<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th March 2025

એસિડ એટેકમાં દાઝેલા વર્ષાબેનનું મોતઃ બનાવ હત્‍યામાં પલ્‍ટાયો

કોઠારીયા આણંદપર માવતર અને સોખડામાં સાસરૂ ધરાવતાં ૩૪ વર્ષના વર્ષાબેન ગોરીયાએ કાકાની દિકરી પારસબેનની સગાઇ એક વર્ષ પહેલા સોખડાના પ્રકાશ સરવૈયા સાથે કરાવી હતીઃ પણ સગાઇના બે મહિના બાદ પારસે ભાગીને રાહુલ નામના શખ્‍સ સાથે લવમેરેજ કરી લીધા હતાં: આ પછી તેનો મંગેતર પ્રકાશ વારંવાર ઘરે આવી વર્ષાબેનને કહેતો-પારસ ક્‍યાં છે એ તમને ખબર છે, તમે સરનામુ કેમ આપતા નથી? ગઇકાલે એસિડ ભરીને આવ્‍યો, ફરી પારસ બાબતે પુછી ઝઘડો કરી એસિડ એટેક કર્યો હતો : રાજકોટના નવાગામ પાસેના સોખડામાં ગત ૨૨/૧/૨૫ના રોજ બની હતી ઘટનાઃ આરોપી પ્રકાશ સરવૈયાને કુવાડવા રોડ પોલીસે પકડતાં જેલહવાલે થયો હતો

રાજકોટ તા. ૫: શહેરના કુવાડવા રોડ નવાગામ પાસે આવેલા સોખડા ગામે એક મહિના પહેલા એસિડ એટેકની ઘટના બની હતી. આ બનાવમાં દાઝી ગયેલા મહિલાએ આજે દમ તોડી દેતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો છે. સોખડા ગામમાં રહેતી વર્ષાબેન નામની મહિલાએ પોતાના સગા કાકાની દિકરી પારસબેનની સગાઇ એક વર્ષ પહેલા સોખડાના પોતાની જ્ઞાતિના પ્રકાશ સરવૈયા સાથે કરાવી હતી. પણ સગાઇના બે મહિના બાદ પારસબેને ભાગીને બીજા છોકરા સાથે લગ્ન કરી લીધા હતાં. આ કારણે તેણીનો મંગેતર પ્રકાશ રોષે ભરાયો હતો અને અવાર-નવાર વર્ષાબેનના ઘરે જઇ તમારી બહેન પારસ ક્‍યાં છે એ તમે જાણો છો છતાં કેમ શોધી લાવતા નથી? સરનામુ આપો તો હું શોધી લાવું કહી ડખ્‍ખા કરતો હતો. ગત ૨૨/૧/૨૫ના સાંજે પણ તે સ્‍ટીલની બરણી લઇને આવ્‍યો હતો અને પારસ વિશે પુછતાં વર્ષાબેને મારી બહેને બીજા લગ્ન કરી લીધા છે હવે શોધીને શું ફાયદો તેમ કહેતાં તેણે બરણી ખોલી એસિડ છાંટી દીધુ હતું. પોલીસે તેને સકંજામાં લીધો હતો. વર્ષાબેન ગંભીર રીતે દાઝી જતાં સારવાર દરમિયાન આજે મોત થયું છે.

આ ઘટનામાં કુવાડવા રોડ પોલીસે જેમના પર એસિડ એટેક થયો તે સોખડા ગામે રહેતાં વર્ષાબેન માધવભાઇ ગોરીયા (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી તેની પિત્રાઇ બહેનના મંગેતર સોખડા ગામના જ પ્રકાશ પ્રવિણભાઇ સરવૈયા વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૧૨૪ (૧), ૩૨૩ મુજબ વર્ષાબેન પર સ્‍ટીલની બરણીમાંથી એસિડ ફેંકી મોઢા, છાતી અને સાથળ તથા વાંસાના ભાગે દઝાડી ગંભીર ઇજા પહોંચાડયાનો ગુનો નોંધી તેને સકંજામાં લીધો હતો.

