<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

ઉછીના દીધેલા બે હજાર પાછા માંગતાં અસલમ ઉર્ફ બિગડે બગડયો, મિત્ર ગોૈરવનો પગ ભાંગી નાંખ્‍યો

ઢેબર કોલોની પાસેના બગીચામાં બખેડો થતાં અસલમ પાઇપથી તૂટી પડયોઃ ભક્‍તિનગર પોલીસે ગોપવંદના સોસાયટીમાં રહેતાં યુવાનની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧: ઢેબર કોલોની પાસે આવેલા બગીચામાં બે મિત્રો વચ્‍ચે બબાલ થઇ ગઇ હતી. ન્‍યુ ગોપવંદના સોસાયટીમાં રહેતાં યુવાને પોતાના મિત્રને ઉછીના બે હજાર રૂપિયા આપ્‍યા હોઇ તેની ઉઘરાણી કરતાં આ મિત્રનો મગજ બગડયો હતો અને તે પાઇપથી તૂટી પડી મિત્રનો પગ ભાંગી નાંખ્‍યો હતો. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. આ બનાવમાં પોલીસે ઘાયલ થયેલા યુવાનની ફરિયાદ પરથી તેના મિત્ર વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ કોઠારીયા રોડ શ્‍યામ હોલ પાસે ન્‍યુ ગોપવંદના સોસાયટીમાં રહેતો ગોૈરવ ચંદુભાઇ ટાંક (ઉ.વ.૨૧) નામનો યુવાન  સાંજે ઢેબર કોલોની નજીક બગીચામાં હતો ત્‍યારે તેના જ મિત્ર અસલમ ઉર્ફ બિગડે નવાબભાઇ ઉર્ફ ભાણોએ ઝઘડો કરી લોખંડના પાઇપથી હુમલો કરી આડેધડ માર મારતાં ડાબા પગમાં ગોઠણના ભાગે ફ્રેકચર થઇ જતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યો હતો. બનાવની જાણ થતાં ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનના પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં એએસઆઇ યાસ્‍મીનબેન જરગેલાએ હોસ્‍પિટલે પહોંચી ગોૈરવની ફરિયાદ પરથી તેના જ મિત્ર અસલમ ઉર્ફ બિગડે વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો. ગોૈરવ સ્‍કૂલ વેન ચલાવી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્‍યું હતું કે શુક્રવારે હું મારા ઘર પાસે હતો ત્‍યારે મિત્ર અસલમે આવીને પોતાને રૂપિયા ૨ હજારની જરૂર છે, સાંજ સુધીમાં પાછા આપી દેશે તેમ કહેતાં તેણે મિત્રને રૂા. ૨ હજાર ઉછીના આપ્‍યા હતાં. પરંતુ સાંજ પડી જવા છતાં મિત્ર અસલમ રૂપિયા દેવા ન આવતાં તેને ફોન કરતાં પોતે ઢેબર કોલોનીના બગીચામાં છે ત્‍યાં આવીને વાત કરવાનું કહેતાં ગોૈરવ ત્‍યાં ગયો હતો અને પોતાના પૈસાની ઉઘરાણી કરી હતી. આથી અસલમ ઉર્ફ બિગડે એકદમ ઉશ્‍કેરાઇ ગયો હતો અને તારા પૈસા નથી આપવા કહી ઝઘડો કરી લોખંડના પાઇપથી હુમલો કરી આડેધડ ઘા ફટકાર્યા હતાં. આ હુમલામાં એક જોરદાર ઘા ગોૈરવના ડાબા પગમાં ગોઠણ નીચે આવી જતાં ફ્રેકચર થઇ ગયુ હતું. બગીચામાં બઘડાટીને પગલે લોકોના ટોળા ભેગા થઇ જતાં અસમલ ભાગી ગયો હતો. ગોૈરવે પરિવારજનોને જાણ કરતાં તેને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પોલીસે આરોપીને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.

(3:12 PM IST)