<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

કમિશનના બદલે યોગ્‍ય પગાર માટે સરકાર સામે અવાજ ઉઠાવતા ગ્રામ પંચાયત કોમ્‍પ્‍યુટર ઓપરેટરો

વી.સી.ઇ.નું શોષણઃ ૧૧ ફેબ્રુઆરીએ રાજયપાલ અને વિધાનસભાના અધ્‍યક્ષને આવેદન અપાશે

રાજકોટ તા. ૨૧: ગુજરાત રાજય ગ્રામ પંચાયત કોમ્‍પ્‍યુટર સાહસિક (ઓપરેટર) મંડળે શોષણકારક કમિશન પ્રથા બંધ કરી યોગ્‍ય પગાર આપવાની માંગણી કરી છે. મંડળના પ્રમુખ મનહરસિંહ ઝાલા અને મહામંત્રી પંકજ  પરમાર ના નામથી મુખ્‍ય મંત્રી અને મુખ્‍ય સચિવને  આ અંગે  પત્ર પાઠવવામાં આવ્‍યા છે. ઉપાય ન મળે તો તા. ૧૧ ફેબ્રુઆરીએ તમામ વી.સી.ઇ. રાજયપાલ અને વિધાનસભાના અધ્‍યક્ષને આવેદન  આપશે.

આવેદનમાં જણાવાયું છે કે કમીશન નીતીથી શોષણ થતુ હોય બંધારણ મુજબ હક્ક માટે અવાજ ઉઠાવીએ તો સરકારશ્રી મંડળને સરકાર વિરોધી કે વિરોધ પક્ષના હાથા સમજે છે.અને સરકાર દ્વારા ન્‍યાય આપવામાં આવતો નથી. આવી વિકટ પરિસ્‍થિતિ ઉભી થઇ છે. જવાબદાર અધિકારીઓને વીસીઇને ન્‍યાય મળે એ માટે સમયાંતરે મુલ્‍યાંકન કરી સચોટ નિર્ણય લેવામાં રસ નથી. કમિશન નિતીથી ઇ-ગ્રામ સોસાયટી દ્વારા ખુલ્લે આમ શોષણ કરવામાં આવી રહયું છે. સમયસર કમીશન મળતુ નથી ઘર કઇ રીતે ચલાવવુ? મહિને કમીશન કેટલુ મળશે? મળશે તો કયારે મળશે? પગાર મળતો ના હોય કમિશન નીતીના કારણે બાળકોને સારૂ ભણતર આપવુ ખુબ અઘરૂ થઇ ગયું છે. જોબ સિકયુરીટીના હોવાથી ગમે ત્‍યારે છુટા કરી દેવામાં આવે છે.

આમ સરકારની નીતીના કારણે અનેક પ્રશ્નોએ વીસીઇનું જીવન જીવવુ મુશ્‍કેલી બનાવી દીધું છે. અને પગાર ના હોવાથી હજારો વીસીઇ માનસીક તણાવ હેઠળ જીવન જીવતા ન્‍યાય ની આશા ઝંખતો વીસીઇ લાચારી સરકાર દ્વારા કમીશન નિતી દુર થાય અને ગુલામીમાંથી ન્‍યાય આપતા પગાર આપવાની દિશામાં સચોટ અને પારદર્શીત નિર્ણય જાહેર કરવામાં આવે તેવી વિનંતી છે. સરકાર દ્વારા તા.૩-ર-ર૦રપના રોજ સુધી માંગણીઓ પરત્‍વે ન્‍યાય આપવામાં નહી આવેતો ના છુટકે ગુજરાતના તમામ વીસીઇ દ્વારા શોષણ અને ગુલામી સામે ન્‍યાય મેળવવા ૧૧-ર-ર૦રપના રોજ રાજયપાલ અને વિધાનસભા અધ્‍યક્ષ આવેદન આપીને અવાજ ઉઠાવવાની ફરજ પડશે.

(4:18 PM IST)