News of Monday, 10th March 2025
૭ દિ' પહેલા લગ્નબંધને બંધાયેલા યુવાન સિધ્ધરાજસિંહ જાડેજાનું ‘હિટ એન્ડ રન'માં મૃત્યુઃ પરિવાર પર વજ્રઘાત
કદી બૂલેટ લઇને ન નીકળતો યુવાન ગઇકાલે ઢેબર રોડ પર કાકાના ઘરેથી નીકળી પોતાના ઘરે પહોંચે એ પહેલા કાળ આંબી ગયો પાળ ગામના યુવાન કદી બૂલેટ લઇને નીકળતાં નહિ, ગઇકાલે રાજકોટ બૂલેટ લઇને આવ્યા અને કાળ ભેટી ગયોઃ સાથે મોબાઇલ ફોન પણ નહોતોઃ બૂલેટના એન્જીન ચેસીસ નંબરને આધારે મૃતકની ઓળખ છેક સાંજે થઇઃ પાળ ગામે અંતિમવિધીમાં કરૂણ દ્રશ્યો સર્જાયા

રાજકોટ તા. ૧૦: શહેરમાં ગઇકાલે ઢેબર રોડ પર હિટ એન્ડ રનના બનાવમાં પાળ ગામના ત્રીસ વર્ષના યુવાનનું કમકમાટી ભર્યુ મોત થયું હતું. કારનો ચાલક બૂલેટને ઠોકરે લઇ ભાગી જતાં બૂલેટસ્વાર યુવાન ફંગોળાઇ જતાં ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. કરૂણતા એ છે કે હજુ તો અઠવાડીયા પહેલા જ આ યુવાન લગ્નગ્રંથીથી જોડાયેલ. જે દિકરાના લગ્નગીતોથી આંગણું ગુંજ્યું હતું એ આંગણે આ જુવાનજોધ દિકરાના મરશીયા ગાવાની વેળા આવતાં પરિવારજનો પર વજ્રઘાત થયો હતો.
બનાવની જાણવા મળેલી માહિતી મુજબ રવિવારે બપોરે ઢેબર રોડ રોકડીયા હનુમાન મંદિર નજીક અજાણ્યો કાર ચાલક બૂલેટને ઠોકરે લઇભ ાગી જતાં બૂલેટચાલક લોધીકાના પાળા ગામના સિધ્ધરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. ૩૦) બૂલેટ સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. આરંભે અજાણ્યા દર્દી તરીકે તેમને હોસ્પિટલે લાવવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર મળે એ પુર્વે જ મૃત્યુ થયું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ કરતાં ભક્તિનગરના પીએઅસાઇ વી.એલ. રાઠોડ સહિતે પહોંચી તપાસ શરૂ કરી હતી. દરમિયાન મૃતક યુવાનની ઓળખ થઇ હતી અને તે પાળ ગામના સિધ્ધરાજસિંહ જાડેજા હોવાનું ખુલતાં તેમના સગા સ્વજનો કુટુંબીજનો, મિત્રો મોટા પ્રમાણમાં હોસ્પિટલે દોડી આવ્યા હતાં.
મૃત્યુ પામનાર સિધ્ધરાજસિંહ જાડેજા બે ભાઇમાં મોટા હતાં. ગયા અઠવાડીયે જ તેમના લગ્ન થયા હતાં. ઢેબર રોડ વિસ્તારમાં કાકાના ઘરે જવા તે બૂલેટ લઇને ગયેલ. ત્યાંથી પરત પોતાના ઘરે જવા નીકળેલ ત્યારે પાછળથી કારચાલકે ઠોકર મારી દીધી હતી. આજે સવારે તેની અંતિમવિધી વખતે કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં. જેમાં અનેક રાજકીય, સામાજીક આગેવાનો સામેલ થયા હતાં. જાણવા મળ્યા મુજબ સિધ્ધરાજસિંહ મોટે ભાગે કાર લઇને જ નીકળતાં હતાં. ગઇકાલે જ બૂલેટ લઇને નીકળેલ અને આ બનાવ બની ગયો હતો. ભકિતનગર પોલીસે કારચાલકને શોધી કાઢવા તપાસ યથાવત રાખી છે. (૧૪.૧૦)
(4:05 PM IST)










