તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 27th February 2025
ત્રિવેણી સંગમ ટ્રસ્ટ દ્વારા સોમવારે સર્વજ્ઞાતિય સમુહલગ્ન : ૧૯ યુગલો પ્રભુતામાં પગલા પાડશે
કોઠારીયા રોડ, બુધવારીના પટમાં આયોજન : રકતદાન કેમ્પ પણ યોજાશે

રાજકોટ તા. ૨૭ : ત્રિવેણી સંગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૧ માં સર્વજ્ઞાતિય સમુહલગ્નનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના આગેવાનોએ જણાવ્યુ હતુ કે તા. ૩ ના સોમવારે મારૂતી હોલની બાજુમાં, બુધવારીના પટમાં, કોઠારીયા મેઇન રોડ, માનવ ધર્મ આશ્રમ પાછળ રાજકોટ ખાતે આયોજીત આ સર્વજ્ઞાતિય સમુહલગ્નમાં ૧૯ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે.
હસ્ત મેળાપનું મુહુર્ત તા. ૩ ના સવારે ૧૦ વાગ્યાનું છે. બપોરે ૨.૩૦ વાગ્યે જાનને વિદાય અપાશે. આ અવસરે લાપાસરીના મહંતશ્રી ક્ષીપ્રાનાથબાપુ, આપા માંગાની જગ્યા વાસાવડના શ્રી નરસંગબાપુ, ગુણેશ્વર મહાદેવ રાજકોટના મહંતશ્રી અવધેશબાપુ, પાળની જગ્યાના મહંતશ્રી સામજીબાપુ, ગીરનારી આશ્રમ ઇશ્વરીયાના મહંતશ્રી ઠાકરદાસબાપુ, જાગનાથ મહાદેવ કોઠારીયાના મહંતશ્રી હરજીવનબાપુ, મહંતશ્રી ધર્માનંદગીરી મહારાજ ઉપસ્થિત રહી નવવિવાહીતોને આશીર્વાદ આપશે.
સમુહલગ્નમાં જોડાનાર કન્યાઓને સોનાના દાણા, મંગળસુત્ર, ચાંદીની ગાય, ચાંદીના સાકળા સહીત ૧૧૮ થી વધુ વસ્તુઓ કરીયાવરમાં અપાશે. સમુહલગ્નોત્સવની સાથે સેવાકીય કાર્યના ભાગરૂપે નાથાણી બ્લડ બેંકના સહયોગથી રકતદાન કેમ્પનું પણ આયોજન કરાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ત્રિવેણી સંગમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નયનભાઇ મકવાણા, ઉપપ્રમુખ શ્રીમતી વર્ષાબેન આર. રૈયાણી, ટ્રસ્ટી ચીમનભાઇ જી. રામાણી, એડવોકેટ રજનીભાઇ એમ. સાંગાણી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૧)
(2:48 PM IST)










