તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
રેલ્વે ટ્રેક પર બેસી વાતો કરી રહેલા છોકરા-છોકરીને બચાવવા જતાં ભૂપતભાઇ ટ્રેનની ઠોકરે ચડી ગયા
મોરબી રોડ સીટી સ્ટેશન પાસે મોડી રાતે બનાવઃ આધેડ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧: મોરબી રોડ સીટી સ્ટેશન પાસે હનુમાનજીના મંદિર નજીક મોડી રાતે ભગવતીપરા-૪ના ભૂપતભાઇ સુરેશભાઇ ચાવડા (ઉ.વ.૪૭) ટ્રેનની ઠોકરે ચડી જતાં ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જાણવા મળ્યા મુજબ ભૂપતભાઇ ચાવડા રાતે બારેક વાગ્યે કામેથી ઘર તરફ ગાડીના પાટે પાટે ચાલીને જઇ રહ્યા હતાં ત્યારે સીટી સ્ટેશન નજીક પહોંચ્યા તે વખતે પાટા પર એક યુવક-યુવતિ બેઠા બેઠા વાતો કરતાં હતાં. આ વખતે ટ્રેન નજીક આવી ગઇ છતાં આ બંનેનું ધ્યાન ન હોઇ ભૂપતભાઇએ દોટ મુકી બંનેને દૂર ધકેલી દઇ બચાવી લીધા હતાં. જો કે તેમના આ પ્રયાસમાં તેમનું માથું ટ્રેનમાં અથડાઇ જતાં તેઓ ફેંકાઇ જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતાં. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં કરી હતી. ભૂપતભાઇ છુટક મજૂરી કરે છે અને એકલા જ રહે છે. રાતે કામેથી ઘરે જતી વખતે આ બનાવ બન્યો હતો. બનાવ બાદ છોકરો-છોકરી ત્યાંથી તુરત જ નીકળી ગયાનું ભૂપતભાઇએ કહ્યું હતું.
(2:55 PM IST)










