તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 5th February 2025
બોગસ ક્રિપ્ટો કોઇન ધાબડી ૧૩ લાખનો ચૂનો
ગોંડલ રોડ બરકતીનગરના સાબુના વેપારી મોહસીન મુલતાની સાથે ૧૩ લાખની ઠગાઇ : બીજા પણ ભરૂચની ટોળકીએ છેતરી લીધા : બ્લોક ઓરા કંપનીના ટીબીએસી નામના ક્રિપ્ટો કોઇન લિસ્ટીંગ થાય એ પહેલા રોકાણ કરવાથી રોજના ૪ હજાર, ૪૦૦ દિવસે ત્રણ ગણાની લાલચ અપાઇ હતીઃ તાલુકા પોલીસે ભરૂચના ફિરોઝ મુલતાની, અઝરૂદ્દીન મુલતાની, નિતીની જગત્યાની, અમિત મુલતાની અને મકસુદ સૈયદ વિરૂધ્ધ ગુનો નોંધ્યો : આઇડી વોલેટમાં નફા રૂપે કોઇન દેખાયા પણ વેંચી ન શકાયા કે વિડ્રો ન થઇ શક્યા ત્યારે છેતરપીંડીની ખબર પડી

રાજકોટ તા. ૫: શહેરના ગોંડલ રોડ પર બરકતીનગરમાં રહેતાં અને કપડા ધોકાવના સાબુની એજન્સી ચલાવતાં વેપારી યુવાન સાથે તેના જ સમાજના એક યુવાન સહિતની ટોળકીએ તેર લાખની ઠગાઇ કરી છે. ભરૂચનો શખ્સ સહિતના મળી બ્લોક ઓરા નામની કંપની ખોલી તેનો ટીબીએસી નામનો કોઇન લોન્ચ કરશે અને લિસ્ટીંગ પહેલા રોકાણ કરવાથી રોજના ચાર હજાર અને ચારસો દિવસમાં ત્રણ ગણા રૂપિયા મળશે તેવી લાલચ આપી આઇડી ખોલી તેમાં વોલેટમાં કોઇન બતાવી દીધા હતાં. પરંતુ વેપારી કોઇન વેંચી ન શકતાં અને વિડ્રો પણ ન થતાં ઠગાઇ થયાની ખબર પડી હતી. આ ટોળકીએ સોૈરાષ્ટ્રના જ બીજા ૧૪ જેટલા લોકો સાથે આશરે પોણા કરોડની ઠગાઇ કર્યાની વિગતો ખુલી છે.
આ બનાવમાં તાલુકા પોલીસે ગોંડલ રોડ પર બરકતીનગર સોસાયટી બાલાજી એપાર્ટમેન્ટ સામે રહેતાં મોહસીનભાઇ રસીદભાઇ મુલતાની (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી ભરૂચના અંકલેશ્વરના ફિરોઝ દિલાવરભાઇ મુલતાની, અઝરૂદ્દીન સતારભાઇ મુલતાની અને નિતીન જગત્યાની, અમિત મનુભાઇ મુલતાની તથા મક્સુદ સૈદય વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
મોહસીન મુલતાની પરીન ફર્નિચર પાછળ ઓનેસ્ટ સેલ્સ એજન્સી નામે કપડા ધોવાના સાબુની એજન્સી ચલાવી વેપાર કરે છે. તેણે જણાવ્યું હતું કે હું ત્રણેક વર્ષ પહેલા ગ્રીનલેન્ડ ચોકડીએ અમારા સમાજના અમિત મનુભાઇ મુલતાનીને મળ્યો હતો. ત્યારે ધંધાકીય વાતચીત થતાં તેણે મને કહેલુ કે હમણા ક્રિપ્ટો કરન્સી બહુ ચાલે છે, રિફોઝ મુલતાનીએ એક કોઇન બનાવ્યો છે જે લિસ્ટીંગ થશે એટલે જબરા રૂપિયા મળશે. આ વાત કરી તેણે કહેલુ કે જો અત્યારે કોઇ આ કોઇનમાં ૪ લાખનું રોકાણ કરે તો રોજના ૪ હજાર વળતર મળે તેમ છે અને ચારસો દિવસે જેટલા રૂપિયા રોક્યા હોઇ તેની સામે ત્રણ ગણા રૂપિયા મળે છે.
