<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd February 2025

વ્‍યાજખોરી, સાયબર ફ્રોડ, હનીટ્રેપ, ડીજીટલ એરેસ્‍ટ

અને કાયદાની નવી કલમોની જાગૃતી માટે લોકદરબાર ભકિતનગર પોલીસના પી.આઇ. એમ. એમ. સરવૈયાની રાહબરી હેઠળ પોલીસ સ્‍ટેશનમાં આયોજન કરાયું

રાજકોટઃ પ્રજા અને પોલીસ વચ્‍ચે સહકાર અને વિશ્‍વાસનો સેતુ સુદ્રઢ બને તે હેતુથી પોલીસ કમિશ્‍નર શ્રી બ્રજેશ ઝાની સૂચનાથી ભકિતનગર પોલીસ સ્‍ટેશનમાં ગઇકાલે લોક દરબારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ લોક દરબારમાં ભકિતનગર પોલીસ મથક હેઠળના વિસ્‍તારમાં રહેતા લોકો તથા ગુંદાવાડી માર્કેટના વેપારીઓ, કોર્પોરેટરો, સામાજીક અગ્રણીઓ તથા હિન્‍દુ-મુસ્‍લીમ સમાજના આગેવાનો, શાળાના આચાર્યો-શિક્ષકો સહિત ૧પ૦ જેટલા લોકોએ લાભ લીધો હતો. જેમાં એડીશ્‍નલ પોલીસ કમિશ્‍નર મહેન્‍દ્ર બગડીયાએ લોકોને વ્‍યાજખોરી, સાયબર ફ્રોડ, હનીટ્રેપ, ડીજીટલ એરેસ્‍ટ બાબતે અવેરનેશ લાવવા માટે માર્ગદર્શન આપ્‍યું હતું. તેમજ ટ્રાફીક અવેરનેશના અભાવે અકસ્‍માતમાં મૃત્‍યુનું પ્રમાણ વધ્‍યું હોઇ તે બાબતે ચર્ચા કરી ટ્રાફીકના નિયમોનું પાલન કરી આ પ્રકારના બનાવો અટકાવવા અપીલ કરવામાં આવી હતી તેમજ નવા ત્રણ કાયદા બી.એન.એસ, બી.એન.એસ.એસ તથા બી.એસ.એસ.માં કરવામાં આવેલી નવી જોગવાયો વિશે તેમજ ઇ-એફ.આઇ.આર. વિશે પણ માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત સિનીયર સીટીઝન, નાના બાળકો અને મહિલા સુરક્ષા બાબતે સંવેદનશીલ હોઇ તેની સંભાળ રાખવા માટે પોલીસ સ્‍ટાફ અને સી-ટીમ પ્રયત્‍નશીલ હોવાનું જણાવ્‍યું હતું. અને વિસ્‍તારમાં બનતી અસામાજીક પ્રવૃતીઓ વિશે પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી અને સાયબર ક્રાઇમ તથા ટ્રાફીક અવેરનેશ બાબતે પત્રીકાઓનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. ટ્રાફીક સમસ્‍યાનો નિરાકરણ માટે અને અટીકા ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં પોલીસ ચોકીનું નિર્માણ કરવા માટે ઉચ્‍ચ કક્ષાએ મંજૂરી મેળવવા તજવીજ ચાલુ છે. આ લોક દરબારમાં એડીશનલ પોલીસ કમિશ્‍નર મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજજનસિંહ પરમાર, ટ્રાફિકના ડીસીપી પુજા યાદવ, અસીપી બી. વી. જાધવ, જે. બી. ગઢવી તથા ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. એમ. એમ. સરવૈયાની રાહબરી હેઠળ લોક દરબાર યોજાયો હતો.

(3:09 PM IST)