News of Monday, 3rd February 2025
સૌથી વિશાળ ઇન્ટરનેશનલનો શોપીંગ ફેસ્ટીવલનો આજે છેલ્લો દિવસ
કોરીયા, થાઇલેન્ડ, મલેશીયા, દુબઇ, અફઘાનીસ્તાન સહિતના દેશોની વસ્તુઓ રાજકોટમાં બપોરે ર થી રાત્રીના ૧૧ સુધી લાભ લેવાનું ચુકશો નહીં: કોરીયાના હેન્ડીક્રાફટ પર્સ, થાઇલેન્ડની મોતીની જવેલરી, હર્બલ મેડીસીન પ્રોડકટસ, અફઘાનીસ્તાનના ડ્રાયફ્રુટ, મલેશીયાનું ફર્નીચર, ઇરાનથી સીલ્વર જવેલરી, કેસર (ઝફરાન), ઉપરાંત અનેક હેન્ડીક્રાફટની આઇટમો અને ફર્નીચરનો અદભુત ખજાનો

અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે કવિતાબેન કાછલીયા (વેસ્ટઝોન હેડ એન્ડ ઇન્ટરનેશનલ શોપીંગ ફેસ્ટીવલ ફેસીલીટેટર) તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા.૩: રંગીલા રાજકોટમાં વર્ષ દરમ્યાન અનેક શોપીંગ ફેસ્ટીવલનું આયોજન થતું રહેતું હોય છે. પણ આ વર્ષે રાજકોટમાં સૌ પ્રથમવાર બેંગ્લોરની આઇ એડઝ એન્ડ ઇવેન્ટસ(i ads & events) કંપની દ્વારા ઇન્ટરનેશનલ શોપીંગ ફેસ્ટીવલનું રાજકોટના નાનામવા મેદાન સર્કલ ખાતે ભવ્યાતિભવ્ય આયોજન થયું છે. આ ઇન્ટરનેશનલ શોપીંગ ફેસ્ટીવલનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ફેસ્ટીવલનું આયોજન કરનાર આઇ એડઝ એન્ડ ઇવેન્ટસના કવિતાબેન જયોતીન્દ્રભાઇ કાછલીયા (વેસ્ટઝોન હેડ એન્ડ ઇન્ટરનેશનલ શોપીંગ ફેસ્ટીવલ ફેસીલીટેટર) અકિલાના મહેમાન બન્યા હતાં અને ઇન્ટરનેશનલ શોપીંગ ફેસ્ટીવલ વિશે માહીતી આપી હતી.
કવિતાબેને જણાવ્યું હતુ કે અમારી કંપની છેલ્લા ર૦ વર્ષથી ભારતમાં અલગ અલગ શહેરોમાં વિવિધ પ્રદર્શનો કરે છે ત્યારે આ વખતે અમે રાજકોટમાં આયોજન કર્યુ છે. ર૦૧૯માં નાનકડો ફર્નીચર ફેસ્ટીવલ રાજકોટમાં કર્યો હતો. જયારે આ વખતે ઇન્ટરનેશનલ શોપીંગ ફેસ્ટીવલનું આયોજન કર્યુ છે. અમે છેલ્લા દસ વર્ષથી ભારતના અલગ અલગ દેશોમાં આ શોપીંગ ફેસ્ટીવલનું આયોજન કરીએ છીએ. પહેલા અમે માત્ર થાઇલેન્ડ શોપીંગ ફેસ્ટીવલ કરતા જેમાં હેન્ડીક્રાફટ અને મેન્યુફેકચરીંગ પ્રોડકટ લઇ આવતા ધીરે ધીરે બીજા દેશો પણ જોડાતા ગયા. અત્યારે રાજકોટ ખાતે ૭ થી ૮ દેશો આ ઇન્ટરનેશનલ શોપીંગ ફેસ્ટીવલમાં આવ્યા છે જેમાં થાઇલેન્ડ, કોરીયા, અફઘાનીસ્તાન, ઇરાન, તુર્કી, દુબઇ, સીંગાપોર, યુગાન્ડા વગેરેનો સમાવેશ થાય છે.
આ ઇન્ટરનેશનલ શોપીંગ ફેસ્ટીવલની ખાસીયત વિશે કવિતાબેને જણાવ્યું કે સામાન્ય રીતે ઓનલાઇન બહુ ઓછી મળતી વસ્તુઓ આ પ્રદર્શનમાં લોકોને મળી રહે છે. જેમકે ટર્કીની લાઇટસ આખા વિશ્વમાં પ્રખ્યાત છે જે માત્ર મોરકકો જેવા દેશોમાં ઉપલબ્ધ હોય છે તે રાજકોટના આ ઇન્ટરનેશનલ શોપીંગ ફેસ્ટીવલમાં મળે છે. ઉપરાંત ત્યાની બકનાવા અને કુનફા નામની મીઠાઇ જે ભારતના લોકોને ધ્યાનમાં રાખીને સુગર-ફ્રી અને એગ્ગ(ઇંડા) ફ્રી રાખવામાં આવી છે.
કોરીયાથી વુમન એકસેસરીઝ, હેન્ડબેગ, પર્સ જયારે થાઇલેન્ડથી પર્લ એટલે કે મોતીની જવેલરી ઉપરાંત હર્બલ મેડીસીન પ્રોડકટસ જે ત્યાંના ઘરમાં પરંપરાગત રીતે બનતી હોય તે અહીં ઉપલબ્ધ બની છે. અફઘાનીસ્તાનની વાત કરીએ તો ત્યાનાં ડ્રાયફ્રુટ તેમાય ત્યાનો વ્હાઇટ મામરો(બદામ) જે કાજુ જેવુ લાગે, અનોખા અંજીર, બ્લુ બેરી, ક્રેન બેરીઝ, ડ્રાયફ્રુટ જે અમુક જ ભારતમાં ઉપલબ્ધ હોય છે તે આ ઇન્ટરનેશનલ ફેસ્ટીવલમાં લોકોને સરળતાથી મળી રહે છે.
