<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

ગાર્બેજ કલેકશનમાં ૪૦૦ ટકા અને ફાયર ટેકસ, મિલકત વેરામાં વધારો સૂચવાયો તે ગેર વ્‍યાજબીઃ રાજાણી-સાગઠીયા

મ્‍યુ. કમિશનર દ્વારા રજુ થયેલ ડ્રાફટ બજેટને પ્રજા વિરોધી ગણાવતી શહેર કોંગ્રેસ

રાજકોટ તા. ૧: મ્‍યુ. કમિશનર તુષાર સુમેરા દ્વારા ગઇકાલે મનપાનું ડ્રાફટ બજેટ રજુ કરવામાં આવ્‍યું હતું. જેમાં નવા ફાયર ટેકસનો ઉમેરો કરી ગાર્બેજ કલેકશન તથા મિલકત વેરામાં વધારો કરવાનું સૂચન કરવામાં આવ્‍યું હતું. શહેર કોંગ્રેસ દ્વારા શહેરીજનો પર કરબોજ ઝીંકવાના પ્રયાસને વખોડી આ સૂચનોને પ્રજા વિરોધી ગણાવ્‍યા હતા.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અતુલ રાજાણી રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા ની સંયુક્‍ત યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા કમિશનર દ્વારા ૩૧૧૨.૨૮ કરોડનું ડ્રાફ્‌ટ બજેટ તૈયાર કર્યું જેમાં અનેક વિસંગતતાઓ છે અને કમિશનરે જે બજેટ રજૂ કર્યું છે તેમા પ્રજા પર ૧૫૦ કરોડનો કર બોજ વર્ષ ૨૦૨૫-૨૬ માં ઝીંકવામાં આવતા બજેટ સંપૂર્ણપણે પ્રજા વિરોધી છે.

ડોર ટુ ડોર ગારબેજ કલેક્‍શન માટે જે ગત વર્ષે ૩૬૫ રૂપિયા હતા તેમાં ૪૦૦ ટકાનો વધારો કરીને ૧૪૬૦ રૂપિયા અને બિન રહેણાંક માં ૧૪૬૦ થી વધારી ૨૯૨૦ રૂપિયા કર્યા છે જે આકરા ડામ સમાન છે. ગાર્બેજ કલેક્‍શનમાં અગાઉ સખી મંડળની યોજના હતી તેઓ કચરો પણ લઈ જતા રોડ પણ વાળી જતા પ્રદૂષણ પણ ન થતું અને લોકોના કામ પણ થતા

મિલકત વેરામાં રહેણાંકમાં રૂ. ૪ અને કોમર્શિયલમાં રૂ. ૫ નો વધારો સૂચવાયો છે. છેલ્લે કારપેટ એરિયામાં આકારણીમાં આડકતરી રીતે ૩૫% થી વધુ મિલકત વેરો ઘુસાડી દેવામાં આવ્‍યો હતો. કારપેટ એરિયા આધારિત પ્રોપર્ટી ટેક્‍સ ની પદ્ધતિ બાદ વર્ષ ૨૦૧૮ થી ફાયર ટેક્‍સ રદ કરવામાં આવ્‍યો હતો નવા નાણાકીય વર્ષમાં રહેણાંકમાં ચોરસ મીટર રૂપિયા ૧૫ અને બિન રહેણાંકમાં ચોરસ મીટર દીઠ રૂપિયા ૨૫ ફાયર ટેક્‍સ વસૂલવાની દરખાસ્‍ત કરવામાં આવી છે જેનાથી રાજકોટવાસીઓને ૫૫ કરોડનો બોજો  પડશે.

શહેરીકરણના વધતા વ્‍યાપને પગલે શહેરી વસ્‍તીને પાયાની મૂળભૂત સુવિધાઓ અને સેવાઓ ઉપલબ્‍ધ બનાવવાની જવાબદારી ઘણી મોટી હોય છે પણ તે જૂના ભળેલા વાવડી, કોઠારીયા, માધાપર, મોટા મૌવા, મુંજકા, ઘંટેશ્વરમાં મહાનગરપાલિકાએ તોતિંગ વેરા લીધા પછી પણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી.

ફાયર ટેક્‍સ અને અન્‍ય જે આકરો વધારો ઝીંકવામાં આવ્‍યો છે તે સંપૂર્ણપણે નાબૂદ થવો જોઈએ કારણ કે હાલ મોંઘવારીએ માઝા મૂકી છે ત્‍યારે સામાન્‍ય અને ગરીબ માણસોને આજે બે છેડા ભેગા કરવા મુશ્‍કેલ બન્‍યું છે ત્‍યારે આ પ્રકારના વેરા રાજકોટ વાસીઓ ગામડામાં જવા પ્રેરાશે. તેમ અંતમાં રાજાણી અને સાગઠીયા ની યાદીમાં જણાવાયું છે.

(2:59 PM IST)