<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th March 2025

રેસકોર્ષ રીંગ રોડ પર ચાના સ્‍ટોલમાં ઝેર પી લેનારી કર્મચારી યુવતિનું મોતઃ પ્રેમમાં દગાખોરી કારણભુત?

મુળ અમદાવાદના ઉદય નામના શખ્‍સે પ્રેમજાળમાં ફસાવી કોર્ટ મેરેજ કર્યા બાદ તરછોડી દીધાનો આપઘાત કરનારના માતાનો આક્ષેપઃ એ-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરીઃ મૃતકના પિતા હયાત નથી

રાજકોટ તા. ૧૧: શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર આવેલા ટી-પોસ્‍ટ નામના ચાના સ્‍ટોલમાં ચાર દિવસ પહેલા ઝેરી દવા પી લેનારી કર્મચારી યુવતિનું આજે સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. આ યુવતિને મુળ અમદાવાદના શખ્‍સે પ્રેમમાં ફસાવી બારોબાર કોર્ટ મેરેજ કરી લીધા બાદ દગાખોરી કરી હોવાથી આ પગલુ ભર્યાનો આક્ષેપ તેણીના માતાએ કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

જાણવા મળ્‍યા મુજબ રૈયા રોડ આલાપ ગ્રીન સીટી પાસેના આરએમસી આવાસ ક્‍વાર્ટરમાં રહેતી એકતાબેન રાજેશભાઇ ઝાલા (ઉ.વ.૨૩) નામની યુવતિએ ગત તા. ૭/૩ના રોજ રેસકોર્ષ રીંગ રોડ પર આવેલા ટી-પોસ્‍ટમાં નોકરી પર હતી ત્‍યારે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ પહોંચતા સુધીમાં બેભાન થઇ ગઇ હોઇ પોલીસ નિવેદન નોંધી શકી નહોતી. દરમિયાન આજે તેણીનું મોત નિપતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇએ એ-ડિવીઝનમાં જાણ કરતાં પીઆઇ આર. જી. બારોટ, પીએસઆઇ રાણા સહિતના સ્‍ટાફે હોસ્‍પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર એકતાબેન ચાર બહેન અને એક ભાઇમાં નાની હતી. તેના પિતા હયાત નથી. માતા લક્ષ્મીબેન ઝાલા છુટક મજુરી કરી ગુજરાન ચલાવે છે. લક્ષ્મીબેને કહ્યું હતું કે દિકરી એકતા ચાના સ્‍ટોલમાં નોકરી કરતી હતી. અહિ ઉદય નામનો મુળ અમદાવાદનો શખ્‍સ ચા પીવા નાસ્‍તો કરવા આવતો હોઇ તેણીએ મારી દિકરીને પ્રેમજાળમાં ફસાવી હતી. એ પછી અમારી જાણ બહાર કોર્ટ મેરેજ કરી લીધા હતાં. જો કે આ પછી આ શખ્‍સે મારી દિકરી સાથે દગો કર્યો હતો અને લગ્નના કાગળો લઇને જતો રહ્યો હતો. તેમજ તેણીનો નંબર બ્‍લોક કરી દીધો હતો. આ કારણે આઘાતમાં આવી જતાં તેણીએ આ પગલુ ભરી લીધાનું અમને જણાય છે.

એ ડિવીઝન પોલીસે આ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે. યુવાન આશાસ્‍પદ દિકરીના આ પગલાથી ઝાલા પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. 

(3:06 PM IST)