News of Tuesday, 25th February 2025
‘કોર્ટ કેસની તારીખમાં જતો નહીં કેસ પાછો ખેંચી લેજે નહીતર રોડ પર ભુંસી નાખીશ...' ખેડૂતને ધમકી
કાલાવડ રોડ રાધેક્રિષ્ના સોસાયટીમાં બનાવઃ અરજણભાઈ ગધેથરીયાની યુનિવર્સીટી પોલીસમાં પિનાકીન દોંગા વિરૂધ્ધ ફરિયાદ

રાજકોટ, તા.૨૫: કાલાવડ રોડ પર રાધેક્રિષ્ના સોસાયટીમાં રહેતા વૃધ્ધને ‘જમીન બાબતે કોર્ટમાં ચાલતા કેસની તારીખ છે, જતો નહીં કેસ પાછો ખેંચી લેજે નહીતર તને રોડ પર ભુંસી નાખીશ' કહી ધમકી આપનાર શખ્સ સામે યુનિવર્સીટી પોલીસમાં ફરિયાદ થઈ છે.
મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલી રાધેક્રિષ્ના સોસાયટી શેરી નં.૩માં રહેતા અરજણભાઈ મનજીભાઈ ગધેથરીયા (ઉ.વ.૬૧) એ યુનિવર્સીટી પોલીસ મથકમાં પિનાકીન ઉમેદભાઈ દોંગા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. અરજણભાઈ એ ફરિયાદમાં જણાવ્યું છે કેઃ હું ખેતી કરૂં છું, હું તથા પુત્ર, પુત્રવધુ અને પૌત્ર સાથે રહું છું. મારી માલીકીની આશરે ૧૯ વીઘા જમીન કાલાવડ ખાતે આવેલી છે. જેમાં અમે ત્રણ ભાગીદાર છીએ, જેમાં મનજીભાઈ કડવાભાઈ ગધેથરીયા, ગોપાલભાઈ કડવાભાઈ અને દેવજીભાઈ કડવાભાઈ છે. જેમાં હું તથા દેવજીભાઈ બંને છેલ્લા ૪૫ વર્ષથી કબ્જે ધરાવી એ છીએ અને ગોપાલભાઈએ આ જમીનનો કબ્જો મેળવવા માટે મારા વિરૂધ્ધ કાલાવડ પોલીસમાં અને નામદાર સિવિલ કોર્ટમાં પણ કેસ કર્યો છે જે કેસ દરમ્યાન આ ગોપાલભાઈએ પોતાની જમીન ભીમજીભાઈ કરશનભાઈ સગપરીયાને વેંચી નાખી હોઈ, જેની અમને જાણ થતા અમે નામદાર કાલાવડ કોર્ટમાં સિવિલ દાવો દાખલ કર્યો છે કે આ ગોપાલભાઈએ સમાવાળા ભીમજીભાઈને દસ્તાવેજ કરી આપેલ તે રદ કરવા અંગેનો કેસ દાખલ કરેલ છે. જે હાલ પેન્ડીંગ છે. ગત તા.૧૬/૨ના રોજ હું ઘરે એકલો હતો. ત્યારે ઘર નીચે કોઈ અજાણ્યો શખ્સે અવાજ કરેલ કે ‘અરજણભાઈ તમે નીચે આવો તમારૂ કામ છે.' જેથી મેં ઉપરથી જોયું તો અજાણ્યો શખ્સ નીચે ઉભો હતો અને તેણે ફરીવાર મને કહેલ કે ‘તમે નીચે આવો તમારૂ કામ છે.' કહેતા હું નીચે જઈ દરવાજો ખોલતા તે શખ્સે મને કહેલ કે ‘તમે નજીક આવો તમારૂ ખાસ કામ છે.' તેમ કહેતા મેં કહેલ કે તમારી નજીક એમ હું નહી આવુ તમે બોલો તમારે હું કામ છે. તેમ હેતા તેણે કહેલ કે ‘નજીક આવો એટલે તમને ખબર પડે' તેમ કહેતા હું ડરી ગયો અને તેને કહેલ કે ‘તું ઉભો રહે હું હમણા આવું' કહી હું મારા ઘરમાં જતો રહયો બાદ તેણે કહેલ કે ‘કાલે કેસની તારીખ છે, એટલે જતો નહીં કેસ પાછો ખેંચી લેજે નહીતર મજા નહી આવે અને આજે તું અહીં આવ તને જાનથી મારી નાખવો છે.' તેમ કહી ગાળો દેવા લાગ્યો હતો. અને ‘કેસ પાછો ખેંચી લેજે નહીતર તને રોડ ભુસી નાખીશ.' તેમ ધમકીઓ આપી એકટીવા પર બેસી ભાગી ગયો હતો. બાદ અમે ગામડે કામ અર્થે જતા રહયા હતા. બાદ આ બનાવની મેં મારા કાકા મયુરભાઈ દેવજીભાઈ ગધેથરીયાને જાણ કરતા તેણે મને જણાવેલ કે ‘આવો જ એક શખ્સ મારી પાસે પણ આવ્યો હતો.' અને આ જમીનની માપણી કરવાનું જણાવ્યું હતું. અને તે વખતે હું આપણી જમીન ખાતે હતો. ત્યારે મેં તેનો વિડીયો બનાવ્યો છે કહયું હતું અને તે વડીયો મને મોકલ્યો હતો. મેં વિડીયો જોતા આ અજાણ્યો શખ્સ પીનાકીન ઉમેદભાઈ દોંગા હતો. જેની જાણ મને દસ્તાવેજમાં સાક્ષી તરીકે હોઈ, તેમ જાણવા મળ્યું હતું. જેથી આ પીનાકીન દોંગાએ મારા ઘરે આવી મને જેમતેમ ગાળો આપી રોડ પર ભુસી દેવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હોઈ તેથી મેં યુનિવર્સીટી પોલીસમાં જાણ કરતા એ.એસ.આઈ. એ.વી.બકુત્રાએ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. (રર.૧૦)
(1:31 PM IST)










