News of Wednesday, 29th January 2025
સીટી બસમાં ૧૯ ખુદાબક્ષો પકડાયા : બે હજારનો દંડ
લાં...બા... સમયે સીટી બસમાં ચેકીંગ ટિકિટ કામગીરીમાં અનિયમિતા સબબ ૩ કંડકટરને ફરજ મુકત કરાયા : એજન્સી ને ૬ હજારનો દંડ

રાજકોટ, તા. ર૯ : રાજકોટ મહાનગરપાલિકાની હસ્તાંતરિત કંપની રાજકોટ રાજપથ લી. દ્વારા સીટી બસ તથા બી.આર.ટી.એસ. બસનું સંચાલન કરવામાં આવે છે. હાલ ૭૩ રૂટ પર ૧૯૯ બસ દ્વારા શહેરી પરિવહન સેવા પૂરી પાડવામાં આવી રહેલ છે. ત્યારે સીટી બસમાં ટીકીટ ચેકીંગ માટેની ડ્રાઈવ યોજવામાં આવી જેમાં ટીકીટ આપવાની કામગીરીમાં અનિયમિતતા સબબ પકડાયેલ કુલ-૩ કંડકટરોને ફરજ મુક્ત કરી તેમજ કંડકટર સપ્લાય કરતી એજન્સીને રૂ.૬૦૦૦ પેનલ્ટી આપવામાં આવેલ છે. તથા ટીકીટ વગર મુસાફરી કરતા ૧૯ પાસેથી પણ રૂ. ૨૦૯૦ની પેનલ્ટીની વસુલાત કરવામાં આવેલ છે. આ ઉપરાંત સીટી બસ ઓપરેટર એજન્સીની કામગીરીની અનિયમીતતા બદલ રૂ.૨૩૭૨ની પેનલ્ટી આપવામાં આવેલ છે.
આમ આ ખાસ ડ્રાઈવના કારણે સીટી બસ સેવામાં મુસાફરી કરતા પેસેન્જરોની સંખ્યા તથા ટિકીટની આવકમાં વધારો થયેલ છે. વધુમાં સીટી બસ સેવાનું સંચાલન કરતી રાજકોટ રાજપથ લી.ની યાદીમાં જણાવ્યાનુંસાર બસમાં ટિકીટ લેવી તે મુસાફરીની પ્રાથમિક જવાબદારી છે અને વગર ટિકીટ મુસાફરી કરતા પકડાયેથી તેની સામે દંડનિય કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત ટિકીટ આપવા અંગે કંડકટર દ્વારા કોઈપણ પ્રકારની અનિયમીતતા ધ્યાને આવે તો મુસાફરો કોલ સેન્ટર નંબર ૧૫૫૩૦૪ પર ફરીયાદ કરી શકે છે. આ બન્ને બસ સેવાને વધુને વધુ લોકાભિમુખ બનાવવા તથા જાહેર પરિવહન સેવાનો વધુને વધુ ઉપયોગ કરી ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યાને હલ કરવા મદદરૂપ થવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવેલ છે
(4:00 PM IST)










