News of Wednesday, 12th March 2025
રીંગ રોડ-ર ફોર લેન બનશેઃ રૂડામાં બોર્ડમાં મંજુરીની મ્હોર
શહેરી વિકાસ સતામંડળની ૧૭૬ મી બેઠકમાં રોણકી ગામે ટી.પી. સ્કીમ નં. ૩૮/૨, કાંગશીયાળીમાં પાણી પુરવઠા તથા ભુગર્ભ ગટરના કામોની દરખાસ્તોનો નિર્ણય

રાજકોટ, તા., ૧રઃ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.૧૨-૦૩-૨૦૨૫ના રોજ ૧૭૬મી બોર્ડ બેઠક ચેરમેનશ્રી તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયેલ. જેમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂ.૨૯૭.૪૧ કરોડના બજેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી. આ વર્ષના બજેટમાં રૂડા વિસ્તારમાં લોકોપયોગી સુવિધાઓમાં વધારો થાય તેમજ સત્તામંડળ વિસ્તારમાં ઝડપી વિકાસ થાય તે હેતુથી રાજકોટ શહેરને ફરતે તૈયાર થયેલ રીંગ રોડ-૨ને ૨ માર્ગીયમાંથી ૪ માર્ગીય બનાવવા, રોણકી ગામે ટી.પી.સ્કીમ નં.૩૮/૨ અને કાંગશિયાળી ગામમાં પાણી પૂરવઠાના તેમજ ભૂગર્ભ ગટરના કામો હાથ ધરવામાં આવશે.
સત્તામંડળ વિસ્તારમાં વિવિધ આંતરમાળખાકિય પ્રોજેકટ માટે કૂલ રૂ.૨૫૧.૩૩ કરોડના ખર્ચને બહાલી આપવામાં આવેલ, જેમાં રીંગ રોડ-૨ ફેઝ-૨ તેમજ ટી.પી./ડી.પી. રોડના કામો માટે રૂ.૧૫૫.૪૪ કરોડ, પાણી પુરવઠાતેમજ ભૂગર્ભ ગટરના કામો માટે રૂ.૭૭ કરોડ, સ્ટ્રીટલાઈટ તેમજ ઘન કચરા વ્યવસ્થાપનના કામો માટે રૂ.૧૩.૯૦ કરોડનું બજેટ ફાળવવામાં આવેલ છે. ચેરમેનશ્રી તથા મ્યુનિસિપલ કમિશ્રર તુષાર સુમેરા, રિઝીયોનલ કમિશ્રર ઓફ મ્યુનિસિપાલીટી મહેશ જાની, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, રૂડાના સી.ઈ.એ. જી.વી.મીયાણી, મુખ્ય નગર નિયોજકના પ્રતિનિધિ તરીકે કે.આર.સુમરા તથા RMCના સીટી એન્જી.કે.કે.મહેતા હાજર રહેલ હતા.
(4:05 PM IST)










