<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

ડબલ મર્ડરના ગુનામાં પેરોલ પર છુટી ફરાર પિતા-બે પુત્રો કોડીનારથી ઝડપાયાઃ બકાલા, મટનનો ધંધો કરતા'તા

જાવેદ મેમણ અને તેના બે દિકરા મહમદહુશેન ઉર્ફ રાજા તથા મહમદનફીશ ઉર્ફ બાબો ત્રણ વર્ષથી ફરાર હતાં: પેરોલ ફરલો સ્‍ક્‍વોડની ટીમ વેશ પલ્‍ટો કરીને પહોંચીઃ ત્રણેયને રાજકોટ-અમદાવાદ જેલહવાલે કરાયા

રાજકોટ તા. ૧: અલગ અલગ ગુનામાં જેલમાં ધકેલાયા બાદ પેરોલ પર છુટી ભાગતા ફરતાં હોય તેવા આરોપીઓને શોધી કાઢવાની ઝુંબેશ અંતર્ગત પેરોલ ફરલો સ્‍ક્‍વોડની ટીમે રાજકોટના ડબલ મર્ડર અને અમદાવાદના મર્ડરના ગુનામાં પેરોલ પર છુટયા બાદ ત્રણ વર્ષથી ફરાર પિતા અને બે પુત્રોને કોડીનારથી દબોચી લઇ જેલહવાલે કર્યા છે. આ ત્રણેય પોતાના  મુળ વતનમાં આવેલા જુના મકાને રહેવા માંડયા હતાં અને ત્‍યાં બકાલા, મટનનો ધંધો કરવા માંડયા હતાં.

અલગ અલગ ગુનાઓમાં પેરોલ જમ્‍પ કરીને ફરાર થયા હોઇ તેવા શખ્‍સોને શોધી કાઢવાની કામગીરી અંતર્ગત કોડીનારથી જાવેદ મુસાભાઇ કામદાર-મેમણ (ઉ.વ.૬૦-રહે. કોડીનાર સરકારી દવાખાના સામે મજૂર શેરી, મુળ રાજકોટ) તથા તેના બે દિકરા મહમદહુશેન ઉર્ફ રાજા જાવેદભાઇ કામદાર (ઉ.વ.૨૦) તથા મહમદનફીશ ઉર્ફ બાબો ઉર્ફ નઝીર જાવદેભાઇ કામદાર (ઉ.વ.૩૨)ને કોડીનારથી પકડી લેવાયા છે.

યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં વર્ષ ૨૦૧૭માં ડબલ મર્ડરનો ગુનો નોંધાયો હોઇ તેમાં પકડાયેલો મહમદહુશેન ઉર્ફ રાજા રાજકોટ જેલમાંથી ૫/૮/૨૪ના રોજ પેરોલ પર છુટયા બાદ ફરાર હતો. તપાસ થતાં તે તથા તેના પિતા અને સગો ભાઇ પણ યુનિવર્સિટી પોલીસ તથા અમદાવાદ કાગઠાપીઠ પોલીસના ખુન કેસમાં મધ્‍યસ્‍થ જેલથી ફરાર હોઇ તેવી માહિતી મળી હતી. આ ત્રણેયને શોધી કાઢવા ટીમો કામે લાગી હતી. એ દરમિયાન ત્રણેયને કોડીનારથી પકડી લેવાયા છે. જાવેદ મટનનો ધંધો કરતો હતો અને તેના બંને દિકરા ડુંગળી-બટેટા, બકાલાની લારી કાઢતાં હતાં.

જાવેદ કામદાર અગાઉ ૧૯૯૫-૯૬માં જુનાગઢ પોલીસમાં મારામારીમાં, ૨૦૧૧માં જુનાગઢ બી-ડિવીઝનમાં હત્‍યાની કોશિષના ગુનામાં પકડાયો હતો. વર્ષ ૨૦૧૪માં અમદાવાદ કાગડાપીઠમાં હત્‍યાના ગુનામાં, ૨૦૧૭માં યુનિવર્સિટી પોલીસમાં ડબલ મર્ડરના ગુનામાં સંડોવાયો હતો. છેલ્લે ૨૦૧૪માં ગાંધીગ્રામમાં તેના વિરૂધ્‍ધ એક ગુનો નોંધાયો હતો. તેમાં પણ તેને પકડવાનો બાકી હતો. જ્‍યારે તેના ભાઇ મહમદનફીશ વિરૂધ્‍ધ અમદાવાદમાં મર્ડર, રાજકોટમાં ડબલ મર્ડર, ગાંધીગ્રામમાં મારમારીના ગુનામાં સામેલ હતો. જ્‍યારે  મહમદહુશેન ઉર્ફ રાજા યુનિવર્સિટીના ડબલ મર્ડરમાં સામેલ હતો. ત્રણેયને પકડી રાજકોટ, અમદાવાદ જેલહવાલે કરાયા છે. (૧૪.૧૦)

ત્રણેયને શોધી કાઢનાર ટીમ

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચના અંતર્ગત આ કામગીરી પીઆઇ બી. એમ. ઝણકાત, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ જે. જી. તેરૈયા, ટેકનીકલ પીએસઆઇ વીભા એ. પરમાર, એએસઆઇ અમૃતભાઇ મકવાણા, ઝહીરખાન ખફીફ, હેડકોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, રાજદિપસિંહ ચોૈહાણ, શામતભાઇ ગઢવી, સિરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, કોન્‍સ. કુલદિપસિંહ ડી. જાડેજા, યોગેન્‍દ્રસિંહ ઝાલા, શાંતુબેન મુળીયા, ડ્રા. દોલતસિંહ રાઠોડ અને ટેકનીકલ ટીમે આ કામગીરી કરી હતી.

(3:23 PM IST)