News of Wednesday, 12th March 2025
સ્માર્ટ મીટર મામલોઃ મહર્ષિ અરવિંદ ટાઉનશીપના ફલેટ ધારકો કલેકટર પાસે દોડી ગયાઃ
ફરજીયાત મીટર લગાવાય છેઃ ધાકધમકી આપે છેઃ આવેદન પાઠવાયું

રાજકોટ તા. ૧રઃ રેલનગરમાં આવેલ મહર્ષિ અરવિંદ ટાઉનશીપના ફલેટ ધારકોએ કલેકટરને આવેદન પાઠવી પીજીવીસીએલ દ્વારા વિજ ગ્રાહકની પૂર્વ મંજુરી વિના લગાવાતા સ્માર્ટ મીટર અંગે રજુઆતો કરી હતી.
આવેદનમાં ઉમેર્યું હતું કે અમો મુખ્યમંત્રી આવાસ યોજનાના ફલેટ ધારકો છીએ. અમારા આવાસમાં અમે છેલ્લા સાત વરસ થયા રહીએ છીએ. હાલતમાં તા. ૭-૩-ર૦રપને શનિવારે સવારે પીજીવીસીએલ માધાપર સબ-ડિવિઝન તરફથી અમારી ટાઉનશીપમાં અમારી પૂર્વ મંજુરી વિના રર૪ ફલેટમાં સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરેલ છે. અમને ફરજમાં રૂકાવટનાં ગુનામાં ફીટ કરી દેવાની ધમકી પણ આપવામાં આવેલ છે,
અમારી બાજુની મહર્ષિ દયાનંદ સોસાયટીનાં વિરોધ કરનારા લોકોને પણ પોલીસ કેસની ધમકી આપી, ડરાવીને અંદાજે ૪૪૮ જેટલા સ્માર્ટ મીટર જોર-જબરદસ્તીથી લગાવી દીધા છે. અમે છેલ્લા સાત વરસથી અમારા લાઇટ બીલ નિયમીત ભરીએ છીએ. અમારા ચાલુ મીટરમાં કોઇ જાતની ખામી નથી, છતાં અમારા મીટર બદલવાનું શરૂ કરેલ છે.
અમારો વિરોધ એટલા માટે છે કે સારા ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ છેલ્લા ૧ વરસ થયા થયો છે, થઇ રહ્યો છે, અને હજી પણ થવાનો જ છે, લોકો રીતસર સ્માર્ટ મીટરથી ભયભીત થયેલા છે.
અમારો વિરોધ એટલા માટે પણ છે કે રાજકોટના અતિ સંવેદનશીલ વિસ્તારો કે જયાં પીજીવીસીએલ પોલીસ કાફલા સાથે પણ જઇ શકતી નથી, અને દાયકાઓથી તેઓ દર માસે લાખો રૂા.ની વિજચોરી કરે છે, ત્યાં સરકાર આવા સ્માર્ટ મીટર નાખી બતાવે. જે સરકારી કચેરીઓ, વગદાર રાજકારણીઓ, કેટલાક મોટા ઉદ્યોગ ગૃહો અને ખાનગી એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર કેમ નાખવામાં આવતા નથી? (૭.ર૭)
(3:19 PM IST)










