News of Monday, 24th February 2025
મેટોડામાં ‘હિટ એન્ડ રન': કારચાલક ઉલાળીને ભાગી જતાં બે વર્ષની દિવ્યાનું મોત
મુળ એમપીનું દંપતિ બાંધકામની સાઇટ પર મજૂરી કરતું હતું અને દિકરી નજીકમાં રમતી હતી ત્યારે બનાવ

રાજકોટ તા. ૨૪: મેટોડામાં વધુ એક વખત જીવલેણ વાહન અકસ્માત સર્જાયો છે. હિટ એન્ડ રનના બનાવમાં બે વર્ષની બાળકીનું કારની ઠોકરે મોત થતાં મજૂર દંપતિમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ મુળ મધ્યપ્રદેશના થાનસિંગ વસુનીયા મેટોડા જીઆઇડીસી ગેઇટ-૨માં વનરાજભાઇના ત્રણ માળના મકાનની બાંધકામની સાઇટ પર પત્નિ, બાળકો સાથે રહી મજૂરી કરતો હોઇ ગઇકાલે તેની બે વર્ષની દિકરી દિવ્યા સાઇટ નજીક રમતી હતી ત્યારે એક કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં મજૂર દંપતિમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર દિવ્યા પાંચ બહેન અને એક ભાઇમાં પાંચમા નંબરે હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ નોંધ કરી મેટોડા પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા કારચાલક અંગે તપાસ હાથ ધરી છે.
(11:46 AM IST)










