<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

અમરગઢ ભીચરીના રહેવાસીઓ કલેકટર પાસે દોડી આવ્યા પહેલા અન્યત્ર આશરો આપોઃ પછી બુલડોઝર ચલાવો

શિવમ પાર્ક રેસીડેન્સીના ભૂમાફીયાઓ સામે લેન્ડ ગ્રેબીંગ કરવા પણ માંગણી

રાજકોટ, તા. ૧૩:  અમરગઢ ભીચરીમાં રહેતા નીતાબેન સાગઠીયા તથા અન્યોએ કલેકટરને આવેદન પાઠવી દલિત પછાત વર્ગના આશરા/રહેણાંકો ઉપર ચાલતા બુલડોઝર રોકવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે, અમો અરજદારો સ્વતંત્ર ભારતના નાગરીક છીએ. તેમજ ભારતીય બંધારણ દ્વારા આપવામાં આવેલ મુળભુત અધિકારો માંથી અમો અરજદારોને હિંદુ ધર્મ પૈકી 'અનુસુચિત જાતિ' તેમજ અન્ય પછાત વર્ગના લોકોને પછાત વર્ગમાં સમાવેશ કરવામાં આવેલ છે. ભારતીય બંધારણ પાયામાંથી જ એ વિભાવના ઉભી થાય છે કે અમો તથા અમારા વંશજો પ્રથમથી ગરીબ, શોષિત, પિડીત, વંચિત અને અછુત અને પછાત વર્ગ તરીકે જીવન જીવતા આવી રહયા છે.

અમો અરજદારોનું આ એક માત્ર રહેણાંક માટેનું મકાન અને અમારો આ આશરો છીનવાઇ જશે તો અમો અનુસુચિત જાતિ, સનાતન હિંદુ ધર્મના પછાત વર્ગના અત્યંત વંચિત, પિડીત, શોષિત પરિવારનાં અમારા કુટુંબીજનો તથા બાળકો રોડ ઉપર આવી જશે અને અમારો પરિવાર વેર-વિખેર થઇ જશે જેથી અમારૃ રહેણાંકનું મકાન હટાવતા પહેલા મુળ શિવમ પાર્ક રેસીડેન્સીના પ્રયોજકો ભૂમાફિયા ઉપર લેન્ડ ગ્રેબિંગ જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી કરી જેલ હવાલે કરી કાયદાની યોગ્ય નસીહત પહોંચાડવામાં આવે તેમજ અમોને કાયમી રહેણાંક અંગેની વૈકલ્પિક વ્યસ્થા કરી આપ્યા બાદ જ અમારો આશરો છીનવવા બુલડોઝર લઇને આવવા રજુઆત છે.

અમારો એકનો એક આશરો છીનવી અમોને આશરા/રહેણાંકો વિહોણાં બનાવવામાં આવશે તો ના છુટકે અમારે ધર્મ પરિવર્તન કરી, હિજરતીઓ તરીકે જીવન જીવવાની ફરજ પડશે. અને જો અમોને યોગ્ય ન્યાય આપ્યા વગર આ તમારૃ બુલ્ડોઝર અમારા મકાનો પાડવામાં આવશે તો પહેલા અમારી છાતી ઉપર ચડાવવું પડશે જેની ગંભીર નોંધ લેશો. તેમ અમરગઢ ભીચરીમાં આવેલ શિવમ પાર્ક રેસીડેન્સી સોસાયટીના રહેવાસીઓએ ઉમેર્યુ હતું. તાલુકા મામલતદારે આ લોકોને તા. ૧૮ માર્ચ સુધીનો સમય આપ્યો છે.(૬.૧૩)

(3:52 PM IST)