ઘંટેશ્વર- માધાપરની રાવળા હકની જમીન ખાનગી ઠેરવી દેવાના મામલે કલેકટરનું આકરૂ પગલુઃ તલાટીની બદલી
કુલ ૪૧૦૦ ચો.મી. જમીનનો મામલોઃ તમામ નોંધ હાલ રદ કરી દેતા મામલતદાર મામલતદારના રીપોર્ટ બાદ તલાટીને સસ્પેન્ડ અંગે નોટીસ ફટકારતા કલેકટર

રાજકોટ તા.૧૧: રાજકોટ તાલૂકા મામલતદાર કચેરીના તલાટી નિલેશ વાઘેલાએ માધાપર- ઘંટેશ્વરમાં રાવળા હકની સરકારી જમીન મામલતદારોના હુકમોને અનુલક્ષીને ખાનગી ઠેરવી દિધી હતી, આ ૧૦ જેટલી નોંધો અંગે વર્તમાન મામલતદારશ્રી મકવાણાએ તપાસ હાથધરી હતી. અને હુકમો બોગસ હોવાની શંકા જતા તમામ ૧૦ નોંધો રદ કરી નાખી હતી, અને કલેકટરને રીપોર્ટ કર્યો હતો.
દરમ્યાન આ મુદે કલેકટરે ગઇકાલે સાંજે પત્રકારોને જણાવ્યું હતું કે, તલાટીમંત્રી નિલેશ વાઘેલાએ જે બનાવટી કાગળો સામે સરકારી જમીન ખાનગી ઠેરવી દિધી. તેની ઉપલેટા બદલી કરી નખાઇ છે, અને સસ્પેન્ડ કરવા અંગે નોટીસો અપાઇ છે, તેમજ આ કિસ્સામાં તાલૂકા મામલતદાર કચેરીના અન્ય કોઇ કર્મચારીની સંડોવણી છે કે કેમ તે અંગે સીટી પ્રાંત-રને કલેકટરે તપાસ સોંપી છે, દરમ્યાન કલેકટરની તપાસમાં કુલ ૪૧૦૦ ચો.મી.થી વધુ જમીનનો આ મામલો છે, તાલૂકા મામલતદાર શ્રી મકવાણા આ બાબતે આગામી સમયમાં વધુ વિગતો ઉજાગર કરશે તેમ કલેકટર તંત્રનું માનવુ છે










