News of Wednesday, 29th January 2025
સ્માર્ટ સીટીના રોડ પરના વોંકળા ૪૭ કરોડના ખર્ચે ફોર ટ્રેક બનશે
કાલે મનપાની સ્ટેન્ડિંગ કમિટીઃ પર દરખાસ્તો : આર્ષ વિદ્યા મંદિર પાસે ૬.૩૧ કરોડના ખર્ચે હાઇલેવલ બ્રિજઃ મુંજકા પોલીસ સ્ટેશનથી આગળ વોંકળા પર બોકસ કલર્વટ બનશેઃ વિવિધ કાર્યક્રમોના ખર્ચે થશે મંજુર

રાજકોટ તા. ૨૯: મ્યુનિ. કોર્પોરેશનની આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં ૧૫૦ ફુટ રીંગરોડ-૨ ઉપર (સ્માર્ટસીટી) જામનગર રોડથી કટારિયા ચોકડી સુધીના રોડ ઉપર ફોરલેન ૩ બ્રિજ બનાવવા તેમજ મુંજકા પોલીસ સ્ટેશનની બાજુમાં અને રૈયાથી સ્માર્ટ સીટી જવાના રોડ ઉપર બે બ્રીજ બનાવવા સહિતની પાંચ બ્રીજ બનાવવા સહિતની ૫૨ દરખાસ્તો અંગે નિર્ણય થશે. આ અંગે સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે દરખાસ્ત અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું.
મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં ૫૩ દરખાસ્ત પૈકી નવા રીંગ રોડને ફોરલેન બનાવવા તરફ વધુ ખર્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગર રોડથી કટારિયા ચોકડી અને કટારિયા ચોકડીથી ગોંડલ રોડ સુધીના ફોરલેન રોડ બનાવવાની ટેન્ડર પ્રક્રિયા લગભગ પૂર્ણ થવામાં છે ત્યોર જામનગર રોડથી કટારિયા ચોકડી એટલે કે, કાલાવડ રોડ સુધીના રોડ ઉપર વોંકળા પર ત્રણ હાઈલેવલ ઓવરબ્રીજ બનાવવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. અંદાજે રૂા.૪૭ કરોડના ખર્ચે ૩ બ્રીજ બનાવવામાં આવશે.
મહાનગરપાલિકાનાં વોર્ડ નં.-૯માં નવાં ૧૫૦ ફુટ રીંગ રોડ પરનાં ત્રણ બ્રીજને વાઇડનીંગ કરવાનાં કામે નવાં ૧૫૦ ફુટ રીંગ રોડ પરનાં પરશુરામ ચોકડી થી કટારીયા ચોકડી સુધીનાં રસ્તા પર આવતાં ત્રણ બ્રીજ પૈકી બ્રીજ નં.-ર (ઈવ.૧+૭૬૦) આશરે ૩૫૮.૦૯૧ મીટર લંબાઇ તથા ૪૫.૦૦ મીટર પહોળાઇમાં, બ્રીજ નં.-૩ (ઈવ.૩+ ૯૪૦) આશરે ૩૫૮.૦૯૧ મીટર લંબાઇ તથા ૪૫.૦૦ મીટર પહોળાઇમાં, બ્રીજ નં.-૪ (ઈવ.૦+૧૩૦) આશરે ૨૯૪.૨૨૦ મીટર લંબાઇ તથા ૪૫.૦૦ મીટર પહોળાઇમાં આર.સી.સી. હાઇલેવલ બ્રીજનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. વિશેષમાં આ ત્રણેય બ્રીજ નવાં ૧૫૦ ફુટ રીંગ (જામનગર હાઇ-વે થી કાલાવાડ રોડ)ને જોડતા મુખ્ય રસ્તા પરના બ્રીજો હોય, જેનો આશરે ૧૦૦૦૦૦ લોકોને ફાયદો થશે. અને આ કામે રૂા.૪૨,૨૫,૭૩,૪૦૯ ની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ હતી. જે પૂર્ણ થતાં દરખાસ્ત તૈયાર કરી સ્ટેન્ડીંગમાં રજૂ કરવામાં આવી છે.
મનપાની સ્ટેન્ડીંગની બેઠકમાં હાઈલેવલ બ્રીજ ઉપરાંત ડ્રેનેજ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ જુદા જુદા બગીચાઓ, બાલ ક્રિડાગણ, પમ્પીંગ સ્ટેશનની વાર્ષિક કામગીરી, અલગ અલગ વિસ્તારોમાં પેવર કાર્પેટ તેમજ મેડિકલ સ્ટોર, વેક્સિન સેન્ટર તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપલાઈનો તથા પેવીંગ બ્લોક અને મનપામાં ફરજ બજાવતા કર્મચારીઓને આર્થિક તબીબી સહાય સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
ઇસ્ટઝોનમાં મનપાની મીલ્કતોમાં ફાયર સિસ્ટમ લાગશે
મહાનગરપાલિકાના પૂર્વ ઝોન હસ્તકની મિલકતોમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનું તથા ફાયર એન.ઓ.સી. કામમાં ૧૦૦ મી.મી., ૮૦ મી.મી., ૨૫ મી.મી. ડાયા.ના જી.આઈ. પાઈપલાઈન, ૬૩ મી.મી. ડાયા. નો ફાયર હાઈડ્રન સ્મોક ડિટેક્શર તથા હોઝ રીલ ડ્રમ ૬૩ મી.મી. ડાયા.નો ફાયર હોસપાઈપ તથા ફાયર એક્સ્ટી વ્યુસર વિગેરે સપ્લાય તથા તેને લગત પ્લમ્બીંગ કામનો સમાવેશ કરવામાં આવેલ. પ્રક્રિયા કરવામાં આવેલ જે ફાઈનલ થયા બાદ દરખાસ્ત રજૂ થયેલ છે જેના લીધે ઈસ્ટઝોનમાં આવેલ મનપા હસ્તકની તમામ ઝોનલ કચેરીઓ સહિતની ઓફિસોમાં ફાયર સિસ્ટમ લગાડી ફાયર એનઓસી મેળવવામાં આવશે.
સોલીડ વેસ્ટ વિભાગના કર્મચારીઓનો ગળપ ઈન્સ્યોરન્સ લેવાશે
મહાનગરપાલિકાના સોલીડ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ અલગ અલગ બીમારીનો વધુ ભોગ બનતા હોય સારવાર માટે સ્ટેન્ડીંગમાં તબીબી આર્થિક સહાયની દરખાસ્તો આવતી હોય છે. જેમાં રાહત મેળવવા માટે મહાનગરપાલિકા હવે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં આઉટડોર કામગીરી કરતા કર્મચારીઓનો ગળપ ઈન્સ્યોરન્સ લેવાનો નિર્ણય આ અંગેની દરખાસ્ત સ્ટેન્ડીંગમાં રજૂ કરવામાં આવી છે. જેના લીધે બીમારી સબબ હવે આ વિભાગમાં ફિલ્ડની કામગીરી કરતા તમામ કર્મચારીઓને ઈન્સ્યોરન્સ માટે તબીબી સહાય પ્રાપ્ત થશે.
(2:55 PM IST)










