તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Wednesday, 29th January 2025
વરૂણનો પંજો એળે ગયો! ટીમ ઇન્ડિયા હારતા ક્રિકેટપ્રેમીઓ નિરાશ
ઇંગ્લેન્ડે આપેલા ૧૭ર રનના ટાર્ગેટ સામે ભારત ૧૪પ રન જ બનાવી શકયું: હાર્દિક (૪૦ રન) સિવાયના બેટસમેનો ફેઇલઃ શમી પણ કંઇ ઉકાળી ન શકયોઃ સિરીઝનો ચોથો મેચ ૩૧મીએ

રાજકોટઃ જોસ બટલરની આગેવાની વાળી ઈંગ્લેન્ડની ટીમે જીતનો સ્વાદ ચાખી લીધો છે. ઈંગ્લેન્ડે ભારતને ૨૬ રનથી હરાવીને ત્રીજી ટી ૨૦ જીતી લીધી છે.
મહેમાનટોસ હારીને પહેલા બેટિંગ માટે ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે નિર્ધારીત ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૭૧ રન બનાવ્યાં હતા. જવાબમાં ભારત ૨૦ ઓવરમાં ૯ વિકેટમાં ૧૪૫ રન જ બનાવી શકયું હતું. આ રીતે ભારતને જીતવા માટે ૨૬ રનની ખોટ પડી અને તેનો પરાજય થયો હતો. હાર્દિક પંડ્યા સિવાય એક પણ ખેલાડી ૪૦ રનના આંકડાને પાર કરી શકયો નહોતો.
પાંચ મેચોની ટી ૨૦ સીરિઝમાં હવે બે મેચ બાકી રહી છે. હવે પછીની ચોથી ટી ૨૦ પુણેમાં ૩૧ જાન્યુઆરીએ તથા પાંચમી ટી ૨૦ મુંબઈમાં ૨ ફેબ્રુઆરીએ રમાશે.
ઈંગ્લેન્ડ તરફથી મળેલા ૧૭૨ રનનો ટાર્ગેટ પૂરો ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરુઆત જ ખરાબ રહી. પહેલા ઝટકો ઓપનર સંજૂ સેમસનના રુપમાં લાગ્યો, તે સાવ મફતમાં ૩ રનમાં પેવેલિયન ભેગો થઈ ગયો હતો ત્યાર બાદ અભિષેક શર્મા પણ ૨૪ રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ ચાલ્યો નહોતો અને તેણે પણ ૧૪ રન બનાવીને ચાલતી પકડી હતી. તિલક વર્મા પણ ૧૮ રન બનાવીને આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદર પણ સસ્તામાં ૬ રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ પણ ઉપરા ઉપરી ભારતની વિકેટ પડી હતી અને એક પણ ખેલાડી ચાલી શકયો નહોતો.
ઈંગ્લેન્ડની ટીમ ટોસ હારીને પહેલાં બેટિંગ માટે ઉતરી હતી. ઓપનર બેન ડકેટે તોફાની ઈનિંગ રમતાં ૨૬ બોલમાં ફિફ્ટી ફટકારી દીધી હતી જોકે ૨૭મા બોલમાં તે ૫૧ રન બનાવી અક્ષર પટેલનો શિકાર બન્યો હતો. વરુણ ચક્રવર્તીએ ભારતને મોટી વિકેટ અપાવી હતી. કેપ્ટન જોસ બટલર ૨૨ બોલમાં ૨૪ રન બનાવીને આઉટ થયો હતો. એમ્પાયરે નોટઆઉટ આપ્યો હતો પરંતુ ભારતે ડીઆરએસ લીધું અને તેમાં તેને આઉટ જાહેર કરાયો. ત્યાર બાદ રવિ બિશ્નોઈએ હૈરી બ્રૂકને ૮ રનમાં પેવેલિયન ભેગો કર્યો હતો. ત્યાર બાદ જેમી સ્મિથ પણ સસ્તામાં સમેટાયો હતો. ૧૩.૪ ઓવરમાં ઈંગ્લેન્ડને પાંચમો ઝટકો લાગ્યો હતો, જેમી ઓવરટન ખાતું ખોલાવ્યાં વિના પેવેલિયન ભેગો થયો. ત્યાર બાદ આવેલા ખેલાડીઓ પણ કંઈ કૌવત દેખાડી શકયા નહોતા આ રીતે ૯ વિકેટમાં ઈંગ્લેન્ડનો રથ ૧૭૧ પર અટકયો હતો.
વરુણે ફક્ત ૨૪ રન આપીને ૫ વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડની છાવણીમાં ખળભળાટ મચાવ્યો હતો. ટીમ ઈન્ડિયાની બોલિંગ લાઈનમાં આ મોટી સિદ્ધિ હતી અને ઈંગ્લેન્ડની ટીમનો રથ રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
શમીએ ૧૫ મહિના બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી હતી અને તેને અર્શદીપ સિંહને બદલે લેવાયો હતો. પરંતુ શમી કંઇ ખાસ પ્રભાવ પાડી શકયો ન હતો. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(11:12 AM IST)










