News of Tuesday, 28th January 2025
સદર બજારમાં વિજ ટ્રાન્સફોર્મર રીપેર કરતી વખતે કરંટ લાગતાં લાઇનમેન નરેન્દ્રભાઇ જાદવનું મોત
મોડી રાતે સાડા બારેક વાગ્યે બનાવઃ પોપટપરા રઘુનંદન સોસાયટીમાં રહેતાં ૪૧ વર્ષિય યુવાન પરિવારનો એક માત્ર આધાર હતાં: બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવીઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૮: શહેરના સદર બજારમાં મોડી રાત્રે વિજ ફોલ્ટની ફરિયાદ આવતાં વિજ ટ્રાન્સફોર્મર રીપેર કરવા બીજા કર્મચારીઓ સાથે પહોંચેલા પીજીવીસીએલના લાઇનમેન યુવાનને એકાએક કરંટ ચાલુ થઇ જતાં ઝાટકો લાગતાં બેભાન થઇ પડી ગયા હતાં. તેમનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં, સાથી કર્મચારીઓમાં કલ્પાંત સર્જાયો હતો.
જાણવા મળ્યા મુજબ પોપટપરા રઘુનંદન સોસાયટી-૧માં રહેતાં નરેન્દ્રભાઇ ગોવિંદભાઇ જાદવ (ઉ.વ.૪૧) રાતે પોતાની નોકરી પર હોઇ સદર બજારમાં ભારત ફ્રુટ ગોડાઉન પાસે વિજ ફોલ્ટની ફરિયાદ મળતાં બીજા કર્મચારીઓ સાથે તેઓ ત્યાં ગયા હતાં. પાવર સપ્લાય બંધ કરી ટ્રાન્સફોર્મમાં ફોલ્ટ હોઇ તે રીપેર કરવા તજવીજ કરી હતી તે વખતે અચાનક જ પાવર સપ્લાય ચાલુ થઇ જતાં તેને જોરદાર કરંટ લાગતાં ફેંકાઇ ગયા હતાં. બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ રાઠોડ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ જાણ કરતાં પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર નરેન્દ્રભાઇ જાદવ પરિવારના એકના એક પુત્ર હતાં. તેમના પિતા હયાત નથી. તેઓ લાઇનમેન તરીકે કાયમી કર્મચારી હતી. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવી છે. બનાવને પગલે સાથી કર્મચારીઓ, અધિકારીઓમાં પણ શોક છવાઇ ગયો હતો.
(4:23 PM IST)










