News of Monday, 10th February 2025
હરિયાણાથી દેવપરાના ઉત્સવે બે ગાડી ભરી દારૂ રવાના કર્યોઃ ક્રાઇમ બ્રાંચે કુવાડવા, પંચનાથ પ્લોટથી ઝડપી લીધો
બૂટલગેરે જેમાં દારૂ ભરાવ્યો એ કારમાં બેસવાને બદલે પોતે બસમાં રવાના થયોઃ શોધખોળ : કારના ચોરખાનાઓમાંથી કુલ ૨.૧૨ લાખની રેડલેબલ, બ્લેન્ડર્સ, સિગ્નેચરની બોટલો મળીઃ ગવલીવાડનો અતુલ પરમાર, મોરબીની કિશોર વાઘેલા અને એક સગીર ઝડપાયાઃ કુલ ૧૨.૨૬ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૧૦: દારૂની હેરાફેરી અટકાવવા ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બે દરોડા પાડી કાર સાથે જથ્થો અને આરોપીઓને પકડી લીધા હતાં. કુવાડવા રોડ ક્રિષ્ના વોટર પાર્ક નજીક કારને આંતરી તેના ચોરખાનામાંથી રૂા. ૧,૧૭,૦૮૪નો દારૂ જપ્ત કરી સગીર સહિત બે શખ્સને દબોચ્યા હતાં. બીજા દરાોડમાં પંચનાથ પ્લોટ પાસે કાર આંતરી તેના ચોરખાનામાંથી ૯૫૭૯૭નો દારૂનો જથ્થો કબ્જે લઇ એક શખ્સને પકડયો હતો. બંને કારમાંથી કુલ રૂા. ૨,૧૨,૮૮૧નો દારૂ મળ્યો હતો. કુલ ૧૨,૨૬,૯૮૫નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ બંને દારૂનો જથ્થો દેવપરા વિસ્તારમાં રહેતાં ઉત્સવ નામના શખ્સે હરિયાણાથી ભરાવીને રાજકોટ રવાના કર્યો હતો. પોતે આ કારમાં બેસવાને બદલે બસમાં બેસીને રવાના થયો હતો. તેની શોધખોળ થઇ રહી છે.
જાણવા મળ્યા મુજબ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, કોન્સ. રણજીતસિંહ જાડેજાને બાતમી મળી હતી કે ચોટીલા તરફથી રાજકોટ તરફ દારૂ ભરેલી ટોયોટા ઇટિયોસ કાર જીજે૧૮એએક્સ-૫૭૮૮ આવી રહી છે. આ બાતમી પરથી ટીમે રાજકોટ અમદાવાદ હાઇવે પર ક્રિષ્ના વોટર પાર્ક પાસે વોચ રાખતાં બાતમી મુજબની કાર આવતાં અટકાવી હતી. તેમાં સગીર તથા બીજો શખ્સ બેઠા હતાં. આ શખ્સે પોતાનું નામ કિશોર દેવાભાઇ સોમાણી (ઉ.વ.૩૪-રહે. કુંતાસી તા.જી. મોરબી) જણાવ્યું હતું. કારમાં પાછળ તલાસી લેતાં સીટ પાછળના ચોર ખાનામાંથી રૂા. ૭૨૩૮૪ની ૪૮ બોટલ રેડલેબલ વ્હીસ્કી, રૂા. ૨૧૪૯૨ની ૪૨ બોટલ બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હીસ્કી અને રૂા. ૨૩૨૦૮ની ૨૪ બોટલ સિગ્નેચર વ્હીસ્કી મળી આવતાં કબ્જે કરી કાર, મોબાઇલ મળી રૂા. ૬,૨૭,૦૮૪નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
ઝડપાયેલા કિશોર સોમાણીની પુછતાછમાં બીજી ગાડી રાજકોટ તરફ રવાના થઇ હોવાનું ખુલતાં બાતમી મેળવી પંચનાથ પ્લોટ-૧૧ પાસે ટોયોટા ઇટીયોસ કાર જીજે૦૧ડીટી-૯૮૭૭ આંતરી તલાસી લેતાં તેના ચોરખાનામાંથી રેડ લેબલ વ્હીસ્કીની રૂા. ૭૨૩૮૪ની ૪૮ બોટલો, બ્લેન્ડર સ્પ્રાઇડની ૨૨૫૧૩ની ૨૩ બોટલો મળી આવતાં ચાલક અતુલ નરસીભાઇ પરમાર (ઉ.૩૩-રહે. મોટી ટાંકી ચોક, ગવલીવાડ-૬, દિલીપ કરીયાણા પાસે)ને ઝડપી લઇ દારૂ, કાર, મોબાઇલ ફોન મળી રૂા. ૫,૯૯,૯૦૧નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
ઝડપાયેલા અતુલ પરમાર અને કિશોર સોમાણીએ પ્રાથમિક પુછતાછમાં કબુલ્યું હતું કે કોઠારીયા રોડ દેવપરામાં રહેતો ઉત્સવ નામનો શખ્સ બંનેને હરિયાણા લઇ ગયો હતો. ત્યાંથી આ ગાડીઓમાં દારૂનો જથ્થો સીટ પાછળના ચોરખાનાઓમાં ભરીને પોતાને રાજકોટ તરફ રવાના કર્યા હતાં. ઉત્સવ પોતે કારમાં બેસવાને બદલે ત્યાંથી બસમાં બેસીને રાજકોટ તરફ આવવા રવાના થયો હતો. બંને દારૂના જથ્થામાં તેનું નામ ખુલતાં શોધખોળ થઇ રહી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીએસઆઇ એમ. કે. મોવલીયા, એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, હેડકોન્સ. સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. રણજીતસિંહ જાડેજા, રમેશભાઇ માલકીયા, તુલસીભાઇ ચુડાસમા, સંજયભાઇ ખાખરીયા, કોૈશિકભાઇ ગઢવીની ટીમે આ બંને કામગીરી કરી હતી.
(11:08 AM IST)










