News of Thursday, 30th January 2025
કાલે મનપાનું બજેટઃ કદ વધવાની સંભાવના
ગત વર્ષે રજૂ થયેલ ૨૮૧૭.૮૧ કરોડના બજેટના અનેક કામો આજે પણ અધુરાઃ ૭૦ ટકાના પ્રોજેકટો કાગળ પરઃ મ્યુનિ. કમિશ્નરનું પ્રથમ બજેટ :ચુંટણી વર્ષમાં નાગરીકો પર કોઇ બોજ લગાડાશે ? ખોટા ખર્ચાનું પ્રતિબિંબ બજેટમાં પડશે? ટીઆરપી કાંડ બાદ કામની શીખ લેશે ?

રાજકોટ, તા. ૩૦: મહાનગરપાલિકા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ને બજેટ આવતી કાલે તા. ૩૧-જાન્યુઆરીએ રજૂ થનાર છે. ગત વર્ષની તુલનાએ નવા બજેટમાં કદમાં વધારો થવાની સંભાવના જોવાઈ રહી છે. ગત વર્ષે પાણીવેરા, ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન અને ખુલ્લા પ્લોટના વેરામાં વધારો કરવામાં આવ્યો હતો. જેના લીધે આ વર્ષે ચૂંટણીઓને ધ્યાનમાં લઈ તેમજ ગત વર્ષે કરબોજ લાદેલ હોવાથી આ વખતનું બજેટ કરબોજ વગરનું અપાય તેવી સંભાવના જોવાઈ રહી છે.
મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા દ્વારા આવતી કાલે તા. ૩૧-જાન્યુઆરીએ રજૂ કરવામાં આવશે. સવારે ૯:૩૦ કલાકે કમિશનર દ્વારા બજેટ સ્ટેન્ડીંગ ચેરમેનને સુપ્રત કરાશે. ત્યાર બાદ એક સપ્તાહ બજેટનો અભ્યાસ સ્ટેન્ડીંગના સભ્યો દ્વારા કરવામાં આવશે. જેમાં કમિશનર દ્વારા સુચવવામાં આવેલા નવા પ્રોજેક્ટો તેમજ હાલના કાર્યરત પ્રોજેક્ટો અંગેની ચર્ચા કરી સંભવત નવા કરબોજ નાખવામાં આવ્યા હશે તો તેને મંજુર કરવા કે નહીં તે અંગેનો પણ નિર્ણય લેવામાં આવશે. સ્ટેન્ડીંગના સભ્યો દ્વારા સતત એક સપ્તાહ સુધી દરરોજ બજેટનો અભ્યાસ કરાશે ત્યાર બાદ જરૂરિયાત મુજબના સુધારા-વધારા કરી સ્ટેન્ડીંગના સભ્યો તેમજ શહેરીજનોની જરૂરિયાત હોય અને બજેટમાં જોગવાઈ ન થઈ હોય તેવા નવા પ્રોજેક્ટો અને તેના ખર્ચની જોગવાઈ સુચવવામાં આવશે. ત્યાર બાદ ફાઈનલ બજેટ તૈયાર કરી સ્ટેન્ડીંગ દ્વારા મંજુરી આપી બજેટ બોર્ડમાં રજૂ કરી મંજુર કરવામાં આવશે.
મહાનગરપાલિકાએ ગત વર્ષે ૨૮૧૭.૮૧ કરોડનું બજેટ રજૂ કર્યુ હતું. જેમાં ૫૦૦ મીટરથી મોટા પ્લોટના વેરામાં તોતીંગ વધારો તેમજ ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન અને પાણીવેરામાં પણ વધારો કરી શહેરીજનો ઉપર કુલ રૂા. ૧૭.૭૭ કરોડનો કરબોજ વધારવાની જોગવાઈ કરવામાં આવેલ. જેમાં મહદઅંશે ઘટાડો કરી સ્ટેન્ડીંગ કમિટિ દ્વારા પાણીવેરો અને મિલ્કતવેરાનો તેમજ ગારબેજ કલેક્શનનો વધારો મંજુર કરી ફાઈલ બજેટ કદ વધારા સાથે મંજુર કર્યુ હતું. ગત વર્ષે પાણીબીલમાં ૧૫૦૦ના ૧૬૦૦, બીલ રહેણાકના ૩૦૦૦ના ૩૨૦૦ અને રહેણાકમાં ૧૦૦ ટકા તેમજ કોમર્શીયલમાં ૨૦૦ ટકાનો વધારો સુચવવામાં આવેલ જે માન્ય ન રાખી મામુલી વધારા સાથે બજેટને મંજુરી આપવામાં આવી હતી. ગત વર્ષે લાયન સફારી પાર્ક, એફએસઆઈ, બાગ-બગીચાઓ, તાાનાગાર, અને વ્યાજ સહિતની આવકમાં મહેસુલી આવકમાં આવરી લેવામાં આવી હતી. જ્યારે મોડી આવકમાં સૌની યોજનાની ગ્રાન્ટ તથા ૧૫મું નાણાપંચ સહિતની ગ્રાન્ટ રૂા. ૯૨૦.૩૪ કરોડ આંકવામાં આવી હતી. તેમજ જમીનના વેચાણ અને મ્યુનિસિપલ બોન્ડ થકી આવક ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવે જે આ વખતે પણ જોગવાઈમાં સામેલ કરાશે. તેવું લાગી રહ્યું છે.
(3:52 PM IST)










