<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

નાત-જાતના ભેદભાવ વગર જૈનો દ્વારા ધમધમતું એકમાત્ર અન્‍નક્ષેત્ર

સદ્‌ગુરૂ દેવ પૂ. પારસમુનિ મ.સા.નો વ્‍યાપક દ્રષ્‍ટિકોણ કાલાવડના દિવ્‍ય સાધનાલય ખાતે જૈન અન્‍નક્ષેત્રમાં દ્વારિકાના ૧પ૦૦૦ પદયાત્રિકોએ કોઠા ટાઢા કર્યા


 

રાજકોટ તા. ૧૦: ગોંડલ સંપ્રદાયનાં મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા.નાં સુશિષ્‍ય પરમ પૂજ્‍ય સદગુરૂદેવ શ્રી પારસમુનિ મ.સા. સાધના અર્થે ૨૫૦ વર્ષ થી વધુ પ્રાચીન દિવ્‍ય ઊર્જામય ચેતન સમાધિ સ્‍થાન યતિવર્ય પૂ. શ્રી ‘‘ગાંગજીવીર ઋષિ સમાધિ મંદિર'' ની ભૂમિ ઉપર દિવ્‍ય ફાઉડેશન સંચાલિત દિવ્‍ય સાધનાલય કાલાવડ (શીતલા) ગુજરાતમાં પધાર્યા ત્‍યારથી એટલે કે ૧/૩/૨૦૨૨ થી જઅન્‍નક્ષેત્ર-સદાવ્રત (દિવ્‍ય પ્રસાદ) નો પ્રારંભ થયો. અઢારે જ્ઞાતિનાં સર્વ વર્ણનાં માનવ માત્ર ત્‍યાં પ્રસાદ લે છે.

    દ્વારિકા જતી પદયાત્રાના આરાધક પદયાત્રીઓ દિવ્‍ય પ્રસાદનો અમૂલ્‍ય લાભ આપી રહ્યા છે. વિશ્વનું પ્રથમ અને એક માત્ર જૈનો દ્વારા સંચાલિત અન્‍નક્ષેત્ર-સદાવ્રત (દિવ્‍ય પ્રસાદ) જે માનવ માનવ વચ્‍ચેની સાંકળ બની રહ્યું છે. નાત-જાતનાં ભેદથી પર થઈ અનેક સાધકો સેવાકાર્યમાં જોડાય છે. દિવ્‍ય પ્રસાદમાં દ્વારિકા પદયાત્રી સંઘનાં સાધકોને લાડવા, મોહનથાળ, તિખી સેવ, બાજરા નાં રોટલા , ઘઉં ની રોટલી , મગ, લીલું શાક , સેવ ટમેટા શાક , આથેલા મરચા, ફ્રાઈમ્‍સ, છાસ, સોડા, ચા-દૂધ પિરસીને પિરસનારા અને પ્રસાદ લેનાર બંને ધન્‍યતા અનુભવતા દેખાયા. સદગુરુદેવે આ અવસરે જણાવેલ કે સંપતિનું અનુદાન આપનાર પરમાત્‍મ સ્‍વરૂપ છે. ભોજન બનાવનારા પરમાત્‍મ સ્‍વરૂપ છે. ભોજન કરનારા પરમાત્‍મ સ્‍વરૂપ છે. હું તો નિમિત છું. આપનાર આપે છે. બનાવનાર બનાવે છે. લાભ લેનાર લાભ લે છે. તેમાં મારૂં કાંઇ નથી. નામની આશા વગર દાતાઓ આપે છે. અને તે દાતાનું અન્ન જેનાં ભાગ્‍યમાં લખલું છે તે પ્રસાદનો લાભ અવશ્‍ય આપે છે. દિવ્‍ય સાધનાલયનું નિર્માણ નામ માટે નહિ, સેવા કામ માટે છે.

