News of Thursday, 30th January 2025
નકલી પોલીસ બની તોડ કરનાર સલિમ ઉર્ફ જીગો અગાઉ પણ ૭ ગુનામાં સામેલ
ભાવનગર રોડ પર તુંસ્ત્રી સાથે વાતો કરતો'તો કહી ભાવેશને ડરાવી રૂપિયા પડાવ્યા હતાં થોરાળા પોલીસ મથકના ઇન્ચાર્જ એસ. એસ. રાણે, પીએસઆઇ એન. આર. ડોબરીયા, એએસઆઇ દેવશીભાઇ ખાંભલા, જયદિપસિંહ જાડેજાની બાતમી પરથી પકડી લેવાયોઃ સગીરની પણ સંડોવણીઃ ૨૩ હજાર રોકડા કબ્જે

રાજકોટ તા. ૩૦: ચોટીલાના લાખણકા ગામેથી રાજકોટ ભાભીને દાખલ કર્યા હોઇ તેની ખબર કાઢવા આવેલા ભાવેશ નામના યુવાનના વાહનને નંબર વગરના ટુવ્હીલર પર આવેલા બે શખ્સે અમુલ સર્કલ નજીક એંસી ફુટ રોડ પર આંતરી તું ભાવનગર રોડ પરના મકાને એકસ્ત્રીને મળવા ગયો હતો, હવે તારા પર પોલીસ કેસ થશે તેમ કહી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી ડરાવી ધમકાવી રૂા. ૨૫ હજાર પડાવી લીધા હતાં. ભાવેશે પોતે દવાખાનાના કામે આવ્યો હોવાની આજીજી કરતાં બંનેએ તેને બે હજાર પાછા આપ્યા હતાં અને ૨૩ હજારનો તોડ કરી ભાગી ગયા હતાં. આ ગુનાનો ભેદ થોરાળા પોલીસે ઉકેલી રીઢા ગુનેગારની છાપ ધરાવતાં શખ્સ અને એક સગીરને પકડી લઇ રૂા. ૨૩ હજાર રોકડા તથા ૬૦ હજારનું નંબર વગરનું એક્ટીવા કબ્જે કર્યા છે.
ગુનાનો ભેદ ઉકેલવા થોરાળા પોલીસની ટીમ કામે લાગી હતી. દરમિયાન પીએસઆઇ એન. આર. ડોબરીયા, એએસઆઇ દેવશીભાઇ ખાંભલા અને હેડકોન્સ. જયદિપસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી સલિમ ઉર્ફ જીગો ગફારભાઇ ઠેબા (ઉ.વ.૨૪-રહે. ચામુંડાનગર ચોટીલા, મુળ ગુ.હા. બોર્ડ આકાશદીપ સોસાયટી-૯, ક્વાર્ટર નં. ૩૭૦, દૂધ સાગર રોડ) રાજકોટને ગોપાલ ડેરી પાછળ શ્યામનગર રોડ પાસેથી પકડી લીધો હતો. તેણે ગુનો કબુલી પોતાની સાથે એક સગીર પણ સામેલ હોવાનું કહેતાં કાર્યવાહી કરાઇ હતી.
પોલીસના કહેવા મુજબ સલિમ ઉર્ફ જીગો રીઢો ગુનેગાર છે. તે અગાઉ પણ થોરાળા, બી-ડિવીઝન, પ્ર.નગર, તાલુકા પોલીસ, એ-ડિવીઝનમાં ચોરી, બળજબરીથી નાણા પડાવવા સહિતના સાત ગુનામાં સંડોવાઇ ચુક્યો છે અને ૨૦૨૨માં પાસાની હવા પણ ખાઇચુક્યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત ઇન્ચાર્જ પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ એન. આર. ડોબરીયા, એએસઆઇ દેવશીભાઇ ખાંભલા, રાજેશભાઇ મેર, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, જયદિપસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, હસમુખભાઇ નીનામા અને કોન્સ. નિલેષભાઇ ચોૈહાણે આ કામગીરી કરી હતી.
(3:52 PM IST)










