News of Wednesday, 12th March 2025
રાજકોટની શ્રી મની પ્લસ મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગા સામે ૫૦ લોકોના ૧૧ કરોડ ‘ખાઇ' જવાનો વધુ એક ગુનો
નાના મવા રોડ સંભવ કોમ્પ્લેક્ષમાં ૨૦૧૭માં ઓફિસ ખોલી પુર્વયોજીત કાવત્રુ ઘડી લોકોને સ્કીમમાં નાણા રોકવા લલચાવી મંડળીને તાળા મારી દીધા હતાં: અગાઉ પણ ગુના નોંધાયા હતાં : આશાપુરા રોડના રંગુન ક્લોથવાળા રશ્મિનભાઇ પરમારે સત્સંગી મનસુખભાઇના કહેવાથી અલ્પેશની ઓફિસે જઇ એફડીમાં રોકાણ પર મહિને ૧ ટકા વળતરની સ્કીમમાં પોતાના વિધવા ભાભીના નામે ૧૪ લાખ રોક્યા હતાં: જેનું પાંચ વર્ષ સુધી અલ્પેશે નિયમીત વળતર આપતાં વેપારીએ બીજા સગા સંબંધી, મિત્રોને પણ રોકાણ કરવા કહ્યું હતું: તાલુકા પોલીસે અલ્પેશની ધરપકડ કરી તપાસ શરૂ કરી

રાજકોટ તા.૧૨: શહેરના નાના મવા રોડ પર સંભવ કોમ્પલેક્ષમાં વર્ષ ૨૦૧૭માં શ્રી મની પ્લસ શરાફી સહકારી મંડળી ખોલી પુર્વયોજીત કાવત્રુ રચી લોકોને રોકાણ પર વળતરની અલગ અલગ સ્કીમ બતાવ લાલચ આપી રોકાણ કરાવ્યા બાદ નાણા ખાઇ જનારા આ મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગા સામે વધુ એક ગુનો નોંધાયો છે. આ વખતે આશાપુરા રોડના કાપડના દરજી વેપારી સહિત ૫૦થી વધુ લોકોના અધધધ ૧૧ કરોડ ૮ લાખ ૯૮ હજાર રૂપિયા અલ્પેશે કાવત્રુ ઘડી ચાંઉ કરી લીધા છે. પોલીસે એફઆઇઆરને આધારે અલ્પેશને સકંજામાં લઇ તપાસ શરૂ કરી છે.
આ બનાવમાં તાલુકા પોલીસે કરણસિંહજી હાઇસ્કૂલ પાછળ આશાપુરા રોડ ધર્મજ્યોત ખાતે રહેતાં અને આશાપુરા રોડ પર રંગુન ક્લોથ સ્ટોર નામથી કાપડની દુકાન ચલાવતાં દરજી વેપારી રશ્મિનભાઇ ચુનીલાલ પરમાર (ઉ.વ.૫૭)ની ફરિયાદ પરથી નાના મવા રોડ સત્યમ પાર્ટી પ્લોટ પાછળ શગુન એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૧માં રહેતાં શ્રી મની પ્લસ શરાફી સહકારી મંડળીના પ્રમુખ અલ્પેશ ગોપાલદાસ દોંગા અને તપાસમાં ખુલે તેની સામે કાવત્રુ રચી વેપારી રશ્મિનભાઇ, તેમના સગા સંબંધી, મિત્રો સહિત ૫૦થી વધુ લોકો સાથે મંડળીમાં એફડીમાં રોકાણ પર મહિને એક ટકા વળતરની લાલચ આપી રૂા. ૧૧,૦૮,૯૮,૦૦૦ (અગીયાર કરોડ આઠ લાખ અઠ્ઠાણુ હજાર)ની ઠગાઇ કરવાનો ગુનો નોંધી અલ્પેશને સકંજામાં લીધો છે. આ શખ્સ વિરૂધ્ધ અગાઉ પણ ચીટીંગના ગુના નોંધાયા હતાં. જેતપુરમાં મંડળીના એક કર્મચારીએ આપઘાત પણ કર્યો હતો.
