News of Thursday, 13th March 2025
રાત્રે હોલીકા દહન : કાલે ધૂળેટીની ઉજવણી
ગામે-ગામે હોળી-ધુળેટી પર્વ ઉજવવા થનગનાટ : કાલે આખો દિવસ સૌ કોઇ એકબીજા ઉપર રંગ ઉડાડીને રંગ પર્વ ઉજવશે : દૈત્ય શક્તિ પર દૈવી શક્તિના વિજયને ઉત્સવરૂપે વધાવવા લોકોના હૈયે ઉડતા આનંદના અબીલ ગુલાલ : ખજુર, ધાણી, દાળીયા, ટોપરા, સાકરના હારડાની બજારો ધમધમી : હોળી-ધુળેટી પર્વના રંગે રંગાતુ રાજકોટ : રંગ અને પીચકારીમાં છેલ્લી ઘડીની ખરીદી : રંગબરસે ભીંગે ચુનરવાલી રંગ બરસે.....બલમ પિચકારી.... જય જય શિવશંકર વગેરે ગીતોની રમઝટ બોલશે

રાજકોટ તા. ૧૩ : આજે ફાગણ સૂદ પૂનમ! એટલે કે હોળી દહનનો દિવસ! શહેરભરમાં ચોકે ચોકે છાણાના ઢગલા ગોઠવાઇ ગયા છે. ભકત પ્રહલાદ અને હોલીકાની કથાને યાદ કરી દૈત્ય સામે દેવોના વિજયની આ ઘડીને ઉત્સવરૂપે મનાવવામાં આવે છે.
આ નિમિતે હોલીકા દહન કરવામાં આવે છે. શહેરભરમાં ચોકે ચોકે હોળી દહનના આયોજનો થયા છે. સાંજે હોળી પ્રગટાવી સૌ કોઇ પ્રદક્ષિણાનો લ્હાવો લેશે. ખજુર, ધાણી, એલચી, કપુરનો હોમ કરાશે.
જયારે કાલે રંગોનો તહેવાર ધુળેટી મનાવાશે. રંગે રમવા સૌકોઇ આતુર બન્યા છે. મંદિરોમાં પણ ફુલડોલ ઉત્સવ ઉજવવાના આયોજનો થયા છે.શહેરભરમાં હોળી-ધૂળેટી નિમિતે આયોજીત કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.
કોઠારીયા કોલોની
કોઠારીયા કોલોની ગરબી ચોકમાં છેલ્લા ૬૪ વર્ષથી પ્રાચીન હોળી ઉસવની ઉજવણી થાય છે. તે મુજબ આજે ગુરૂવારે રાત્રે ૯ વાગ્યે હોળી પ્રગટાવાશે. ૯ હજાર છાણાની કલાત્મક ગોઠવણી કરી અનેરા શણગાર કરવામાં આવ્યા છે. રાત્રે હોળી દહન બાદ લોકો પ્રદક્ષિણાનો લાભ લેશે.
સદ્દગુરૂ આશ્રમે ફુલડોલ ઉત્સવ
સદ્દગુરૂ સદન ટ્રસ્ટ પ્રેરીત શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે કાલે તા. ૧૪ ના ધુળેટી પર્વ નિમિતે સવારે ૧૦ થી ૧૨ ફુલડોલ ઉત્સવ ઉજવાશે. ૧૦ વગ્યે લાલાનું સુક્ષ્મ પૂજન કરી બાદમાં રાસ લેવામાં આવશે. ફુલોનો શણગાર કરી ફુલો ઉડાડી ઉત્સવની ઉજવણી કરાશે. ધર્મપ્રેમીજનોએ પધારવા જાહેર નિમંત્રણ પાઠવાયુ છે.
રતનપર રામમંદિર
રતનપર ખાતે આવેલ શ્રી રામચરિત માનસ મંદિરે કાલે શુક્રવારે સવારે ૧૧ થી ૧ ફુલડોલ ઉતસવ ઉજવાશે. ભાવિકો પર ફુલોની વર્ષા કરાશે. બપોરે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરાઇ છે.
ગીતા મંદીર જંકશન પ્લોટ
જંકશન પ્લોટ ખાતે આવેલ ગીતા મંદિરે કાલે તીલક હોળી રમાડવામાં આવશે. સમગ્ર ગીતા વિદ્યાલય પરીસરને ફુલો અને રોશનીનો શણગાર કરાયો છે. મુરલીમનોહરના દર્શન કરી ભાવિકો ધુળેટી મનાવશે.
નાથધામ હવેલી
મોટામવા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન નાથધામ હવેલી ખાતે કાલે સવારે ૬ કલાકે મંગળા દર્શન બાદ ૬.૩૦ કલાકે હોળી પ્રજવલન અને ૧૦ કલાકથી ફુલડોલ ઉત્સવ ઉજવાશે. સાંજે ૬.૩૦ કલાકે શયન દર્શન ખુલ્લા મુકાશે.
શાળાઓમાં પૂર્વ દિને ધુળેટીની ઉજવણી
શહેરની વિવિધ શાળા કોલેજોમાં કાલે ધૂળેટીની રજા હોય આજે પૂર્વે દિવસે રંગે રમવાનો આનંદ મેળવ્યો હતો.
(3:22 PM IST)










