તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
કુંભ સ્નાન કર્યા બાદ રાજકોટના પીજીવીસીએલ કોન્ટ્રાક્ટરની ‘જિંદગીની સફર'નો અંત આવ્યો
બજરંગવાડી પ્રતિક ટેનામેન્ટમાં રહેતાં ૫૩ વર્ષના કિરીટસિંહ રાઠોડ પત્નિ લત્તાબેન, મિત્ર લક્ષમણગીરી, મિત્રના પત્નિ સાથે ૨૪મીએ બાય એર અમદાવાદથી અયોધ્યા જઇ ત્યાંથી પ્રયાગરાજ ખાતે કુંભસ્નાન કરવા ગયા હતાં: એકાએક ઉલ્ટીઓ થતાં સારવાર લીધી, બાદમાં રાયબરેલી લઇ જવાયા ત્યાં દમ તોડી દીધોઃ પાંચમીએ પરત આવવા માટેની ફલાઇટ હતીઃ પણ ઘરે મૃતદેહ આવતાં રાઠોડ પરિવારમાં સર્જાઇ શોકની કાલીમા

પ્રયાગરાજ ખાતે કુંભ સ્નાન કર્યા બાદ ધર્મપત્નિ સાથે લેવાયેલી કિરીટસિંહની આ તસ્વીર અંતિમ સંભારણુ બનીને રહી ગઇ છે
રાજકોટ તા. ૧: કાળા માથાના માનવીની જિંદગીની સફરનો અંત ક્યારે ક્યાં અને કેવી રીતે આવી જાય તેની ખબર હોતી નથી. કંઇક આવુ જ શહેરના બજરંગવાડીમાં રહેતાં પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર સાથે બની ગયું છે. ત્રેપન વર્ષિય કોન્ટ્રાકટર પોતાના ધર્મપત્નિ, મિત્ર, મિત્રના પત્નિ સાથે પ્રયાગરાજ ખાતે કુંભના મેળામાં પવિત્ર સ્નાન માટે ગયા હતાં. ચોવીસમીએ અમદાવાદથી બાય એર બધા અયોધ્યા પહોંચ્યા હતાં. બાદમાં પ્રયાગરાજ ખાતે સ્નાન કર્યુ હતું. એ પછી તેમને ઉલ્ટી થતાં, શ્વાસ ચડતાં તબિયત એકાએક બગડતાં તેમને ત્યાં જ ઉભી કરાયેલી હોસ્પિટલમાં સારવાર અપાવી વધુ સારવાર માટે રાયબરેલીની હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો. પાંચમીએ રિટર્ન ફલાઇટ હોઇ પોતે છઠ્ઠી ફેબ્રુઆરીએ રાજકોટ ઘરે પહોંચી જશે તેમ કહીને નીકળ્યા હતાં. પરંતુ કમનિસબે શુક્રવારે સાંજે તેમનો મૃતદેહ ઘરે આવતાં રાઠોડ પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
જાણવા મળ્યા મુજબ બજરંગવાડી મેઇન રોડ શેરી નં. ૧૪ નજીક પ્રતિક ટેનામેન્ટ-૮માં અમર જ્યોત ખાતે રહેતાં કિરીટસિંહ રણજીતસિંહ રાઠોડ (ઉ.વ.૫૩)ને ધર્મપત્નિ લત્તાબેન સાથે પ્રયાગરાજ ખાતે કુંભ સ્નાન કરવા જવું હોઇ તેમની સાથે તેમના મિત્ર નિવૃત પીજીવીસીએલ કર્મચારી લક્ષ્મણગીરી ગોસાઇ પણ પોતાના ધર્મપત્નિ સાથે જોડાયા હતાં. કુંભ સ્નાનનો કાર્યક્રમ નક્કી કર્યા બાદ આવક-જાવકની એર ટિકીટ બૂક કરાવ લેવાઇ હતી. બંને દંપતિ તા. ૨૪ના રોજ અમદાવાદથી ફલાઇટ પકડી અયોધ્યા પહોંચી ગયા હતાં. ત્યાંથી પ્રયાગરાજ પહોંચી કુંભ સ્નાન કર્યુ હતું. ત્યારબાદ અચાનક જ કિરીટસિંહની તબીયત લથડી હતી અને ઉલ્ટી થતાં પ્રયાગરાજ ખાતે જ સેક્ટર ૨૦માં ઉભી કરાયેલી હોસ્પિટલમાં લઇ જવાયા હતાં.
જ્યાં તબિબોએ ચેક કરી સારવાર આપી હતી. તેમજ વિશેષ સારવાર માટે હોસ્પિટલાઇઝ કરવાનું જણાવતાં કિરીટસિંહને ત્યાંથી રાયબરેલી ખાતે લઇ જવાયા હતાં. જ્યાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ગઇકાલે એમ્બ્યુલન્સ મારફત તેમના ધર્મપત્નિ, મિત્ર અને મિત્રના પત્નિ કિરીટસિંહનો મૃતદેહ લઇ રાજકોટ નિવાસસ્થાને પહોંચતા સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.
કિરીટસિંહ રાઠોડ બે ભાઇમાંમોટા હતાં અને પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં હતાં. તેમને સંતાનમાં એક દિકરી છે જે વડોદરા ખાતે નોકરી કરે છે. બનાવની જાણ થતાં તેણી પણ ઉંડા આઘાતમાં ગરક થઇ ગઇ હતી. કિરીટસિંહના મોટા ભાઇનું નામ હિતેષભાઇ છે. તેમના કાકા નટવરસિંહ નિવૃત રેલ્વે કર્મચારી છે, બીજા કાકા મુકેશભાઇ રાઠોડ પ્રેસ મિડીયા ફોટોગ્રાફર છે અને ત્રીજા કાકાનું નામ સુરેશભાઇ રાઠોડ છે. કુ઼ભસ્નાન કર્યા બાદ કિરીટસિંહ સહિતના પ્રયાગમાં જ રોકાણ કરવાના હતાં. તેમજ આસપાસના ધાર્મિક સ્થળોએ જવાના હતાં. પાંચમીએ તેમની અયોધ્યાથી અમદાવાદની રિટર્ન ટિકીટ હતી. પણ કોઇને ક્યાં ખબર હતી કે પ્રયાગરાજની આ સફર કિરીટસિંહ માટે જિંદગીની અંતિમ સફર બની રહેશે. ખુબ જ મળતાવડા અને સરળ સ્વભાવના કિરીટસિંહ રાઠોડ બહોળુ મિત્રવર્તુળ ધરાવતાં હતાં. બનાવથી સોૈ કોઇ શોકમાં ગરક થઇ ગયા હતાં.
(3:32 PM IST)










