News of Wednesday, 12th February 2025
જિલ્લા પંચાયતની નવી કચેરીમાં બે માળ વધારી શકાય તેવી ડીઝાઇનને સરકારી મંજુરીઃ હવે બાંધકામ શરૂ થશે
માર્ચ ર૦ર૪ માં વર્કઓર્ડર, ડીસેમ્બર ર૦ર૪ માં મુખ્યમંત્રીના હસ્તે ખાતમૂહુર્ત, કામ શરૂ થવાનું મુહુર્ત હવે નવા ડી.ડી.ઓ.એ સ્થળની મુલાકાત લઇ કામની ગુણવતા જાળવવા સૂચના આપી

રાજકોટ, તા., ૧રઃ જિલ્લા પંચાયતની વર્તમાન કચેરી તોડી પાડી નવી કચેરી બનાવવા માટે લાંબી વહીવટી પ્રક્રિયા બાદ હવે સ્થળ પર કામગીરી શરૂ થાય તેવી આશા જાગી છે. માર્ચ ર૦ર૪માં પંચાયત કચેરી બનાવવા એજન્સીને વર્ક ઓર્ડર અપાયેલ. ત્યાર પછી ચુંટણીની આચારસંહિતા અને જુની કોર્ટ બિલ્ડીંગ ખાતે કચેરીના સ્થળાંતરમાં વિલંબ જેવા કારણોને લીધે ખાતમુહુર્ત મોડુ થયેલ. ૧૩ ડીસેમ્બર ર૦ર૪ના દિવસે મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહુર્ત થયા પછી પણ આજ સુધી કચેરીનું બાંધકામ શરૂ થઇ શકયું નથી. પાંચ માળની બિલ્ડીંગ બનાવવાનું જાહેર થયું છે પણ ભવિષ્યમાં જરૂર પડે તો વધુ બે માળ ઉમેરીનું કુલ ૭ માળ બનાવી શકાય તેવી સ્ટ્રકચર ડીઝાઇનની મંજુરી સરકાર પાસે માંગવામાં આવેલ તે ગઇકાલે મળી જતા હવે કામ શરૂ થવાના એંધાણ છે. જો કે હજુ કેન્ટીનનો કાનુની વિવાદ ચાલુ છે.
ગઇકાલે નવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદએ નિર્માણાધીન કચેરીના સ્થળની મુલાકાત લઇ શકય તેટલુ ઝડપથી કામ શરૂ કરવા તેમજ કામની ગુણવતા જાળવવા માટે સબંધિતોને સુચના આપી હતી. બાંધકામ શરૂ કરી શકાય તેટલી અનુકુળતા થયા પહેલા જ ઉતાવળે ખાતમુહુર્ત કરવાનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.
પંચાયતના વર્તુળોના જણાવ્યા મુજબ સ્થળ પર પદાધિકારીઓની ચેમ્બર સિવાઇનો ભાગ તોડી પાડવામાં આવ્યો છે. મૂળ આયોજન મુજબ ૩૬ કરોડના ખર્ચે નવી કચેરી પાંચ માળની બનાવવાનું નક્કી કરવામાં આવેલ. ભવિષ્યમાં જરૂર પડે તો ઉપયોગ કરી શકાય અથવા વધારાના બે માળ ભાડે આપી પંચાયતની આવક વધારી શકાય તે માટે કુલ ૭ માળની મંજુરીની સરકારમાં દરખાસ્ત કરવામાં આવેલ. ૭ માળ મુજબ અમૂક ભાગની સ્ટ્રકચર ડીઝાઇનની મંજુરી ગઇકાલે આવી ગઇ છે. હાલ બાંધકામ શરૂ કરવામાં કેન્ટીન નડતર નથી તેવુ પંચાયતના વર્તુળોનું કહેવું છે. બાંધકામ શરૂ કરવા માટે કોન્ટ્રાકટ રાખનાર એજન્સીને સૂચના આપવામાં આવી છે. ટેન્ડરની શરત મુજબ વર્ક ઓર્ડર પછી બે વર્ષમાં કામ પુરુ કરવાનું હતું તેમાંથી ૧ વર્ષ જેટલો સમય પસાર થઇ ગયો છે તેથી હવે પછીના એક વર્ષમાં સંપૂર્ણ કચેરી તૈયાર થઇ જાય તેવા કોઇ એંધાણ અત્યારે દેખાતા નથી.
જાન્યુઆરી- ફેબ્રુઆરી ૨૦૨૬માં જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી આવી રહી છે. નવી કચેરીનું ઉદ્ઘાટન નવી ચૂંટાનારી પાંખના કાર્યકાળમાં થાય તેવા સ્પષ્ટ સંજોગો છે. લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થતા પૂર્વના દિવસોમાં વર્ક ઓર્ડર ઝડપથી અપાવવામાં સફળ રહેલા શાસકો નિર્માણ કાર્ય સમયસર શરૂ કરાવવામાં સફળ થયા નથી.
(4:03 PM IST)










