News of Thursday, 27th February 2025
મનપાની રીવ્યુ મીટીંગમાં આવેલ અનેક પ્રશ્નો ઉકેલાયાઃ શાસકોનો દાવો
થોડા દિવસો પહેલા નગરસેવકોએ વોર્ડમાં વિવિધ રજુઆત નહિ સાંભળતાની ફરિયાદ બાદ મેયર સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં અધિકારીઓ-કર્મચારીઓની સાથે બેઠક યોજાઇ હતી

રાજકોટ, તા. ર૭: થોડા દિવસ પહેલા દરેક વોર્ડના પ્રશ્નો બાબતે ઝોનવાઈઝ સંકલનના પ્રશ્નો, પ્રગતિ હેઠળના કામોના રીવ્યુ અંગે યોજાયેલ મિટીંગ દરમ્યાન આવેલ રજુઆતો અને તે પરત્વેની આપવામાં આવેલ સુચના અન્વયેના અનેક કામો પૂર્ણ કરવા મેયર સહિતના પદાધિકારીઓએ તાકેદ કરી હતી. આ સુચના અન્વયે અનેક કામો ઉકેલવાનો શાસકો દાવો કરી રહયા છે.
મિટીંગમાં આવેલ રજુઆતો પૈકી સામાન્ય રજુઆત, ઝોનના દરેક વોર્ડમાં આવેલ ગાર્ડનની સફાઈ, ગાર્ડનમાં આવેલ કસરતના સાધનોના રીપેરીંગ-મરામત, રોડ સેન્ટ્રલ ડિવાઈડરની સફાઈ, ખુલ્લા પ્લોટની સફાઈ, વોકળા સફાઈ, શહેરના જાહેર માર્ગો પર મચ્છરની ઉત્પતિ અટકાવવા ફોગીંગ કરાવવું વગેરે જેવી મુખ્યત્વે રજુઆતો આવેલ હતી. આ રજુઆત પરત્વે મિટીંગમાં ઉપસ્થિત મેયર તથા પદાધિકારીઓ દ્વારા આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા લગત અધિકારીઓને સુચના આપવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકા ગાર્ડન શાખા શહેરમાં આવેલ તમામ ગાર્ડન સફાઈની કામગીરી તેમજ ગાર્ડનમાં આવેલ કસરતના સાધનોના રીપેરીંગ-મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ, મેલેરીયા વિભાગ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ઝુંબેશ સ્વરૂપે વ્હિકલ માઉન્ટેડ ફોગીંગ મશીન દ્વારા સઘન ફોગીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ વોકળા વિભાગ દ્વારા વોકળાની સફાઈ કરવામાં આવી તેમજ જાહેર રસ્તાના સેન્ટ્રલ ડિવાઈડરની સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. આ કામગીરીથી શહેરીજનોની સુવિધામાં વધારો થયેલ છે અને મુશ્કેલીમાંથી મુક્તિ મળેલ છે. આ મિટીંગમાં આવેલ અન્ય રજુઆતોની નિકાલની પ્રક્રિયા ગતિમાં છે.
મેયર નયનાબેન પેઢડીયા દ્વારા પદાધિકારીઓ તથા શહેર ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં વોર્ડના સ્થાનિક સંકલનના પ્રશ્નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્ય બાબતો અંગે સંકલન કરી કામો ઝડપથી પૂર્ણ કરી શકાય અને સંકલનના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરી શકાય તે હેતુસર ફેબ્રુઆરી ૨૦૨૫માં ઝોનવાઈઝ મિટીંગ યોજવામાં આવેલ. આ મિટીંગમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, લગત ઝોનના કોર્પોરેટરશ્રીઓ, લગત ઝોનના અધિકારીઓ-કર્મચારીઓ, વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેકટર ઉપસ્થિત રહયા હતા.(૬.૧૮)
(3:28 PM IST)