આંતરરાષ્ટ્રીય શોપીંગ ફેસ્ટીવલનું રાજકોટમાં પહેલીવાર આયોજન થયું છે. જેની તૈયારી એક મહીના પહેલાથી કરવામાં આવી હતી. ખાસ કરીને મલેશીયાનું આઉટડોર ફર્નીચર, યુરોપીયન વિકટોરીયન સ્ટાઇલના સોફા સેટ ઉપરાંત અમદાવાદથી અને રાજસ્થાનથી ફર્નીચર મેન્યુફેકચરર અહીં આવ્યા છે. જેથી લોકો ફર્નીચરનો અનુભવ કરી અને ખરીદી કરી શકે, જેમાં પ્યોર વુડન, એથનીક, ક્રાફટ ફર્નીચર વગેરે વેરાયટીઓ ઉપલબ્ધ છે. આ ઇન્ટરનેશનલ શોપીંગ ફેસ્ટીવલમાં ફેમીલી એક સાથે આવીને દુનીયાભરની વસ્તુઓ જોઇ શકે છે અને ખરીદીની મજા માણી શકે છે.
ટર્કી આઇસ્ક્રીમ વેચવાની સ્ટાઇલ પણ ખુબજ લોકપ્રીય થઇ છે. ત્યાનો આઈસ્ક્રીમ આ ઇન્ટરફેસ્ટીવલમાં મોજથી માણે છે. કવિતાબેને જણાવ્યું હતુ કે રાજકોટના લોકોનો અદભુત પ્રતીસાદ મળતા ભવિષ્યમાં આનાથી પણ મોટુ પ્રદર્શન યોજવામાં આવશે. આવતી દિવાળીની આસપાસ ફરી પ્રદર્શન કરવાની યોજના પણ છે. આ વખતે અત્યાર સુધીમાં ૯૦ હજારથી વધુ લોકોએ આ ઇન્ટરનેશનલ શોપીંગ ફેસ્ટીવલની વિઝીટ કરી ચુકયા છે. રાજકોટવાસીઓનો ખરીદીનો રેસીયો પ૦-પ૦ ટકા છે. બહારના દેશોથી આવેલા લોકોને પણ અહીંનો અનુભવ પણ ખુબજ સરસ રહયો.
આ પહેલા પણ દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડીયમમાં આ ઇન્ટરનેશનલ શોપીંગ ફેસ્ટીવલનું આયોજન થઇ ચુકયું છે હવે રાજકોટ પછી સુરત, વડોદરા, વાસી(મુંબઇ), બેંગલોર, મદુરાઇ, કોઇમ્બતુર, બીકેસી(મુંબઇ) અને ગોવા ખાતે આ ઇન્ટરનેશનલ શોપીંગ ફેસ્ટીવલનું આયોજન થવાનું છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ ખાતે આયોજીત આ આંતરરાષ્ટ્રીય શોપીંગ ફેસ્ટીવલમાં મોરબી, વાંકાનેર, જામનગર, ગોંડલ ઉપરાંત સૌરાષ્ટ્રભર સંખ્યાબંધ શહેરો અને ગામો માંથી ખુબજ બહોળી સંખ્યામા લોકો ઉમટી પડયાં હતાં. ભવિષ્યમાં પણ આ ઇન્ટરનેશનલ શોપીંગ ફેસ્ટીવલમાં જો કોઇ સૌરાષ્ટ્રમાંથી ભાગ લેવા ઇચ્છતું હોય અથવા રસ ધરાવતા હોય તો તેઓએ કવિતાબેન કાછલીયાના મો.૯૮૬૭૪ ૦૪૧૩૦ અને ઇઃમેલ- [email protected] પર સંપર્ક કરવા જણાવાયું છે.
આઇ એડઝ એન્ડ ઇવેન્ટસ દ્વારા ભારતના ૩ર શહેરોમાં પ્રદર્શનો યોજાયા
રાજકોટ ખાતે આયોજીત આંતરરાષ્ટ્રીય શોપીંગ ફેસ્ટીવલનો આજે છેલ્લો દિવસ છે ત્યારે લોકોએ તેમને ખુબ આવકાર આપ્યો છે અને આ શોપીંગ ફેસ્ટીવલને જબરી સફળતા મળી છે, ત્યારે આઇ એડઝ એન્ડ ઇવેન્ટસ મુળ બેંગલોર બેઝ કંપની છે, જે ભારતભરમાં બી-ટુ-સી પ્રદર્શનો છેલ્લા ર૦ વર્ષથી યોજે છે. કવિતાબેન કાછલીયાએ જણાવ્યું હતુ કે અમે ભારતના ૩ર શહેરોમાં અત્યાર સુધી વિવિધ શોપીંગ ફેસ્ટીવલનું આયોજન કરી ચુકયા છીએ, જેમાં દેશ-વિદેશથી લોકો આવી ભાગ લીધો છે. ભવિષ્યમાં પણ આવા ઇન્ટરનેશનલ શોપીંગ ફેસ્ટીવલનું આયોજન અમારી કંપની દ્વારા થતુ રહેશે જેથી લોકોને દુનીયાભરની વસ્તુઓ એકજ સ્થળેથી મળી રહે.
(1:37 PM IST)










