News of Monday, 10th March 2025
દિવાનપરામાં સાડીની દૂકાનમાં અગાસીએથી ઘુસેલા બે ચોર ૧૩.૬૨ લાખની મત્તા ચોરી ગયા
વેપારી શશીકાંતભાઇ રાયઠઠ્ઠાની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-૨ ટીમ ભેદ ઉકેલવા કામે લાગ્યા સીસીટીવી ફૂટેજને આધારે તપાસ

રાજકોટ તા. ૧૦: શહેરના દિવાનપરા મેઇન રોડ પર સાડીની દૂકાનમાં ઘુસી તસ્કરો રોકડ, સોનાના પેન્ડલ મળી રૂા. ૧૩,૬૨,૦૦૦ની માલમત્તા ચોરી ગયા છે. મોડી રાતે પોણા બે વાગ્યા આસપાસ અગાસીના દરવાજાનો નકુચો તોડી બંને ચોર અંદર ઘુસ્યા હતાં અને દૂકાનના ડ્રોઅરમાંથી માલમત્તા ચોરી ફરી એ જ રસ્તેથી નીકળી ગયા હતાં. સીસીટીવી ફૂટેજમાં બંને ચોર કેદ થયા છે, પરંતુ તેના ચહેરા સ્પષ્ટ દેખાતા નથી. પોલીસે ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ પર ગિરીરાજ હોસ્પિટલ પાછળ નવજ્યોત પાર્ક-૪, શ્રીનાથજી કૃપા ખાતે રહેતાં વેપારી શશીકાંતભાઇ ગોપાલભાઇ રાયઠઠ્ઠા (ઉ.વ.૬૪)ની ફીરયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શશીકાંતભાઇએ જણાવ્યુ ંછે કે હું પરિવાર સાથે રહુ છું અને દિવાનપરા મેઇન રોડ પર મનાલી ટેક્સટાઇલ નામે સાડીની દૂકાનમાં ચોૈદ વર્ષથી હોલસેલ વેપાર કરુ છું. શનિવારે ૮મીએ હું અને મારાો દિકરો તથા અમારા સ્ટાફના માણસો રાતે સવા દસેક વાગ્યે રાબેતા મુજબ દુકાન બંધ કરીને ઘરે ગયા હતાં. રવિવારે નવમીએ સવારે હું ઘરે હતો ત્યારે મારા દિકરા વિજયભાઇએ ફોન કરી કહેલુ કે પપ્પા આપણી મનાલી ટેકસટાઇલમાં ચોરી થઇ છે તમે જલ્દી આવો. આથી હું તુરત એ-ડિવીઝન પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પોલીસને જાણ કરી હતી.
પોલીસ સ્ટાફ મારી સાથે આવતાં અમે દુકાને પહોંચ્યા હતાં. ત્યાં જઇને જોતાં દુકાનના કાઉન્ટરના ત્રીજા ડ્રોઅરનો લોક તૂટેલો હતો, ખાનુ ખુલેલુ હતું અને ડ્રોઅરમાં રાખેલા રૂા. ૪,૫૦,૦૦૦ જે વેપારના હતાં તે ગાયબ જણાયા હતાં. આ ઉપરાંત આ ડ્રોઅરમાં શ્રીનાથજી ભગવાનના સોનાના બે પેન્ડલ જેની કિમત આશરે ૮હ જાર ગણાય તે પણ નહોતાં. નીચેના ડ્રોઅરના ગુપ્તખાનામાંથી વેપાર ધંધાના રૂા. ૯ લાખ રાખ્યા હતાં તે પણ ગાયબ જણાયા હતાં. તેમજ દસ રૂપિયાના સિક્કા આશરે ૪ હજારના પણ ચોરાઇ ગયા હતાં. મારા દિકરાએ દૂકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તા. ૯ના રાતે ૧:૪૨ કલાકે બે શખ્સ અગાસીમાંથી દૂકાનમાં પ્રવેશતા જણાયા હતાં. આ બંને ચોરી કરીને ફરી અગાસીના રસ્તેથી જ નીકળી ગયા હતાં.
અમે ઉપર જઇને જોતાં ચોર અગાસીના દરવાજાના નકુચા તોડી અંદર ઘુસી ગયાનું જણાયું હતું. નજીકમાં એક બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હોઇ ત્યાંથી થઇ કદાચ આ દૂકાનની અગાસી પર ચોર આવ્યાની શક્યતા છે. કેમેરામાં બે શકમંદ દેખાયા છે પરંતુ તેના ચહેરા જોઇ શકાયા નથી. તસ્કરો રોકડા ૧૩,૫૮,૦૦૦ અને સોનાના પેન્ડલ મળી કુલ રૂા. ૧૩,૬૨,૦૦૦ની મત્તા ચોરી ગયા હતાં. પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ આર. જી. ચોૈહાણે ગુનો દાખલ કરતાં ડી. સ્ટાફની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-૨ ટીમ પણ તપાસમાં સામેલ થઇ છે. પોલીસે સીસીટીવી ફૂટેજનું ડીવીઆર કબ્જે કરી આસપાસના અન્ય ફૂટેજ ચેક કરવા અને તસ્કરોનું પગેરૂ શોધી કાઢવા મહેનત આદરી છે.
(2:01 PM IST)










