તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Wednesday, 5th March 2025
પૂ. જલારામ બાપા વિષે બફાટ કરનાર જ્ઞાનપ્રકાશના પુતળાનું દહન-સુત્રોચ્ચાર
રાજકોટના ભુપેન્દ્ર રોડ મંદિર સામે લોહાણા સમાજના યુવાનોનો રોષભેર દેખાવો : આહીર સમાજ અને અન્ય સમાજો પણ જોડાયા : પોલીસ દ્વારા અટકાયતી પગલા

રાજકોટ : દેશ-વિદેશમાં જેમનું પૂજનીય સ્થાન છે એવા શ્રી જલારામ બાપા વિષે સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલ બફાટ સામે રાજકોટમાં લોહાણા સમાજના યુવાનોએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. આજે સવારે દીવાનપરા ચોકથી પગપાળા ભુપેન્દ્રરોડ પર આવેલ સ્વામિનારાયણ મંદીર સુધી જઇ ત્યાં જ્ઞાનપ્રકાશના પુતળાનું દહન કરાયુ હતુ. સુત્રોચ્ચાર કરી માર્ગો ગજાવી દેવાયા હતા. મયુર નથવાણી અને નિરવ રાયચુરાની આગેવાની હેઠળ બહોળી સંખ્યામાં રઘુવંશી યુવાનો જોડાયા હતા. ઉપરાંત આહીર સમાજ અને અન્ય સમાજના યુવાનો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. અન્નનો ટુકડો ત્યાં હરી ઢુકડોની પરંપરા જાળવતી વિરપુરની જાગતી જગ્યા પર નિશાન તાકનાર સ્વામી સામે ભારે નારાજગી જન્મી છે. લોહાણા સમાજ ઉપરાંત અન્ય સમાજના લોકો પણ આ કહેવાતા સ્વામી પર ફીટકાર વરસાવી રહ્યા છે. પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચી દેખાવકારો સામે અટકાયતી પગલા ભરી મામલો શાંત પાડયો હતો. એ-ડીવીઝ પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યા મુજબ મેહુલભાઇ નથવાણી, નિરવભાઇ રાઇચુરા, મયુરભાઇ નથવાણી, દિનેશભાઇ સવાણી, જતીનભાઇ ઉનડકટ, જેકીભાઇ કકકડ, અજયભાઇ ડાભી, હેમતભાઇ લોખીલ, બબુભાઇ અનડકટ, ભાવેશભાઇ વસાણી, ઉત્સવભાઇ કારીયા, રૃષીકેશભાઇ ગણાત્રા, ધવલભાઇ માણેક, અવનીબેન બગડાઇ, અજયકુમાર નથવાણી સહીત ૧૬ લોકોની અટકાયત કરાઇ હતી. તસ્વીરમાં ભુપેન્દ્રરોડ સ્વામીનારાયણ મંદિર પાસે પુતળા દહન અને સુત્રોચ્ચારમાં બહોળી સંખ્યામાં એકત્ર થયેલ પ્રદર્શનકારી ભકતો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:03 PM IST)










