<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

રાજકોટ કેમીસ્ટ એસો. દ્વારા એજયુકેશન વર્કશોપ યોજાયોઃ ૩૧ માર્ચ પહેલા ચુંટણી

ફુડ એન્ડ ડ્રગના આસી. કમિશનર આર.એન. રામ દ્વારા એનડીપીસી કાયદો, ભાવ નિયમન આદેશ, ડ્રગ એન્ડ કોસ્મેટીકસ એકટ, જાદુઇ ઇલાજ ધારો, ટી.બી. મુકત ભારત વિગેરે સંદર્ભે વિસ્તૃત સમજ અપાઇ * કેમીસ્ટ એસો.ના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને ઉપપ્રમુખ અનિમેષ દેસાઇ દ્વારા ઇ-કોમર્સ, ઇ-ફામર્સી, હેલ્ધી કોમ્પીટીશન વિષયે સેંકડો સભ્યોને જાગૃત કરાયા

રાજકોટ, તા. ર૩: કેમીસ્ટ એસોસીએશન રાજકોટ દ્વારા વાર્ષીક સાધારણ સભા (જનરલ બોર્ડ) ની સાથે સાથે તમામ સભ્યો (દવાના રીટેલર્સ અને હોલસેલર્સ) માટે ઉપયોગી અને માહિતીપ્રદ એજયુકેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સભ્યોએ વિશાળ સંખ્યામાં ઉમળકાભેર ભાગ લીધો હતો. માર્ચ ર૦રપ માં કેમીસ્ટ એસો. રાજકોટના હાલના હોદેદારોની ત્રણ વર્ષની મુદત પુરી થતી હોય, ૩૧ માર્ચ, ર૦રપ પહેલા ચુંટણી યોજવાની જાહેરાત પણ સામાન્ય સભામાં કરી દેવામાં આવી હતી. ચુંટણી પ્રક્રિયા માટે કમિશનર તરીકે સંજયભાઇ ઉનડકટ (ભકિત મેડીકલ રૈયા રોડ, તથા ઇન્ડીપેન્ડન્ટ જોઇન્ટ કમિશનરો તરીકે રાજેશભાઇ મણિયાર તથા હિતેષભાઇ પટેલની વરણી કરવામાં આવી હતી. ચુંટણીની ચોકકસ તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે તેવું ચુંટણી કમિશનર સંજયભાઇ ઉનડકટે અકિલાને જણાવ્યું હતું.

રાજયના ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ ડીપાર્ટમેન્ટના રાજકોટ જીલ્લાના આસીસ્ટન્ટ કમિશનર આર. એન. રામ દ્વારા નાર્કોટીકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટન્સ રૂલ્સ ૧૯૮પ (એનડીપીએસ), ભાવ નિયમન આદેશ ર૦૧૩, ડ્રગ્સ એન્ડ કોસ્મેટીકસ એકટ ૧૯૪૦, ટી.બી. મુકત ભારત અભિયાન, હાયર એન્ટીબાયોટીકસનો બિનજરૂરી દુરૂપયોગ વિગેરે સંદર્ભે વિસ્તૃત અને તલસ્પર્શી સમજ આપવામાં આવી હતી. ઉપરાંત જાદુઇ ઇલાજ ધારો ૧૯પ૪ વિશે ઉંડાણપુર્વક માહિતી આપીને વાંધાજનક જાહેરાતો બાબતે પણ આસી. કમિશનર આર.એન. રામે દવાના વેપારીઓને જાગૃત કર્યા હતા.

કેમીસ્ટ એસોસીએશન રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજાએ આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં સાચી, યોગ્ય અને પુરતી માહિતી સાથે 'હેલ્ધી કોમ્પીટીશન' ને મહત્વ આપવા સભ્યોને અનુરોધ કર્યો હતો. ઉપપ્રમુખશ્રી  અનિમેષભાઇ દેસાઇએ ફાસ્ટ ફોરવર્ડ વર્તમાન યુગમાં ઇ-કોમર્સ, ઇ-ફામર્સી, સામે કંઇ રીતે ટકી રહેવું ? નફો તથા સર્વિસ કંઇ રીતે જાળવી રાખવા ? ગ્રાહકો સાથે કેવો વ્યવહાર રાખવો ? વિગેરે વિશે હાજર રહેલ સૌ સભ્યોને વાકેફ કર્યા હતા. એસોસીએશનના મંત્રી બાબુલાલ ભુવાએ પણ વર્કશોપને ટેલિફોનિક શુભેચ્છા પાઠવી હતી. જનરલ બોર્ડ-વર્કશોપ બાદ સાંજે કેમીસ્ટ એસોસીએશનના તમામ સભ્યો માટે વીથ ફેમીલી મ્યુઝીકલ ઇવનિંગનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

તસ્વીરમાં રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના રાજકોટ જીલ્લાના આસીસ્ટન્ટ કમિશનરશ્રી આર.એન. રામનું સ્વાગત કરતા કેમીસ્ટ એસોસીએશન રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને ઉપપ્રમુખ અનિમેષભાઇ દેસાઇ તસ્વીરમાં નજરે પડે છે. વિશાળ સંખ્યામાં હાજર રહેલા દવાના વેપારીઓ દ્રશ્યમાન થાય છે. તથા આસી.  કમિશનર આર. એન. રામ પોતાનું વકતવ્ય આપતા નજરે પડે છે.

(4:21 PM IST)