News of Thursday, 13th March 2025
હોળી-ધુળેટી સાચા અર્થમાં પ્રકૃતિની સાથે એકરંગ થઈ જવાની કામનાને મૂર્તિરૃપ બનાવવાનો એક અવસર છેઃ ઉદય કાનગડ
રંગોની આરાધનાનો તહેવાર હોળીઃ શહેરીજનોને હોળી–ધુળેટીના પર્વની શુભેચ્છા પાઠવતા રાજકોટના ભાજપના ધારાસભ્ય વર્ષનો આ સમય વસંત ઋતુના વધામણાનો સમય હોય છેઃ ખેતરો પાકથી લહેરાતા હોય છેઃ યુવાન હૈયા વસંતની સાથોસાથ ખીલી ઉઠે છેઃ કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે

રાજકોટઃ ધારાસભ્ય શ્રી ઉદય કાનગડએ શહેરીજનોને હોળી-ધુળેટીના પાવન પર્વની શુભેચ્છા પાઠવતા જણાવેલ કે હોળી અને ઘુળેટી માત્ર ભારતમાં જ નહી. અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને રંગોનો તહેવાર પણ કહેવાય છે. ગુજરાતમાં ખાસ કરીને હોળીને ''હુતાસણી''થી ઓળખવામાં આવે છે. હોળીના બીજા દિવસ ધુળેટીને ''પડવો'' કહેવામાં આવે છે. ધુળેટી પછી આકરા ઉનાળાની શરૃઆત થાય છે, એટલે કે મોટા તહેવારોની ઉજવણીમાં પાંચેક માસ જેટલો બ્રેક આવે છે. ધુળેટી પછી છેક શ્રાવણ માસથી રક્ષાબંધન-જન્માષ્ટમી જેવા તહેવારોની શ્રુંખલા પાછી ચાલુ થાય છે.
હોળીને ''દોલયાત્રા'' કે ''વસંતોત્સવ'' તરીકે પણ ઓળખવામાં આવે છે. હોળીનો રંગ આપણા બધાને એકબીજા સાથે જોડે છે અને સંબધોમાં પ્રેમ અને સ્નેહના અવનવા રંગ ભરે છે. આપણી ભારતીય સંસ્કૃતિનો સૌથી સુંદર રંગ ''હોળીનો તહેવાર રંગ'' માનવામાં આવે છે. આજે પણ વ્રજની હોળી એ આખા દેશ માટે આકર્ષણનું કેન્દ્ર છે. વૃંદાવનમાં ૧૫ દિવસ સુધી હોળીનો તહેવાર ઉજવાય છે.
ધુળેટી પર્વમા રંગોની અભિલાષા સામાજીક, સામુહિક બની જાય છે અને રંગોની આ આરાધનાના એક અનોખા અવસરે લોકો એકબીજાને જુદા-જુદા રંગોથી રંગે છે, ફાગણ રમાય છે, ગુલાલ ઉડાડે છે અને રંગ ભરીને એકબીજા પર પીચકારીઓ મારે છે. આમ માનવ પોતાને રંગીન બનાવીને પોતાને પ્રકૃતિની વધારે નજીક અનુભવે છે. આમ હોળી-ધુળેટી સાચા અર્થમાં પ્રકૃતિની સાથે એકરંગ થઈ જવાની કામનાને મૂર્તિરૃપ આપવાનો એક અવસર છે. આમ હોળીનો તહેવાર આપણને સત્યનો અસત્ય ઉપર વિજય અને ધર્મનો અધર્મ ઉપર વિજયનો સંદેશ આપે છે. આ દિવસ એકતા અને ભાઈચારા અને સામાજિક સમરસતાનો સંદેશ પણ આપે છે. બીજા દિવસે ધૂળેટી સત્યના વિજયની ખુશાલી અને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. એમ અંતમાં શહેરીજનોને હોળી-ધૂળેટી પર્વની શુભેચ્છા આપતા શ્રી ઉદય કાનગડએ જણાવેલ હતું. (૩૮.૨૧)
(3:54 PM IST)










