News of Wednesday, 22nd January 2025
આજે રઘુવંશીઓનો મહાકુંભઃ મહાપ્રસાદઃ સૈલાબ ઉમટશે
ગઇકાલે ગૌ સેવાના લાભાર્થે લોકડાયરો યોજાયોઃ રઘુવંશી સમાજનું સપાખરૂ લલકારતા જ કલાકાર દેવાયત ખવડ પર થયો રૂપિયાનો વરસાદઃ જય જલારામ, જય રઘુવંશ, દેવાયત ખવડના હાકલા-પડકારોથી યુવાનો ઝુમી ઉઠયા રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજનઃ વિરદાદા જશરાજજીના શૌર્ય દિનની ભવ્ય ઉજવણી લાખણસી ગઢવીએ શહીદ વીરદાદા જશરાજજીના ઇતિહાસને ઉજાગર કર્યો

રાજકોટઃ રેષકોર્સના મેદાનમાં આજે સાંજે રઘુવંશીઓનો મહાકુંભ યોજાશે. હજારો રઘુવંશી ભાઇ બહેનો વીર દાદા જશરાજજીના શૌર્ય દિનની ઉજવણી નિમીતે એક સાથે મહાપ્રસાદ ગ્રહણ કરશે. વીર દાદા જસરાજજી શહીદ દિનની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહયા છે ત્યારે કાલે રાત્રે રેસકોર્સના મેદાનમાં દેવાયત ખવડ અને લાખણસી ગઢવી અને સુખદેવ ડાંગરે ચાહકોને લોકસાહિત્યનું રસપાન કરાવ્યું. આ લોકડાયરામાં રેસકોર્સમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. ત્યારે ગૌ સેવાના લાભાર્થે યોજાયેલા આ લોકડાયરામાં રઘુવંશીનું સપાખરૂ લલકારતા જ દેવાયત ખવડ પર પૈસાનો વરસાદ થયો હતો.
દેવાયત ખવડે ડાયરામાં સાહિત્ય, વીરરસની વાતો કરતા જણાવ્યું હતુ કે, રઘુવંશી સમાજના દાદાની વીરરસની વાતો કોને ન ગમે. રઘુવંશી સમાજના પ.પૂ.ભકત શ્રી જલારામ વિશ્વ વિખ્યાત છે.
દેવાયત ખવડે નાલંદા વિશ્વ વિદ્યાલયની વાત કરતા જણાવ્યું હતું કે, ધર્મની રક્ષા માટે લડવું જરૂર છે એક થવું જરૂરી છે. ત્યારબાદ રઘુવંશી શ્રી રામની વીરતાની વાતો ઉજાગર કરતા જ લોકો ઝુમી ઉઠયા હતાં.
લોક ડાયરામાં કલાકાર લાખણસી ગઢવીએ શહીદ વીરદાદા જસરાજજીનો ઇતિહાસ ઉજાગર કર્યો હતો. જેમાં તેમણે કહયું હતુ કે, ભારતની ભુમિએ શૌર્યભુમી છે. દેશની સંસ્કૃતી તથા હિંદુ ધર્મને બચાવવા કેટલાય શુરવીરોએ પોતાની જાતને ન્યોછાવર કરી છે. એવા એક શુરવીર યોધ્ધા સુર્યવંશના વંસજ લોહરાણા કુળમાં જન્મેલા લોહરગઢના મહારાણા વીરદાદા જસરાજજીએ ગાયોની રક્ષા કાજે શહીદી વહોરી હતી. લગ્નના મંડપ માંથી ઉભા થઇ માત્ર ર૪ખ વર્ષની ઉમરે શત્રુઓનો નાશ કરી પરત ફર્યા ત્યારે તેના જ એક મિત્રએ દગાથી ધડ પરથી માથુ ઉતારી લેતા વીરદાદા જસરાજજીએ શહીદી વહોરી હતી. જયારે રઘુવંશી સમાજના રવિ કોટકે લોહાણા સમાજના ઇતિહાસની વાતો કરતા સૌ કોઇ મંત્રમુગ્ધ થયા હતાં.
મહત્વનું છે કે સાહિત્યકાર દેવાયત ખવડના ડાયરામાં શુરવીરો અંગે વાત કરતા અને રઘુવંશીના ઇતિહાસની વાત કરતા લોહાણા સમાજ દ્વારા દેવાયત ખવડ પર રૂપીયાઓનો વરસાદ કર્યો હતો. લાખો રૂપીયાની વર્ષા થતાં ડાયરામાં અનોખું દ્રશ્ય સજાર્યુ હતું.
(2:01 PM IST)










