વધુ કામો કરવામાં આવશે. જેના લીધે ટેન્ડર પ્રક્રિયામાં થતો સમયનો વેડફાટ બચી જશે અને દરેક વોર્ડના કોર્પોરેટર પોતાના વોર્ડમાં વિકાસના કામો કે જે ૧૦ લાખની અંદર થતાં હોય તેવા ૭૧ પ્રકારના કામો તુરંત કરી શકશે. જેના લીધે વોર્ડના નાના કામોને વેગ પ્રાપ્ત થશે.
કયા કયા કામો થઇ શકશે
રાજ્યની સાત મહાનગરપાલિકાઓ દ્વારા કરવામાં આવેલા કામો મુજબ રાજકોટ મહાનગરપાલિકા હવેથી કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી વિકાસના કામો કરશે. જેમાં ઝુપડપટ્ટી વિસ્તારમાં પાણી, ગટર, સહિતના શેરી ગલીઓમાં ડામર રોડનું કામ, ટ્રાફિક નિયમન માટે રોડ ડિવાઈડર, સ્પીડ બ્રેકર, સ્વીમીંગ પુલ, હેલ્થ સ્ટેશન તેમજ લાઈબ્રેરી હસ્તકના અને બગીચાઓના કામો, ટયુબલાઈટ, પંખા, લાઈટના થાંભલા, સોલાર લાઈટ, એલઈડી લાઈટ, રોહાઉસ, પેવર બ્લોક, ટ્રાફિક સર્કલ બનાવવા શાળાઓમાં સૌચાલય, પાણી, કમ્પાઉન્ડ વોલ, વિજળીકરણ સહિતના કામો, શાળાઓમાં રમત-ગમત, કસરના સાધનો, ડસ્ટબીન મુકવા, મનપાની હોસ્પિટલોમાં સાધનો મુકવા, બાંધકામ સાધનોની ખરીદી, વળક્ષારોપણ, કુંડા, આંગણવાડીઓમાં પીવાના પાણી માટેની સુવિધાઓ, શાળાઓમાં બેન્ચ, શાળાઓ માટે કોમ્પ્યુટર ટેબલ, ખુરશીઓ સહિતની ખરીદી, સવ્ચછતા અભિયાન માટે મોબાઈલ ટોઈલેટ, ડસ્ટબીન વિતરણ, તમામ પ્રકારના માસ્ક, સેનેટાઈઝર તેમજ કુદરતી આપત્તિને લગતી સાધન-સામગ્રીને લગતી કાચા રસ્તામાં મોરમ પાથરવી, સ્ટ્રીટ લાઈટ ન હોય ત્યાં સ્ટ્રીટલાઈટ નાખવી સહિતના ૭૧ નવા કામો કોર્પોરેટર પોતાની ગ્રાન્ટમાંથી પોતાના વોર્ડમાં જ કરી શકશે.(૨.૨૩)
કામગીરી ઝડપી બનશે
રાજકોટઃ મહાનગરપાલિકાની કોર્પોરેટરોની દર વર્ષે પરત જતીં ગ્રાન્ટનો સદઉપયોગ થઈ શકતો નથી. તેવા પ્રશ્નના જવાબમાં સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે આજે અન્ય મહાનગરપાલિકાઓમાં થતીં કામગીરીનો દાખલો આપી જણાવેલ કે, અન્ય મનપામાં ૭૦થી વધુ કામો કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી થઈ રહ્યા છે. જેની અમલવારી રાજકોટમાં કરવામાં આવશે. જેના લીધે ઝોનલમાંથી કામો વધુ થશે અને કોર્પોરેટર દ્વારા સુચવવામાં આવેલા કામો ઝોનલમાં થશે જેમાં સ્પીડ આવવાથી વિકાસના કામોને વેગ મળશે.
(2:57 PM IST)










