<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

રાજકોટ જિલ્લામાં દિવ્‍યાંગો માટે શ્રેષ્‍ઠ કાર્ય બદલ આરોગ્‍ય ટીમને પ્રોત્‍સાહન

કલેકટરના હસ્‍તે પ્રમાણપત્ર સ્‍વીકારતા ડો.આર.આર. ફુલમાલી

રાજકોટ જિલ્લામાં દિવ્‍યાંગો માટે આરોગ્‍ય ક્ષેત્રની શ્રેષ્‍ઠ કામગીરી બદલ જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીએ જિલ્લા પંચાયતના મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.આર.આર. ફુલમાલીને પ્રમાણપત્ર એનાયત કરેલ તે પ્રસંગની તસ્‍વીરમાં બાજુમાં કાર્યકારી જિલ્લા વિકાસ અધિકારી એ.કે. વસ્‍તાણી ઉપસ્‍થિત છે.

રાજકોટ તા.૨૮: કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્‍યક્ષસ્‍થાને ક્‍લેકટર કચેરી ખાતે જિલ્લા આરોગ્‍ય સંકલન સમિતિ તેમજ જિલ્લા આરોગ્‍ય સોસાયટી ગર્વનિંગ બોડીની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેકટરે રાજકોટ જિલ્લામાં ટી.બી. મુક્‍ત ભારત અભિયાન અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી. ઉપરાંત રાજકોટ જિલ્લાના દિવ્‍યાંગ લોકોને સાઘન સહાય વિતરણ અંગે એલિમ્‍કો દ્વારા કરાયેલ એસેસમેન્‍ટ કેમ્‍પ અન્‍વયે ઉમદા કામગીરી કરનાર સીડીએચઓ આર.આર. ફુલમાલી સહિત આરોગ્‍ય વિભાગના ૨૫ ડોક્‍ટર્સ, અધિક્ષકોને પ્રમાણપત્ર એનાયત કરી ભવિષ્‍યમાં પણ આવી જ રીતે સરાહનીય કામગીરી કરતા રહેવાની શુભેચ્‍છા પાઠવી હતી. ઉપરાંત જિલ્લામાં આરોગ્‍ય કેન્‍દ્રના બાંધકામ માટેના જમીનના પ્રશ્નોના નિવારણ તેમજ દવાઓ, વાહન સહિતની બાબતે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.  કલેકટરશ્રીએ પીડીયુ હોસ્‍પિટલમા કેમેરા, જરૂરી મશીનરી અંગે સમીક્ષા કરી હતી.

બેઠકમાં ઇન્‍ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એ.કે. વસ્‍તાણીએ ઋતુજન્‍ય રોગો અંગે થયેલ કામગીરીની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્‍યુ હતુ. આરોગ્‍ય કેન્‍દ્રમાં આવતા ૩૦ વર્ષથી વધુ ઉંમરના લોકોનું બ્‍લડપ્રેશર, ડાયાબિટીસ ચેક કરવા તેમજ ૭૦ વર્ષથી વધુ વયના નાગરિકોના આયુષ્‍યમાન કાર્ડ, પીએમજેએવાય અને આ.ભા. કાર્ડ કઢાવવામાં મદદરૂપ થવા તાલુકા હેલ્‍થ ઓફિસર તેમજ ડોક્‍ટર્સને કયુએમઓ ડો.સિંગે સુચન કર્યુ હતુ.  આ બેઠકમાં આર.ડી.ડી. ડો. મહેતા, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી શ્રી આર.આર. ફુલમાલી, જિલ્લા આર.સી.એચ ઓફિસર શ્રી જોશી, સિવિલ હોસ્‍પિટલના ડોક્‍ટર્સ સહિત તાલુકા હેલ્‍થ ઓફિસરો અને મેડિકલ ઓફિસરો ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:06 PM IST)