<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th February 2025

કોઠારીયામાં બનશે શહેરની ચોથી ઝોન ઓફીસઃ ટેન્‍ડર પ્રસિધ્‍ધ

મનપા દ્વારા રૂા. ૩૦.૪૦ કરોડ ખર્ચે કચેરી બનાવવા કવાયતઃ દક્ષિણ ઝોનમાં ૪ વોર્ડનો સમાવેશ કરાશે

રાજકોટ તા. ૧૮: શહેરની વસ્‍તી વધવાની સાથે મનપાની હદ પણ વિસ્‍તરણ પામી છે. ત્‍યારે નવા ભળેલા વિસ્‍તારોમાં લોકોની સુવિધા વધારવા મનપા દ્વારા શહેરમાં ચોથો ઝોન તરીકે દક્ષિણ ઝોન અંગે નિર્ણય લેવામાં આવેલ. જે અંતર્ગત હવે કોઠારીયામાં રૂા. ૩૦.૪૦ કરોડના ખર્ચે ઝોન કચેરી બનાવવા તંત્ર દ્વારા ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

રાજકોટ શહેરનો વ્‍યાપ વધતા  મહાનગરપાલિકાની ચોથી ઝોનલ કચેરીની જરૂરિયાત ઉભી થઈ છે. હાલમાં સેન્‍ટ્રલ, વેસ્‍ટ અને ઈસ્‍ટ ઝોન ખાતે કચેરીઓ કાર્યરત છે. આથી દક્ષિણ ઝોન કચેરી માટે અગાઉ નિર્ણય લેવામાં આવેલ જેને હવે ફાઈનલ કરવામાં આવેલ છે. મનપાના સુત્રોના જણાવ્‍યા પ્રમાણે મહાનગરપાલિકાની ચોથી સાઉથ ઝોનલ કચેરી કોઠારિયા ખાતે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

રૂા. ૩૦.૪૦ કરોડના ખર્ચે ઝોનલ કચેરી બનાવવામાં આવશે. ત્‍યાર બાદ આજુબાજુના સંભવત ચાર વોર્ડને આ ઝોનલ કચેરીમાં સમાવેશ કરી આ વોર્ડની તમામ કામગીરી ઝોનલ કચેરી ખાતે શરૂ કરવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા હવે ચોથી ઝોનલ કચેરી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. સાઉથ ઝોનલ કચેરી માટે અગાઉ જાહેરાત કરાવમાં આવેલ તેમજ કચેરી કયા વિસ્‍તારમાં બનાવવામાં આવે તે માટે સર્વે હાથ ધરવામાં આવેલ જેના લીધે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં અગાઉ ભળેલા અને હાલમાં સમાવીસ્‍ટ થયેલ ગ્રામ પંચાયતોના વિસ્‍તારને આવરી લઈને સર્વે હાથ ધરેલ.

જેમાં કોઠારિયાનો વિસ્‍તાર વધુ વિકસતા આ વિસ્‍તારમાં ઝોનલ કચેરીની જરૂરિયાત વધુ જણાતા ચોથી ઝોનલ કચેરી કોઠારિયા વિસ્‍તારમાં બનાવવાનો નિર્ણય લેવામાં આવેલ જેના માટે મહાનગરપાલિકાનો વિશાળ ખાલી પ્‍લોટ હોય તેની યાદી તૈયાર કરવામાં આવેલ. જેમાં હવે વોર્ડ નં. ૧૮માં કોઠારિયા ટીપી સ્‍કીમ નં. ૧૨ ફાઈનલ પ્‍લોટ નં. ૧૫-એ ઉપર સાઉથ ઝોનલ કચેરી બનાવવા માટે ટેન્‍ડર પ્રસિદ્ધ કરવામાં આવ્‍યું છે. મનપાના બાંધકામ વિભાગમાંથી ઙ્કાપ્ત થયેલ વિગત મુજબ સાઉથ ઝોનલ કચેરી ફાઈનલ થયા બાદ મહાનગરપાલિકાએ કોઠારિયા વિસ્‍તારમાં ટીપી સ્‍કીમ નં. ૧૨માં આવેલ પ્‍લોટ નં. ૧૫ ઉપર ઝોનલ કચેરી બનાવવા માટે રૂા. ૩૦,૪૦,૪૦,૭૪૪નું એસ્‍ટીમેન્‍ટ વાળુ ટેન્‍ડર પ્રસિદ્ધ કરવામાં આવ્‍યું છે. જે ફાઇનલ થયા બાદ તાત્‍કાલીક ધોરણે દરખાસ્‍ત તૈયાર કરી વર્કઓર્ડર આપી સાઉથ ઝોનલ કચેરીનું કામ શરૂ કરવામાં આવશે.

(3:57 PM IST)