એસિડ હુમલામાં દાઝી ગયેલા વર્ષાબેનને  કુવાડવા રોડ પરની ગોકુલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતાં. ત્‍યાંથી અન્‍ય હોસ્‍પિટલમાં અને ગત સાંજે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. અહિ આજે બપોર બાદ તેણીએ દમ તોડી દેતાં પરિવારમા શોક છવાયો હતો. સારવાર વખતે તેણીએ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે   હતું કે હું પરિવાર સાથે રહુ છું. મારા પતિ માધવભાઇ ચોથાભાઇ ગોરીયા ખેત મજુરી કરે છે. મારે બે સંતાન છે. મારુ માવતર વાંકાનેરના કોઠારીયાનું જડેશ્વર છે. મારા સગા કાકા જેરામભાઇ મનજીભાઇ મવકાણાની દિકરી પારસબેનની સગાઇ અમારા સોખડા ગામના અને અમારી જ જ્ઞાતિના પ્રકાશ પ્રવિણભાઇ સરવૈયા સાથે એક વર્ષ પહેલા થઇ હતી. આ સગપણ કરાવવામાં હું વચ્‍ચે રહી હતી. જો કે આ સગાઇ થયાના બે મહિના બાદ જ મારી બહેન પારસબેન બીજા કોઇ છોકરાને પ્રેમ કરતી હોઇ તેની સાથે પ્રેમલગ્ન કરીને જતી રહી હતી. આ પછી તેણીનો મંગેતર પ્રકાશ અવાર-નવાર મારી પાસે આવીને કહેતો હતો કે-પારસ ક્‍યાં છે તે તમને ખબર છે છતાં તમે મને કહેતા નથી, પારસને શા માટે તમે શોધી લાવતા નથી, તમારે ન જવું હોય તેને લેવા તો મને સરનામુ આપો, હું તેને શોધી લાવીશ તેમ કહેતો હતો. પણ હું તેને કહેતી કે પારસે બીજા છોકરા સાથે લગ્ન કરી લીધા છે તો તમે તેને શોધીને શું કરશો? આથી તે જતો રહેતો હતો.

 દરમિયાન ૨૨/૧ના સાંજે હું ઘરે હતી ત્‍યારે પ્રકાશ સરવૈયા મારી ઘરે આવ્‍યો હતો. આ વખતે તેના હાથમાં સ્‍ટીલની બરણી હત. હું કંઇ પુછુ એ પહેલા તેણે મને કહેલુ કે-તમે પારસને કેમ શોધી લાવતા નથી, કયાં ગઇ છે પારસ? કેમ તેનું સરનામુ આપતાં નથી? તેમ કહેતાં મેં ફરીથી તેને અગાઉની જેમ જ કહેલુ કે મારી બહેન પારસે હવે બીજા લગ્ન કરી લીધા છે, એને શોધવાનો કોઇ ફાયદો નથી. મારી આ વાત સાંભળી પ્રકાશ ઉશ્‍કેરાઇ ગયો હતો અને પોતાની પાસેની સ્‍ટીલની બરણીનું ઢાંકણુ ખોલી અંદર રહેલુ એસિડ મારા પર ઉડાડતાં મને બળતરા થવા માંડી હતી. ગંધને કારણે મને ખબર પડી હતી કે આ પ્રવાહી એસિડ હતું.

મેં દેકારો બોલાવતાં તે ભાગી ગયો હતો. એ દરમિયાન મારા પડોશીઓ, મારા કુટુંબીઓ દોડી આવ્‍યા હતાં. મને ખુબ બળતરા થતી હોઇ અને મોઢા, છાતી, પેટ, વાંસા, પગના ભાગે હું દાઝી ગઇ હોઇ ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી હતી. વર્ષાબેને વધુમાં કહ્યું હતું કે-મારી કાકાની દિકરી બહેનની સગાઇ મેં પ્રકાશ સરવૈયા સાથે કરાવી હતી. પણ એ પછી મારી બહેન પારસે ભાગીને કોઠારીયાના રાહુલ દિલીપભાઇ સાથે લગ્ન કરી લીધા હતાં. આમ છતાં પ્રકાશ મારી પાસે આવીને કહેતો હતો કે તમને પારસને શોધવા જતા નથી અને ક્‍યાં છે તે તમે જાણો છો છતાં કહેતાં નથી તેવી શંકા કરતો હતો. છેલ્લે તેણે બરણીમાં એસિડ ભરી મારા ઘરે આવી ફરીથી પારસ વિશે પુછી મારા પર એસિડ છાંટયું હતું અને દઝાડી દીધી હતી.

ઉપરોક્‍ત તમામ હકિકત વર્ષાબેને પોતે સારવારમાં હતાં ત્‍યારે જણાવી હતી. તેના આધારે કુવાડવા પોલીસ સ્‍ટેશનના પીઆઇ બી. પી. રજયા, પીએસઆઇ એમ. જે. વરૂ, અજીતભાઇ લોખીલ સહિતની ટીમે વર્ષાબેનની ફરિયાદને આધારે ગુનો નોંધી આરોપી પ્રકાશ સરવૈયાને ઝડપી લીધો હતો. તે જેલહવાલે થયો હતો. વર્ષાબેનનું મૃત્‍યુ થતાં પોસ્‍ટમોર્ટમ બાદ પોલીસ હત્‍યાની કલમનો ઉમેરો કરવા તજવીજ કરશે. બનાવથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

(4:21 PM IST)