News of Monday, 24th February 2025
ફિલ્મ ઇતિહાસવિદ્ અને સુવિખ્યાત લેખક ડો. પદ્મનાભભાઇ જોશીનું દુઃખદ નિધન

સુવિખ્યાત લેખક ડો. પદ્મનાભભાઇ જોશી (ઉ.વ. ૭૯) નું અમદાવાદ ખાતે દુઃખદ નિધન થતાં સંગીત જગતમાં દુઃખની લાગણી છવાઇ ગઇ છે.
તેઓ મુળ ગોંડલના બ્રાહ્મણ પરિવારના હતા. તેમનાં દાદા સ્વ. પ્રાણશંકરભાઇ જોશી તત્કાલીન જુના ગોંડલ રાજયનાં-મહારાજા સર-ભગવતસિંહજીના દીવાન પદે ફરજ બજાવતા હતા.
પદ્મનાભભાઇનાં પિતાશ્રી સ્વ. કૃષ્ણકુમાર જોશી ૧૯૬૦માં ગુજરાત રાજયની સ્થાપના થઇ તે પછીથી નાયબ સચિવ પદે નિવૃત થયા હતા.
પદ્મનાભભાઇ બહુવિધ પ્રતિભા ધરાવતા હતા તેમણેઃ અવકાશ વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઇની મેનેજમેન્ટ સ્કીલ વિશે ડોકટરેટની પદવી મેળવી હતી. ડો. સારાભાઇ પરિવાર સાથે તેમનો ઘનિષ્ટ-પરિવારીક સંબંધો રહ્યા હતા.
ફિલ્મ સંગીત,ગીતકારો, સંગીતકારો તથા એરેન્જરો અંગેનો તેમનો ઊંડો અભ્યાસ રહ્યો હતો. તેમને સંગીતકાર શંકર જયકિશન, ગીતકાર શૈલેન્દ્રજી સાથે ખૂબ સારા સંબંધો હતા. તેમના અનેક ગીતોનાં રેકોર્ડિંગમાં ઉપસ્થિત રહેવાની તક તેમને મળી હતી. ગાયીકા શારદાજી, સંગીતકાર પ્યારેલાલજી, મેન્ડોલીન વાદક કિશોર દેસાઇ, એરેન્જર- સંગીતકાર દિલીપભાઇ ધોળકીયા, એકોર્ડિયન વાદક, એરેન્જર ઇનોક ડેનીલ્સ, પ્રોડયુસર સુધારકર શર્મા, રેડિઓ સીલોનનાં ઉદઘોષક અમીન સાયાની, ફિલ્મ લેખક રાજુ ભારતન વગેરે જેવા અનેક સાથે સંબંધો હતા.
આપણા દેશનાં પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ સાહેબ સાથે તો અંગત પારિવારીક સંબંધો હતા.
ફિલ્મ સંગીત સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલા હોવાથી તેમનું અભ્યાસપૂર્ણ પુસ્તક-‘‘આજે સંપૂર્ણ સંદર્ભગ્રથ તરીકે ખ્યાતિ પ્રાપ્ત છે. હિન્દી ફિલ્મનાં સંગીતકારોનાં ઊંડા અભ્યાસના પરિણામે ‘કુમાર' મેગેઝીનમાં પણ તેમની સંગીતકારો વિશેની શ્રેણી પ્રકાશિત થઇ હતી. જે તાજેતરમાં જ અમદાવાદના ગુર્જર પ્રકાશને- ‘‘હિન્દી ફિલ્મ જગતનાં કેટલાક સદાબહાર સંગીતકારો'' નામે પુસ્તાકારે પ્રકાશિત થયું છે.
પદ્મનાભ જોશી ની સર્જન યાત્રામાં લેખક- તથા ઇતિહાસવિદ્ રજનીકુમાર પંડયા, સ્વ. ધીરૂભાઇ પરિખનો રચનાત્મક સહયોગ મળ્યો હતો.
