News of Thursday, 13th March 2025
રેલનગરમાં નવા મકાનની સાઇટ પર આટો મારવા જતાં પહેલા માળેથી પટકાવાને લીધે યુવાનનું મોત
કર્ણાવતિ સ્કૂલ પાસે રહેતાં ૩૮ વર્ષિય વ્રજેશભાઇ ગોહેલે એક મહિનાની સારવાર બાદ દમ તોડ્યોઃ બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૧૩ : રેલનગરમાં રહેતો યુવાન ગયા મહિને ઘર નજીક નવા બનતા મકાનની સાઇટ પર આટો મારવા ગયો ત્યારે અકસ્માતે પડી જતાં ઇજા થઇ હતી. સારવાર બાદ રજા લઇ ઘરે ગયા બાદ આજે બેભાન થઇ જતાં મોત નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ રેલનગરમાં કર્ણાવતિ સ્કૂલ પાસે મનહરી એકલવ્ય એપાર્ટમેન્ટ-૧૦૨માં રહેતો વ્રજેશભાઇ બિપીનભાઇ ગોહેલ (ઉ.વ.૩૮) નામનો યુવાન ગત તા. ૨૩ ફેબ્રુઆરીના રાતે સાડા દસેક વાગ્યે પોતાના ઘર નજીક નવા બની રહેલા મકાનની સાઇટ પર આટો મારવા ગયો ત્યારે પહેલા માળેથી અકસ્માતે પડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે એઇમ્સમાં, ત્યાંથી એચ. જે. દોશીમાં ખસેડાયેલ. દિવસો સુધી સારવાર બાદ રજા અપાતાં ઘરે લઇ જવાયેલ. દરમિયાન આજે સવારે એકાએક તે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. પરંતુ તબિબે તેને મૃત જાહેર કર્યો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૃ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ પ્ર.નગર પોલીસને જાણ કરતાં જરૃરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્યુ પામનાર વ્રજેશભાઇ બે ભાઇમાં નાનો હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેને લાખાજીરાજ રોડ પર લેડી લૂક ટેઇલર નામે દૂકાનમાં બેસી ગુજરાન ચલાવતો હતો. (૧૪.૫)
(3:23 PM IST)










