<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th March 2025

બોર્ડના પ્રશ્‍નોનું સંકલન હવે સ્‍ટેન્‍ડીંગ ચેરમેન નહિ, મેયર કરશે

ભાજપમાં પરિવર્તનનો પવન મુકેશ દોશીની રવાનગી બાદ સ્‍વચ્‍છ પ્રતિભા માધવ દવે પ્રમુખ બન્‍યા બાદ ૪ દાયકા પછી નવી પધ્‍ધતી : ભ્રષ્‍ટાચારને બ્રેક લાગશે

 

રાજકોટ, તા., ૧૩: આગામી ૧૯મીએ મળનાર મનપાના જનરલ બોર્ડના પ્રશ્નોનું સંકલનમાં ૪૦ વર્ષની ભાજપની પરંપરા તોડી નવો ચિલો ચિતરાયો છે.

સામાન્‍ય સભાના એજન્‍ડા પ્રસિધ્‍ધ થયાના દિવસે નગર સેવકો દ્વારા પ્રશ્નો સંકલનના ભાગરૂપે સ્‍ટે. ચેરમેનના માર્ગદર્શન હેઠળ સેક્રેટરી વિભાગ દ્વારા મોકલવામાં આવતા હતા. જયારે આગામી બોર્ડનાં પ્રશ્નોતરી સહિતની સંકલનની જવાબદારી મેયર કરશે. પાર્ટીના નવા શહેર પ્રમુખ બાદ શહેરના પ્રથમ નાગરીક પણ નવારૂપમાં જોવા મળ્‍યા હતા. સતત વિવાદો ઉભા કરવાના પ્રયાસો છતા નયનાબેને થોડા દિવસ પહેલા નિવેદન આપેલ કે હું જુથવાદમાં માનતી નથી. ફકત મારૂ કામ કર્યે રાખુ છું.

મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી મેયર નયનાબેન પેઢડિયા વિરૂધ્‍ધ એક જુથ કામ કરી રહયું હોય અને સતત તેમને નજર અંદાજ કરવામાં આવી રહયા હોય તેવો માહોલ જોવા મળી રહયો છે. જેની પાછળ એક જુથનો હાથ હોવાની પણ ચર્ચા જાગી હતી. મનપા લોબીમાં ચર્ચાતી વિગતો મુજબ ગત સપ્તાહે રાજકોટ સહિત સમગ્ર રાજયના પ્રમુખોની જાહેરાત થઇ હતી. ત્‍યારે શહેરના પ્રમુખ તરીકે માધવ દવે (૯૮૨૫૩ ૫૫૮૦૭) ની નિમણુંક થઇ હતી. તેમની નિમણુંૅક થતાની સાથે કોર્પોરેશનમાં પણ છેલ્લા ૪૦ વર્ષથી બોર્ડ બેઠકના સંકલનની સત્તા મેયરે સેક્રેટરી વિભાગ દ્વારા કરવામાં આવતી પ્રશ્‍નોની ફાળવણીની સત્તા પણ આંચકી લેવામાં આવી છે. અને તેમના અચાનક આ પ્રકારના પગલાથી પદાધિકારીઓમાં પણ તર્કવિતર્ક થવા લાગ્‍યા છે.

મેયરની સત્તાની રૂહે લેવામાં આવતા અનેક નિર્ણયો અન્‍ય પદાધિકારીઓ દ્વારા લેવામાં આવી રહ્યાના પણ આક્ષેપો થયા હતાં. પરંતુ મનપાની ચૂંટણી આડે હવે ૧૦ માસ જેટલો સમય બાકી હોય જુથવાદ ફરી સપાટી ઉપર આવ્‍યો છે.

સમય મર્યાદા પહેલા પ્રતિનિધિના પ્રશ્‍નો પુછવામાં આવતા અમુક આગેવાનો અને અધિકારીઓમાં દોડધામ થવા લાગી છે. તેમજ પ્રશ્‍ન પાછા ખેંચાવા દબાણ થઇ રહ્યાની ચર્ચાએ જોર પકડયું છે. ઘણા સમયથી પદાધિકારીઓ અને શાસક પક્ષના કોર્પોરેટરો દ્વારા મુકવામાં આવેલી દરખાસ્‍તનો સ્‍ટેન્‍ડીંગ કમિટિની બેઠકમાં વિરોધ થતો આવ્‍યો છે અને પક્ષમાં રહીને પણ પક્ષના સભ્‍યો દ્વારા થતાં કામોમાં પણ દખલગીરી કરી બિનજરૂરી કામો માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મેયરે અચાનક જનરલ બોર્ડ સંકલનની તમામ સત્તા પોતાના હસ્‍તક લઇ જનરલ બોર્ડના અધ્‍યક્ષ તરીકેની જવાબદારી લઇ લેતા કોર્પોરેશનમાં તરહ-તરહની ચર્ચાઓ જોવા મળી છે અને મેયરના સમર્થકો ગેલમાં આવી ગયા હોય તેવી સ્‍થિતિનું નિર્માણ થયું છે.

(4:00 PM IST)