News of Tuesday, 28th January 2025
એસ.ટી.બસ પોર્ટ દ્વારા મુસાફરો સુવિધાઓ ઉપર તરાપઃ હિતરક્ષક સમિતિએ અવાજ ઉઠાવ્યો
યુરીનલ ફ્રી હોવા છતાં ઉઘરાણી ચાલુઃ ચાર્જીગ પોઇન્ટ બંધ કરાયા

રાજકોટ તા. ૨૮: ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, મેઘજીભાઈ રાઠોડ, પૂર્વ ફોજી નટુભા ઝાલા, એસ.પી રાજાણી, જીગ્નેશ વાગડિયા, પટેલ નાગજીભાઈ વિરાણી, પટેલ ગીરીશભાઈ, જીગ્નેશ બોરડ ની સંયુક્ત યાદીમાં જણાવે છે કે ઢેબર રોડ પરના રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર નો વહીવટ છેલ્લા ઘણા સમયથી ખાડે ગયો છે અને અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટ ચાલી રહ્યો છે. પોલીસ ચોકી બની પરંતુ પોલીસ ગુટલી મારી રહી છે. પોલીસ ચોકીમાં કે બસ સ્ટેશનમાં પોલીસ ભાગ્યે જ હાજર હોય છે. રાજકોટ એસ.ટી બસ બસ પોર્ટ પર મુસાફરોને જે સુવિધા મળવી જોઈએ તે મળતી નથી મુસાફરો યુરીનલ માં ઉઘાડે છોગ લૂંટાઈ રહ્યા છે.
રાજકોટ એસ.ટી બસ પોર્ટ પરના મોબાઈલ ર્ચાજિંગ પોઇન્ટ પ્લેટફોર્મ તથા અન્ય જગ્યાએ મૂકવામાં આવેલ હતા તે તમામ મોબાઈલ ર્ચાજિંગ પોઇન્ટ પર પાટીયા લગાવી દેવામાં આવ્યા છે. મુસાફરોની હયાત સુવિધા ઝુંટવી લેવાનો પ્રયાસ વખોડવા પાત્ર અને નીંદનીય છે. ફક્ત વોલ્વો વેઇટિંગ રૂમમાં સુવિધા ઉપલબ્ધ છે. એટલે અમીરોને સુવિધા મળી રહી છે પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના તમામ મુસાફરોની મોબાઈલ ર્ચાજિંગ ની સુવિધા ઝૂંટવી લેવામાં આવતા રાજકોટના ડેપો મેનેજર ને આ બાબતે ગજેન્દ્રસિંહ ઝાલાએ ટેલીફોનિક ઉગ્ર રજૂઆત કરાયા બાદ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોએ નોંધવાની ફરિયાદ પોથી (પરિશિષ્ટ બ) મુજબ ફરિયાદ નંબર ૧૪૩૫૨૯ થી લેખિત ફરિયાદ કરી છે.
રાજકોટના ડેપો મેનેજર અને વિભાગીય નિયામકને પત્ર પાઠવી તાત્કાલિક ધોરણે આ સુવિધા ઉપલબ્ધ કરવા અપીલ કરવામાં આવી છે સોશિયલ મીડિયાના જમાનામાં મોબાઇલ દરેક મુસાફરો પાસે હોય ત્યારે મોબાઈલ ર્ચાજિંગ પોઇન્ટ તાત્કાલિક શરૂ કરવા એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિએ માંગણી ઉઠાવી છે
(4:02 PM IST)