આથી મેં તેને આ બાબતે વધુ પુછતાં તેણે કહેલુ કે ક્રિપ્ટો કોઇન અન્વયે લીંબડીમાં આપણા સમાજનું સંમેલન થવાનું છે. જેમાં ફિરોઝ મુલતાની અને તેની ટીમ આવશે અને કોઇન બબાતે સમજાવશે, તુ પણ આવજે જેથી વધુ જાણકારી મળશે. આ પછી હું અને અમારા સમાજના ઘણા માણસો લીંબડી ગયા હતાં. ત્યાં ફિરોઝ મુલતાની, નિતીન જગત્યાની, અમિત મુલતાની અને અઝરૂદ્દીન મુલતાની તથા મકસુદ સૈયદ હાજર હતાં. આ બધાએ પોતાનો પરિચય આપ્યો હતો અને સમજાવ્યું હતું કે ક્રિપ્ટો કરન્સીમાં અમે બ્લોક ઓરા નામની કંપની બનાવી છે. અમે ટીબીએસી નામનું કોઇન લોન્ચ કરવાના છીએ. તે લિસ્ટીંગ થાય એ પહેલા જ તમે રોકાણ કરશો તો ખુબ મોટો ફાયદો થશે.
આ પછી મેં અને બીજા લોકોએ રોકાણ કર્યુ હતું અને આ રકમ અમિત મુલતાનીને આપી હતી. જેમાં મેં પહેલા આઇડી માટે ૪,૨૫,૦૦૦, બીજી આઇડી માટે ૪,૨૫,૦૦૦ તથા ત્રીજી આઇડી માટે ૪,૫૦,૦૦૦ મળી કુલ ૧૩ લાખનું રોકાણ મેં કરેલુ તે રકમ અમિત મારી એજન્સી ખાતેથી આવીને લઇ ગયો હતો. આ પછી મને ગૂગલ પર વેબસાઇડમાં ત્રણ આઇડી બતાવતી હતી. જેમાં મેં રોકેલી રકમ સામે ટીબીએસી કોઇન ટ્રસ્ટ વોલેટમાં જમા બતાવતા હતાં. પરંતુ એ રકમ વિડ્રો કરવા પ્રયાસ કરતાં થતી ન હોઇ અમિત મુલતાનીને મળીને વાત કરતાં તેણે કહેલુ કે તમે જે રોકાણ કર્યુ છે તેના કરતાં વધુ રૂપિયા મળશે જ. પરંતુ આજ સુધી મને મારા ૧૩ લાખના રોકાણ સામે કંઇ નફો મળ્યો નથી કે મારા ૧૩ લાખ પણ મને પાછા અપાયા નથી.
મેં તપાસ કરતાં ખબર પડી હતી કે આ લોકોએ મારી જેમ સોૈરાષ્ટ્રના બીજવા લોકોને પણ કોઇનમાં રોકાણના નામે છેતરી લીધા છે. ઓરા બ્લોક કંપનીમાં રોકાણ સામે મને જે કોઇન મળ્યા છે તે વેંચી શકાતા નથી કે વિડ્રો પણ થતાં નથી. આ બધાએ ભેગા મળી ખોટુ કોઇન બનાવ્યું હોઇ તેમજ લિસ્ટીંગ પણ કર્યુ ન હોઇ છેતરપીંડી થયાની ખબર પડી હતી. તેમ વધુમાં મોહસીન મુલતાનીએ જણાવતાં પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઇ બી. આર. ભરવાડે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. છેતરાઇ ગયેલા વેપારી મોહસીન મુલતાનીએ જણાવ્યું હતું કે મારી જેમ બીજા અનેક લોકો પણ છેતરાયા છે. જેમાં રાજકોટના જ ૧૪ જેટલા લોકોએ સિત્તેરથી એંસી લાખ રૂપિયા ગુમાવ્યા છે. પોલીસે આ ટોળકી અગે તપાસ શરૂ કરી છે. (૧૪.૬)
(3:01 PM IST)










