News of Thursday, 23rd January 2025
રાજકોટના ૯૭ વિસ્તારમાં જંત્રી દર વધારવા કલેકટરને અરજીઓ
રંગીલા શહેરમાં ઉલ્ટી ગંગા વહેતા પ્રભવ જોષી અને સ્ટેમ્પ ડયુટીનું તંત્ર ચોંકી ઉઠયાઃ આખુ લીસ્ટ બનાવાયુ : રાજકોટ કલેકટર-સ્ટેમ્પ ડયુટી સમક્ષ ઓફલાઇન-૪૯ર તો ઓનલાઇન-૪૧૮ સહિત કુલ ૯૧૦ વાંધા અરજીઓ આવી : ઓફલાઇન વાંધા અરજીઓની ડેટા એન્ટ્રીની કામગીરી ચાલુઃ અધિકારી સૂત્રોનો નિર્દેશ વધારા સામેના વાંધાઓમાંથી ૮૦ ટકા વાંધાઓ નીકળી જાય તેવા છે

રાજકોટના ૯૭ વિસ્તારો કે જયાં જંત્રી દર વધારવા અરજીઓ આવી

રાજકોટ તા. ર૩ :. રાજય સરકારે રાજકોટ સહિત રાજયભરમાં ફલેટ, જમીન, ખુલ્લા પ્લોટ, બીનખેતી અને ખેતીની જમીન, મકાનો વિગેરે બાબતે અને વિસ્તારો મુજબ જંત્રી ડ્રાફટ-ર૦ર૪ જાહેર કર્યો હતો, તેમાં જબરો વધારો આવતા બિલ્ડર લોબી, કન્સ્ટ્રકશન લોબી તથા લોકોમાં મોટો ઉહાપોહ ઉભો થયો હતો, પરીણામે રાજકોટ સહિત દરેક જીલ્લા માટે જે તે કલેકટરના અધ્યક્ષ પદે વાંધાઓ સામે અરજીઓ કરવા અંગે જીલ્લા સ્તરની કમિટીની રચના કરાઇ છે, વાંધાઓ તા. ર૧ જાન્યુઆરી સુધીમાં કરવાના હતા, હવે કલેકટર તથા જે તે સ્ટેમ્પ ડયુટી ડે. કલેકટરનો સ્ટાફ આવેલ વાંધાઓની ચકાસણી કરી, ડેટા એન્ટ્રી કરી બાદમાં હવે કલેકટર તમામ વાંધાઓનો અભ્યાસ કરી રાજય સરકારને રીપોર્ટ કરશે.
રાજકોટ વિભાગ-૧, અને રાજકોટ વિભાગ-ર માં સુચીત જંત્રી-ર૦ર૪-રપ સામે ઓફલાઇન ૪૯ર તો ઓનલાઇન ૪૧૮ સહિત કુલ ૯૧૦ વાંધાઓ આવ્યા છે.
આટલા બધા વાંધાઓ સામે અધીકારી સુત્રો કહી રહયા છે કે આમાંથી ૮૦ ટકા નીકળી જાય તેવી સંભાવના છે, કારણ કે સંખ્યાબંધ વિસ્તારો એવા છે કે જો ર૦૧૧ ની જંત્રી દરમીયાન રાજકોટ શહેરની બહાર હતા, હવે આ વિસ્તારો રાજકોટ શહેરની હદમાં આવરી લેવાના છે, પરીણામે ત્યાં જંત્રી દર ઉંચા રહે તેમ છે.
દરમિયાન જંત્રી દરના વાંધાઓ સામે રંગીલા રાજકોટમાં ઉલ્ટી ગંગા પણ જંત્રી બાબતે વહેતી થઇ છે.
રાજકોટના ૯૭ વિસ્તારના લોકો, બિલ્ડરો, સંસ્થાઓએ ૯૭ વિસ્તારમાં જંત્રી દર વધારવા કલેકટર અને સ્ટેમ્પ ડયુટી તંત્ર સમક્ષ અરજીઓ-ઓછી જંત્રી અંગે વાંધાઓ રજૂ કરી જંત્રી દરો વધારવા માંગણી કરતા કલેકટર અને સ્ટેમ્પ ડયુટીનું તંત્ર ચોંકી ઉઠયું છે, આવા તમામ ૯૭ વિસ્તારોનું આખુ લીસ્ટ, તેની ર૦૧૧ ની જંત્રી, હાલ ર૦ર૪ માં સૂચવાયેલ જંત્રી દર, તથા ફલેટ, જમીન, મકાન, ખુલ્લા પ્લોટ વિગેરે બાબતે ખાસ વર્ગીકૃત કર્યુ છે.
આ જે નવા ૯૭ વિસ્તારોમાં જંત્રી દર વધારવા અંગે રજૂઆતો થઇ તેમાં વિખ્યાત ફલેટ, એપાર્ટમેન્ટ, ટેનામેન્ટનો પણ સમાવેશ થાય છે.
(4:07 PM IST)










