News of Saturday, 15th February 2025
રાજકોટ જિલ્લાના ૩પ૦ પ્રાથમિક શિક્ષકોને બોર્ડની પરીક્ષામાં જવાબદારી
શિક્ષકો પેપર પરિવહનને લગતી કામગીરીમાં જોડાશેઃ દિક્ષિત પટેલ

રાજકોટ તા. ૧પ :.. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. ર૭ ફેબ્રુઆરીથી ધો. ૧૦ અને ૧રની પરીક્ષા શરૂ થઇ રહી છે. સરકારના માર્ગદર્શન હેઠળ બોર્ડે મુકત અને ન્યાયી પરીક્ષા માટે એકશન પ્લાન બનાવ્યો છે. બોર્ડની પરીક્ષા માટે જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષકોને ખાસ જવાબદારી સોંપવામાં આવશે. શિક્ષકોને આ કામગીરી માટે નિયત ભથ્થુ મળશે.
રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દિક્ષિત પટેલને પુછતા તેમણે અકિલાને જણાવેલ કે જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને બોર્ડની પરીક્ષામાં જવાબદારી સોંપાશે. તાલુકા દિઠ ધો. ૧૦ અને ૧ર માટે ૧પ-૧પ મળીને કુલ ૩પ૦ જેટલા શિક્ષકોને ફરજ સોંપવામાં આવશે. પંચાયતના પ્રાથમિક શિક્ષકો બંદોબસ્ત હેઠળ પ્રશ્નપત્રને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની અને પરીક્ષા પૂર્ણ થયેથી નિયમ મુજબ ઉતરપોથીઓ નિર્ધારિત કેન્દ્ર પર પહોંચાડયાની કામગીરીમાં જોડાશે. જે તે શિક્ષકે પરીક્ષાના કલાકો દરમિયાન પોતાને સોંપાયેલ પરીક્ષા કેન્દ્ર પર જ રહેવાનું રહેશે. બોર્ડની પરીક્ષામાં જેને ફરજ સોંપવાની છે તેવા શિક્ષકોની યાદી તૈયાર થઇ રહી છે. ટૂંક સમયમાં હુકમ થઇ જશે. રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓમાં પ૦૦૦ શિક્ષકોની જગ્યા છે તે પૈકી ૪ર૦૦ કાયમી (નિયમિત) શિક્ષકો ફરજ બજાવે છે. આ ૪ર૦૦ પૈકી ૩પ૦ જેટલા શિક્ષકો બોર્ડની પરીક્ષામાં ફરજ બજાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં ૬પ કેન્દ્રોના ર૭પ૩ બ્લોકમાં ધો. ૧૦-૧ર ના નોંધાયેલા કુલ ૭૬૩૧ર પરીક્ષાર્થીઓ માટે પરીક્ષાની વ્યવસ્થા ગોઠવાઇ રહી છે. (પ-રપ)
(11:59 AM IST)