ભોગ બનેલા વેપારી રશ્મિનભાઇ પરમારે જણાવ્યું છે કે આઠેક વર્ષ પહેલા મને સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી મનસુખભાઇ કરમણભાઇ ગોરસંદીયા મળ્યા હતાં. સત્સંગમાં અમે ભેગા થતાં હોઇ ઓળખાણ થઇ હતી. એ વખતે મનસુખભાઇએ મને શ્રી મની પ્લસ સહકારી મંડળી વિશે વાત કરી હતી. આથી હું અને મનસુખભાઇ અલ્પેશ દોંગાની ઓફિસ જે નાના મવા રોડ પર સંભવ કોમ્પલેક્ષમાં પહેલા માળે એસબીઆઇ બેંક ઉપર છે ત્યાં ગયા હતાં. ત્યારે અલ્પેશે વાત કરી હતી કે અમારી મંડળી ગુજરાત સહકારી અધિનિયમ હેઠળ નોંધાયેલી છે, તમે અમારી મંડળીમાં એફડીમાં તમે રોકાણ કરશો કે કરાવશો તો વર્ષના ૧૨ ટકા લેખે વળતર મળશે. છ વર્ષમાં તમારી મુડી પરત મળી જશે. જો વહેલા રોકાણ કરેલી એફડી ઉપાડવી હોય તો એક મહિના અગાઉ જાણ કરશો તો તમને તમારા રૂપિયા પરત મળશે અને છ વર્ષમાં તમારી મુડી પરત મળી જશે. આથી મને અલ્પેશ દોંગાની વાત પર વિશ્વાસ બેઠો હતો.
આ પછી મેં પ્રથમ મારા ભાભી કિશોરીબેન વિનોદકુમાર પરમાર કે જેઓ વિધવા હોઇ તેમના પતિના અવસાન બાદ વીમાની રકમ આવી હોઇ જે અલ્પેશ દોંગાએ સમજાવેલી સ્કીમમાં મારા ભાભીનો ઘર ખર્ચ નીકળી શકે એ હેતુથી રોકાણ કરી હતી. આ રકમ રૂા. ૧૪ લાખ કિશોરીબેન વિનોદકુમાર પરમારના નામે ૨૯/૧૨/૧૮ના રોજ ફિક્સ-એફડીમાં મુકી હતી. આ પછી મને આ રોકાણ પર દર મહિને ૧ ટકા લેખે વ્યાજની રકમ રોકડા રૂપે મળવા માંડી હતી. પાંચ વર્ષ સુધી એક મહિનો પણ ચુક્યા વગર અમને વળતર અપાયુ હતું. આથી અમને શ્રી મની પ્લસ મંડળી અને તેના સંચાલક અલ્પેશ પર વધુ વિશ્વાસ બેઠો હતો. અલ્પેશ અલગ અલગ સ્થળે મીટીંગો કરી પેપરમાં જાહેરાતો પણ છપાવતો હોઇ મેં મારા સગાવ્હાલા, મિત્ર સર્કલમાં પણ આ અંગે ચર્ચા કહી તી અને રોકાણ પર મહિને ૧ ટકો વ્યાજ મળે છે તેવી વાત બધાને કરી હતી.
આ પછી મારા સગાવ્હાલા, મિત્ર સર્કલમાંથી પણ કુલ પચાસથી વધુ લોકોએ અલગ અલગ રકમનું રોકાણ અલ્પેશ દોંગાની આ મંડળીમાં તેણે સમજાવેલી એફડીની સ્કીમમાં કર્યુ હતું. આ રીતે અમે કુલ ૧૧ કરોડ ૮ લાખ ૯૮ હજારનું રોકાણ વર્ષ ૨૦૧૮થી ૨૦૨૪ સુધીમાં કરાયું હતું. પણ છેલ્લે અલ્પેશ દોંગાએ પુર્વયોજીત કાવત્રાના ભાગ રૂપે મંડળી બંધ કરી દીધી હતી અને અમારા તમામની રકમ છેતરપીંડીથી ઓળવી ગયો હતો. અત્યાર સુધી અમે અમારા રૂપિયા પરત મળી જાય તેના પ્રયાસમાં હતાં. અંતે તાલુકા પોલીસમાં ફરિયાદ કરી હતી. તેમ વધુમાં રશ્મિનભાઇ પરમારે કહેતાં તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરા, પીએસઆઇ એમ. એચ. મહારાજ, ભાવીનભાઇ સહિતે ગુનો નોંધી આરોપી અલ્પેશ ગોપાલદાસ દોંગાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અલ્પેશ વિરૂધ્ધ અગિયાર લાખની અને બાદમાં ખેડુતો સાથે ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતી. તેમજ જેતપુરમાં મંડળીના એક એજન્ટે રોકાણકારો દ્વારા થઇ રહેલી ઉઘરાણીને કારણે કંટાળી આપઘાત કર્યો હતો. ત્યાં હવે અલ્પેશ દોંગા સામે અધધધ ૧૧ કરોડની ઠગાઇનો વધુ એક ગુનો દાખલ થયો છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભોગ બનેલાઓને તેમની રકમ પરત મળે તે માટેના પ્રયાસ રૂપે પીઆઇ હરિપરા અને ટીમે તપાસ આગળ વધારી છે.
(11:47 AM IST)










