News of Thursday, 13th March 2025
આઇ.ટી સેક્ટર ઇન્ડેક્સ મંદીના ભરડામાં: વૈશ્વિક મંદીની ધારણાએ કડાકા
ઓટો સેક્ટર ની મંદિ પછી હવે આઇ.ટી સેક્ટર પર પણ ભારે દબાણઃ અમેરીકાના આઇટી શેરોના પગલે ભારતીય આઇ.ટી શેરો પણ ડાઉન

રાજકોટ,તા.૧૩: બુધવારે શેર બજારમાં આઇ.ટી સેક્ટર ના શેરોમાં કડાકા બોલી ગયા છે. આઇ.ટી સેક્ટર પર દબાણ વધ્યું છે. વૈશ્વિક મંદિ ની અસર પણ સેક્ટર પર જોવા મળી છે.ટેરીફ વોરના કારણે ઘણી બધી કંપનીઓના ગણિત ખોટા પડશે.ડોલર ઇન્ડેક્સ પણ આઈ.ટી કંપનીને અસર કરતા રહેશે.અનિヘતિતા નો માહોલ છવાયો છે. ત્યારે મહદ અંશે આઈ.ટી શેરોના ભાવો પણ ટકાવી રાખવા મુશ્કેલ બન્યા છે.કંપનીઓની નફાશક્તિ પર પણ મોટી અસર આગામી સમયમાં જોવા મળશે. આઇ.ટી સેક્ટરની મુખ્ય કંપનીઓના શેરોના ભાવોની વાત કરીએ તો છેલ્લા ત્રણ મહિનામાં જ નિફ્ટી આઈ.ટી માં ૨૦% થી વધુનો ઘટાડો થયો છે.શેરોના ભાવોમાં ૧૫% થી લઈને આશરે ૩૩% સુધી આઇ.ટી સેક્ટર ના શેરોના ભાવ બગડ્યા છે,ઘટયા છે. ટી.સી.એસ, ઇન્ફોસીસ, વીપ્રો, એચ.સી.એલ અને ટેક મહિન્દ્રા જેવી કંપનીઓ ના ભાવો ઘટતા રોકાણકારો મૂંઝાયા છે. કારણકે દિગ્ગજ કંપનીઓના ભાવો તૂટી રહ્યા છે.
આઇ.ટી સેક્ટરમાં ૫૨ વીક ની વાત કરીએ તો ૫૨ વીક માં પણ ૭% થી લઈને ૨૫% સુધી શેરોના ભાવ ઘટયા છે. આઇ.ટી શેરોમાં રોકાણકારોને નેગેટીવ રીટર્ન મળવાનું શરૂ થયું છે.અમેરિકન ડોલરની અસર પણ જોવા મળી છે. શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર હાલમાં દરેક ક્ષેત્રમાં મંદીનું વાતાવરણ છે.શરૂઆતમાં ઓટો સેક્ટર અને હાલમાં આઇ.ટી સેક્ટરમાં કડાકા બોલી રહ્યા છે. આવનારા દિવસોમાં કયા સેક્ટર પર વધુ દબાણ થશે , તે કહેવું મુશ્કેલ છે. પરિસ્થિતિ થાળે પડતા સમય લાગશે. ઘણી બધી કંપનીઓને તો અસર પડશે પરંતુ કેટલાક દેશની ઇકોનોમી ને પણ ડામાડોળ કરશે.
(1:08 PM IST)










