તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Wednesday, 12th March 2025
કાલે હોલીકા દહન : શુક્રવારે રંગ પર્વ ધુળેટી
ફાગણ ફોરમતો આવ્યો... આનંદના અબીલ ગુલાલ ઉડાડતો આવ્યો... ફાગણ ફોરમતો આવ્યો... ચોકે ચોકે છાણાના ગંજ ગોઠવવા તૈયારીઓ શરૂ : ખજુર-ધાણી-દાળીયા અને સાકરના હારડાની બજારોમાં ધુમ ખરીદી : શુક્રવારે ધુળેટી પર્વે આનંદના અબીલ ગુલાલ ઉડશેઃ મંદિરોમાં ફુલડોલ ઉત્સવના આયોજનો

રાજકોટ તા. ૧૨ : ફાગણ બેસતા જ ચોમેર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. બાગ બગીચામાં છોડ - વૃક્ષોમાં નવી કુંપળો ફુટી નીકળે છે તો કેશુડો તો વળી વિશેષ છટાના દર્શન કરાવે છે. કેશુડાના ફુલો જાણે કે ડાળીએ ડાળીએ લાલ રંગોની રંગોળી સર્જી દયે છે.
આવા ફોરમતા ફાગણ માસની પૂનમ આવે એટલે લોકો હોળી મનાવે છે. બીજા દીવસે પડવો એટલે કે ધુળેટીનો રંગ ઉત્સવ મનાવે છે.આવતીકાલે હોળી દહન કરવા ચોકે ચોકે છાણાના ગંજ ખડકવાની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. વિવિધ વિસ્તારોમાં લતાવાસીઓ દ્વારા અને સંસ્થા મંડળો દ્વારા હોલીકા દહનના આયોજનો કરવામાં આવ્યા છે.
શુક્રવારે રંગપર્વ ધુળેટી મનાવાશે. લોકો રંગે રમી આનંદ લુંટશે. ધાણી, દાળીયા, ખજુર, સાકરના હારડા, ટોપરાની ઉત્સવલક્ષી ખરીદી બજારોમાં જોવા મળી રહી છે તો રંગ અને પીચકારીની બજારોમાં પણ છેલ્લી ઘડીની ખરીદી જામી છે. ચોમેર ઉત્સવી માહોલ છવાયો છે. મંદિરોમાં ફુલડોલ ઉત્સવના કાર્યક્રમો આયોજીત કરાયા છે. હોળી-ધુળેટી નિમિતે યોજાયેલ કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.
કોઠારીયા કોલોની
કોઠારીયા કોલોની ગરબી ચોક ગ્રુપ દ્વારા કાલે તા. ૧૩ ના ગુરૂવારે રાત્રે ૯ કલાકે હોળી પ્રાગટય થશે. આસપાસના લોકો પ્રદક્ષીણા કરી ખજુર, ધાણી, દાળીયા અને શ્રીફળનો હોમ કરશે. અગ્નિદેવનું પુજન કરાશે. હોળીની જવાળા જોઇ શુકનનો વરતારો જોવાશે. તેમ કોઠારીયા કોલોની ગરબી ચોક ગ્રુપની યાદીમાં જણાવાયુ છે.
રેસકોર્ષ પાર્ક પરિવાર
રેસકોર્ષ પાર્ક પરિવારના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહીલના નેતૃત્વ હેઠળ છેલ્લા ૩૦ વર્ષથી દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત કાલે હોલીકા દહનનો કાર્યક્રમ રાખેલ છે. રાત્રે ૯ કલાકે હોળી પ્રગટાવાશે. કપુરની ગોટી અને ગુગળના ઉપયોગથી વાતાવરણ સુગંધીત બનશે. બ્રાહ્મણો શાષાોકત વિધિવિધાન સાથે મંત્રોચ્ચાર કરશે. રેસકોર્ષ પાર્કના તમામ ભાઇ બહેનો તૈયારીમાં જોડાયા છે.
(3:55 PM IST)