શંકર જયકિશન અને ગીતકાર શૈલેન્દ્રજી તથા વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇ સાથે ઘનિષ્ટ આત્મિય સબંધો ધરાવતા હોવાથી અનેક અંગત સંસ્મરણો તેમના હૃદયમાં અને અંગત ડાયરીમાં સંચવાયા હતા. અનેક ચાહકો અને મિત્રોની માંગણી છતાં તેમણે આ સ્મરણોને પ્રેસ મિડીયા સુધી જવા દીધા નહી. કેવા કેવા પ્રસંગો કાયમ માટે વિલીન થઇ જશે !
અમદાવાદ સ્થિત શંકર જયકિશન ફાઉન્ડેશનનાં તેઓ ટ્રસ્ટી અને કાયમી માર્ગદર્શક રહ્યા હતા. આ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી સ્નેહલભાઇ તથા શ્રી ચિરાગભાઇના તેઓ મીત્ર અને માર્ગર્દશક રહ્યા.
પદ્મનાભભાઇ પાસે અલભ્ય ગીતો, ફિલ્મોનું કલેકશન રહ્યું હતું. ફિલ્મ સંગીતના સંશોધનકારો અને સુવિખ્યાત લેખક ડો. યાસીન દલાલ, સ્વ. અરવિંદભાઇ દત્તાણી, જામનગરના સંગીત વિશેષજ્ઞ ચંદુભાઇ બારદાનવાલા, રાજકોટનાં સંગીતકાર લલીતભાઇ ત્રિવેદી સાથે તેમનો સદૈવ જીવંત સંપર્ક રહ્યો.
ગુજરાતની સુવિખ્યાત સંગીત જગત સાથે સંકળાયેલ બેલડી અજિત શેઠ અને નીરૂપમા શેઠ તેમના બહેન-બનેવી થતા હતા.
સુવિખ્યાત સંગીતકારોનાં એરેન્જરો સેલેસ્ટીયન તથા દત્તારામના કાર્યપ્રદાન વિશે- મુલાકાત આધારિત તેમના લેખો ખુબ જ આવકાર પામ્યા હતા. સેલેસ્ટીયનની સાથે તો ગોવામાં તેમના ઘરે મહેમાન બનીને અનેક વિરલ માહિતી મેળવી હતી. સેલેસ્ટીયનને તેમના જ એરેન્જમેન્ટ કરેલા઼ ગીતોની કેસેટ પદ્મનાભભાઇએ તેમને જ ભેટ ધરી અને તેમના જ ગીતો સંભળાવ્યા હતા. ત્યારે સજળ નયને સેલેસ્ટીયન બોલ્યા હતા, ‘‘ મને લાગે છે કે મારા જગતનો હું પ્રથમ જવાર સાંભળી રહ્યો છું.'' આખીજીંદગી પ્રવૃતીમય રહ્યો હોવાથી પોતાની જ કલા તેઓ માણી શકયા ન હતા. પદ્મનાભભાઇએ અમદાવાદ સ્થિત ડો. વિક્રમ સારાભાઇ પ્રેરિત ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટનાં આર્કાઇવ્સનાં વડા તરીકે ફરજ બજાવી હતી. ડો. વિક્રમ ભાઇ નાં ઊંડા અભ્યાસ અને અંતરંગ સબંધોના પરિણામે ડો. વિક્રમભાઇના જીવન અને ઉપલબ્ધી વિશે તેઓ અસ્ખલિત વકતવ્ય આપતા હતા. તેઓ ઇસરોનાં વૈજ્ઞાનિકોમાં પ્રસંશાપાત્ર રહ્યા હતા.
ડો. પદ્મનાભભાઇનાં દુઃખદ નિધન સાથે જ અને અણસુણી વાતો, વિરલ પ્રસંગો અને અનેક મીઠાં સંસ્મરણો કાયમ માટે વિસરાઇ ગયા છે.
વંદન...અલવિદા...પદ્મનાભભાઇ!
સ્મરણ આલેખન
જયંત જોશી
મો. ૯૬૬૪ ૯૮૧રપર)
(3:21 PM IST)










