News of Wednesday, 12th March 2025
‘હમ સાથ સાથ હૈ'સરકાર રાજકોટ સાથેઃ પ્રજા તરસી નહિ રહે
ઢાંકી ખાતે રિપેરીંગ કરવું ફરજીયાતઃ હડાળાના જુના સંપને ફરી શરૂ કરી રાજકોટને પુરતું નીર અપાશે :ગાંધીનગર ખાતે મનપા પદાધિકારીઓ, શહેર ભાજપ પ્રમુખ-મહામંત્રી તથા પ્રભારી મંત્રીની પાણી પુરવઠા મંત્રીને ગઇકાલે કરાયેલ રજૂઆત ફળી

રાજકોટ, તા., ૧૨ : રાજકોટને પીવાના પાણીની દરરોજની ૪૦૦ એમએલડીની જરૂરિયાત સામે બેડી ખાતે આવતું ૧૩૫ એમએલડી નર્મદાનીર રિપેરીંગ કામ અંતર્ગત બંધ કરવાની નર્મદા નિગમે જાહેરાત કરતા રાજકોટમાં પાણીકાપનો ભય ઉભો થયો હતો. જે માટે ગઇકાલે મનપાના પદાધિકારીઓ ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રી સહિતનો ગાંધીનગર ખાતે દોડી ગયા હતાં.
જ્યાં કળષિ મંત્રી રાઘવજીભાઈની ઉપસ્થિતિમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને આ વર્ષે રિપેરીંગ કામ ન કરવામાં આવે તેવી રજૂઅતા કરેલ પરંતુ સુએજ અને લીકેજ માટે રિપેરીંગ ફરજિયાત હોય ૧૩૫ એમએલડી પાણીની ઘટ પુરી કરવા માટે વચલો રસ્તો કાઢવામાં આવ્યો હતો. હવે હડાળા ખાતે કે જે અગાઉ સંપ ચાલુ હતો તે ચાલુ કરી મચ્છુ-૧ ડેમમાંથી હડાળા સુધી પાઈપલાઈન મારફતે પાણી લઈ આવી ૧૩૫ એમએલડીની ઘટ પુરી કરવામાં આવશે. પાણીકાપ નહીં આવે તેવી ખાતરી સરકારે આપી હતી.
રાજકોટ શહેરની દૈનિક જરૂરિયાત ૩૯૫ એમએલડી છે. જેની સામે આજી-૧ ડેમમાંથી ૧૩૦ એમએલડી અને ન્યારી-૧ ડેમમાંથી ૧૪૦ એમએલડી અને ભાદર ડેમમાંથી ૩૫ એમએલડી અને બાકીનું ૧૩૫ એમએલડી બેડી ખાતેથી ઉપાડવામાં આવી રહ્યું છે. આજી-૧ અને ન્યારી-૧ ડેમ ખાલી થઈ જતાં હાલમાં સૌની યોજનાના નર્મદાનીર ઠાલવવામાં આવી રહ્યા છે અને બન્ને ડેમ છલોછલ ભરી દેવામાં આવશે.
પરંતુ ઢાંકી ખાતે લીકેજ અને સુએજનું કામ કરવાનું હોય આગામી તા. ૨૪થી નર્મદાનીરની તમામ સપ્લાય બંધ કરવામાં આવશે. જેના લીધે બેડી ખાતે પાઈપલાઈન મારફતે દરરોજ આવતું ૧૩૫ એમએલડી પાણી મળી શકશે નહીં આથી આટલી મોટી ઘટ પુરી થઈ શકે તેમ ન હોય ભરઉનાળે પાણીકાપ ઝીંકવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થતાં મહાનગરાપલિકાના પદાધિકારીઓ સહિતનાએ ગઈકાલે ગાંધીનગર ખાતે સફળ રજૂઆત કરતા હાલ પુરતો પાણીકાપનો પ્રશ્ન હલ થઈ ગયો છે.
બેડી ખાતે મળતા ૧૩૫ એમએલડી નર્મદાનીરનું વિતરણ આગામી દિવસોથી બંધ થઈ જવાનું હોય સરકાર દ્વારા હવે મચ્છુ-૧ ડેમમાંથી પમ્પીંગ કરી હડાળા ખાતે પાણી સપ્લાય કરવામાં આવશે. અગાઉ હડાળા ખાતે સંપ બનાવેલ અને મચ્છુ-૧ ડેમ સુધીની પાણીની લાઈન પણ નાખવામાં આવેલ હોય આ જુની લાઈનનો ઉપયોગ કરી ૧૩૫ એમએલડીની ઘટ પુરી કરવામાં આવશે. જેના લીધે દૈનિક ૪૦૦ એમએલડી પાણી વિતરણની જરૂરિયાત આસાનીથી પુરી થશે. (૪.૧૨)
(3:13 PM IST)










