<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

પૂર્વ મંત્રી, વજુભાઈ શાહની ૧૧૫મી જન્મજયંતી અવસરે જન્મભૂમિ વાવડીમાં 'સ્મરાંજલિ' અર્પણ

ગાંધી-મૂલ્યો-વિચારોને વરેલા મૂઠી ઊંચેરા માનવી, અગ્રગણ્ય સ્વાતંત્ર્ય સેનાની, આજીવન લોકસેવક, ખાદી-રચનાત્મક ક્ષેત્રના આગેવાન

રાજકોટ, તા. ૭ઃ ગાંધી-મૂલ્યો-વિચારોને વરેલા મૂઠી ઊંચેરા માનવી, અગ્રગણ્ય સ્વાતંત્ર્ય સેનાની, આજીવન લોકસેવક, ખાદી-રચનાત્મક ક્ષેત્રના આગેવાન, પૂર્વ મંત્રી વજુભાઈ શાહની ૧૧૫મી જન્મજયંતી અવસરે એમની જન્મભૂમિ વાવડી (તા. જામકંડોરણા, જિ. રાજકોટ) ખાતે સ્મરણાંજલિ અર્પણ થઈ હતી. ૦૬ ફેબ્રુઆરી ૧૯૧૦ના રોજ વાવડી ખાતે જન્મેલા વજુભાઈ શાહના પિતા મણિલાલ ફૂલચંદ શાહ તે સમયની અહીંની એજન્સીની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક હતા.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ગુજરાત રાજ્યના મદદનીશ ગ્રંથાલય નિયામક લલિતભાઈ મોઢ, વાવડી ગ્રામ પંચાયતના સરપંચ સજુભા (સમરતસિંહ) જાડેજા અને તલાટી-મંત્રી હિતેષભાઈ શિયાણી, નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલીયા, વાલજીભાઈ પિત્રોડા, માનદ્ ગ્રંથપાલ રવિરાજસિંહ જાડેજા સહિત ગ્રામજનોની ઉપસ્થિતિ રહી હતી.

વજુભાઈ શાહના ઐતિહાસિક જન્મસ્થળ તથા વાવડી ગ્રામ પંચાયત ખાતે સ્થાપિત વજુભાઈ શાહના જીવન-ઝરમર અને રેખાચિત્રને આલેખતી ૪.૫ * ૪.૫  ફૂટની કલાત્મક તકતી અને ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ગ્રંથાલય નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા માન્યતા-પ્રાપ્ત, અનુદાનિત સ્વાતંત્ર્ય સેનાની, લોકસેવક વજુભાઈ મણિલાલ શાહ ગ્રામ્ય પુસ્તકાલય તેમજ મારી માટી, મારો દેશ અંતર્ગત સ્થાપિત તકતી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વજુભાઈ શાહના ઐતિહાસિક જન્મસ્થળનો સુયોગ્ય રીતે જીર્ણોધ્ધાર કરીને એનો જીવંત સ્મારક તરીકે વિકાસ કરવામાં આવે તેવી લોકલાગણી છે.

નવી પેઢી આપણા સ્વાતંત્ર્ય-સંગ્રામ અને તેમાં નામી-અનામી શહીદ-વીરો અને સ્વાતંત્ર્ય-સેનાનીઓએ આપેલ આહુતિથી પરિચિત-પ્રેરિત થાય તેમજ તેમજ રાષ્ટ્રભાવનાનું સંસ્કાર-સિંચન થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (અમદાવાદ), મદદનીશ ગ્રંથાલય નિયામકની કચેરી (રાજકોટ) અને વાવડી ગ્રામ પંચાયત દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું. 

વજુભાઈ શાહની ૪૧મી પુણ્યતિથિ – ૦૯ જાન્યુઆરીના રોજ માટેલ (તા. વાંકાનેર, જિ. મોરબી) સ્થિત સર્વોદય સેવા સંઘ સંચાલિત અનુદાનિત નિવાસી પ્રાથમિક પ્રાથમિક શાળા (આશ્રમશાળા) ખાતે પણ સ્મરણાંજલિ અર્પણ થઈ હતી.

આલેખનઃ પિનાકી નાનકભાઈ મેઘાણી,  ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો.  ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(3:23 PM IST)