પૂ.શ્રીએ વધુમાં જણાવેલ કે, અહંકાર મિટાવવા સાધકો સેવા કાર્યમાં જોડાય છે. અહંકારનાં નાશ વગર અરિહંત સ્‍વરૂપ પ્રાપ્ત થતું નથી. કલિ કાલ પ્રગટ પ્રભાવી પૂ. ગાંગજીવીર ઋષિ ની પરમકળપાથી માનવ માત્રને સદભાવ અને સન્‍માનપૂર્વક વાત્‍સલ્‍ય ભાવથી અહીં જ્ઞાતિ જાતિ કે ધર્મ નાં ભેદભાવ થી પર બની ભોજન કરાવવામાં આવે છે. પ્રેમ પૂર્વક કરાવવામાં આવેલ ભોજન જ દિવ્‍ય પ્રસાદ છે.

તા. ૨ થી ૯ દરમિયાન ૧૫,૦૦૦ થી વધુ દ્વારિકા પદયાત્રાનાં પદયાત્રીઓએ દિવ્‍ય પ્રસાદનો લાભ લઈ આ કાર્ય પ્રત્‍યે સદભાવના પ્રગટ કરેલ.  દ્વારિકા પદયાત્રી સંઘ ની પદયાત્રામાં જતા સાધકોમાં એવા પાવન અને પવિત્ર આત્‍માઓ પણ હોય જે ભવિષ્‍યમાં સંત-મહંત-યોગી -જોગી-જતી-સતી બને.

ગોંડલ સંપ્રદાયમાં વિ. સં. ૧૯૦૭ માં દીક્ષિત થનાર મારવાડનાં રજપૂત જસાજીભાઇ આગળ જતાં ગોંડલ સંપ્રદાયનાં જૈનમૂનિ આચાર્ય પૂ. શ્રી જસાજી સ્‍વામી બન્‍યા. જે દ્વારિકા પદયાત્રામાં રાજસ્‍થાનની નીકળેલ અને તે પદયાત્રી પરમાત્‍મા માર્ગમાં પરમયાત્રી બની ગયા.

સદગુરુદેવે જણાવેલ કે સદાવ્રત માનવ ને માનવ સાથે જોડવાની મહાસાંકળ છે. માનવ-માનવ પાસેથી જમવાનું મૂલ્‍ય લે તે યોગ્‍ય નથી. પ્રેમ અમૂલ્‍ય છે. પ્રસાદ અમૂલ્‍ય છે. તેનું મૂલ્‍ય ન હોય માટે પ્રસાદનું મૂલ્‍ય લેવામાં આવતું નથી.  મૂલ્‍ય લેવાય તે વેપાર છે. હોટલ, રેસ્‍ટોરન્‍ટ કે લોજ માં પૈસાથી જમાડાય, પરમાત્‍માનાં ધામમાં પૈસા નહી, પ્રેમથી જમાડાય માટે જ ભોજન દિવ્‍ય પ્રસાદ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ માં કાલાવડ અન્નક્ષેત્ર માં  ૧,૪૫,૦૦૦ ઉપરાંત લોકો નો લાભ પ્રાપ્ત થયો છે. અવિરત ચાલતું અન્નક્ષેત્ર સદાવ્રત અવિરત ચાલતું રહે. માનવમાત્ર ની જઠરાગ્નિ ઠારતુ રહે.

આ અન્નક્ષેત્ર સદાવ્રત ની ખાસિયત એ છે કે અહીં કંદમૂળ બનતું નથી. અને કયાંય ફંડ ફાળો માંગવા જતાં નથી. સામે થી દાન મળે તે જ સ્‍વીકારાય છે.

દિવ્‍ય ફાઉન્‍ડેશનના આ સેવા યજ્ઞમાં ઉદાર દિલ દાતાઓ નામ કે તકતીની ભાવના થી ઉપરત બની સેવા કાર્ય માં પોતાનું અનુદાન આપી શકે છે.

દિવ્‍ય સાધનાલય,યતિવર્ય પૂજ્‍ય શ્રી ગાંગજીવીર ઋષિ સમાધિ મંદિર,

શિતલામાતા મંદિરની બાજુમાં,

કાલાવડ શિતલા, જીલ્લા -જામનગર

સંપર્કઃ ૯૩૨૦૮૬૦૦૧૯ (૭.ર૬)

(3:11 PM IST)