News of Monday, 10th March 2025
વડાળીમાં પાણીની મોટર ચાલુ કરવા જતાં કૂવામાં પડી જતાં જીતુબેનનું મોત
સંત કબીર રોડ સમૃધ્ધી સોસાયટીના ઇલાબેન હરસોડાનું હૃદય બેસી જતાં મોત

રાજકોટ તા. ૧૦: ત્રંબા નજીકના વડાળી ગામે રહેતાં જીતુબેન પરબતભાઇ ડાંગર (ઉ.વ.૫૨) નામના મહિલા સવારે પોતાની વાડીએ કૂવામાં પડી જતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ વડાળી રહેતાં જીતુબેન સવારે વાડીએ હતાં ત્યારે કૂવા પાસે પાણીની મોટર ચાલુ કરવા જતાં અંદર પડી જતાં બેભાન હાલતમાં બહાર કાઢી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃતકને સંતાનમાં એક પુત્ર છે. પતિ ખેતી કામ કરી ગુજરાન ચલાવે છે.
બીજા બનાવમાં સંત કબીર રોડ પર સમૃધ્ધી સોસાયટીમાં રહેતાં ઇલાબેન રમેશભાઇ હરસોડા (ઉ.વ.૪૯) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. હાર્ટએટેક આવી ગયાનું સ્વજનોએ કહ્યું હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર છે. પતિ લુહારી કામ કરે છે.
(4:35 PM IST)










